ભારતમાં કોરોનાની મહામારીની સ્થતિ દરરોજ ખરાબ થઈ રહી છે. દરરોજ કોરોનાના દૈનિક કેસોનો આંકડો રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દેશમાં ગુરૂવારે એક જ દિવસમાં કોરોનોના અડધો લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 1200 જેટલા મોત સાથે દૈનિક મોતનો આંકડો પણ નવા વિક્રમી સ્તરે પહોંચ્યો છે.
મૃત્યુઆંકની દૃષ્ટિએ ભારત ગુરૂવારે ફ્રાન્સને પાછળ છોડીને વિશ્વમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું હતું. દેશમાં ગુરૂવારે 24 કલાકમાં સૌથી વધુ કોરોનાના નવા 50,904 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 1199નાં મોત થયા હતા.
આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 12,85,173 થઈ ગઈ હતી, જેમાંથી 8,13,679 દર્દીઓ સાજા થઈ ગયા હતા. કોરોનાનો કુલ મૃત્યુઆંક ભારતમાં 30,595 થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું.
દેશમાં કોરોનાની દૈનિક સ્તરે ગંભીરથી ખુબ ગંભીર બની રહી છે. દેશમાં 30મી જાન્યુઆરીએ કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાયા પછી એક લાખ કેસ થતાં લગભગ 110 દિવસ લાગ્યા હતા. ત્યાર પછી બે લાખ કેસ સુધી પહોંચવામાં માત્ર 15 દિવસનો સમય થયો હતો. જોકે, ત્યાર પછી કોરોનાના પ્રત્યેક એક લાખ કેસ વધવાનો સમય સતત ઘટતો રહ્યો છે.
ત્રણ લાખ કેસ પહોંચવામાં 10 દિવસ, ચાર લાખ સુધી આઠ દિવસ, પાંચ લાખ સુધી છ દિવસ, છ લાખ સુધી પાંચ, સાત લાખ સુધી પાંચ અને આઠ લાખ સુધી કેસ પહોંચવામાં માત્ર ચાર દિવસનો સમય લાગ્યો હતો. ત્યાર પછી દર એક લાખ કેસ વધવામાં માત્ર ત્રણ દિવસનો સમય લાગ્યો છે.
દેશમાં કોરોનાના દર્દીઓના મોતનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. વિશ્વમાં કોરોનાની સ્થતિ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટરના અહેવાલ મુજબ મોતની દૃષ્ટિએ ભારત વિશ્વમાં ફ્રાન્સને પાછળ રાખીને છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. વિશ્વમાં કોરોનાના કેસ 1.54 કરોડ થયા છે જ્યારે કુલ મૃત્યુઆંક 6.32 લાખ થયો છે, જેમાં સૌથી વધુ 1.46 લાખ મોત અમેરિકામાં થયા છે.
મોતના આંકડાના સંદર્ભમાં અમેરિકા પછી વિશ્વના ટોચના 10 દેશોમાં બ્રાઝિલ (83,036), બ્રિટન (45,554), મેક્સિકો (41,190), ઈટાલી (35,092), ભારત (30,601), ફ્રાન્સ (30,172), સ્પેન (28,429), પેરૂ (17,455) અને ઈરાન (15,074)નો સમાવેશ થાય છે.
દેશ માટે ચિંતાની વાત એ છે કે જે ઝડપે કોરોના વધી રહ્યો છે તે જોતાં શુક્રવારે કોરોનાના કેસ 13 લાખને પાર થઈ જશે. જોકે, આ સમયમાં દેશવાસીઓ માટે સારા સમાચાર એ છે કે આ સમયમાં કોરોનાથી સારા થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 34,622 દર્દીઓ સાજા થયા છે. આ સાથે કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો કુલ આંકડો 8,13,679 થઈ ગયો છે. આમ, રિકવરી રેટ 63.31 ટકા થઈ ગયો છે.
ભારત માટે મહત્વના સારા સમાચાર એ પણ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનની કોરોના રસીનું ભારતમાં ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થશે. ઑગસ્ટના અંત સુધીમાં શરૂ થરાનારા આ હ્યુમન ટ્રાયલ માટે મુંબઈ અને પૂણેના હોટસ્પોટ વિસ્તારોમાં 4,000થી 5,000 દર્દીની પસંદગી કરાશે.
રસીના સ્થાનિક ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ આશા વ્યક્ત કરી છે કે આગામી વર્ષે જૂન સુધીમાં કોરોનાની રસી લોન્ચ કરી દેવાશે. રસીના ટ્રાયલ માટે પસંદ કરાયેલા મુંબઈ-પૂણે દેશના હોટસ્પોટ વિસ્તારો છે. પૂણેમાં કોરોનાના 59,000થી વધુ કેસ નોંધાયા છે જ્યારે મુંબઈમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 લાખથી પણ ઉપર છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 3.47 લાખ છે જ્યારે 12,854નાં મોત નીપજ્યાં છે.
ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની સૌથી ગંભીર સ્થતિ આઠ રાજ્યોમાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુ અને દિલ્હીમાં અનુક્રમે 1.92 લાખ અને 1.27 લાખ કેસ નોંધાયા છે. દેશમાં 50,000થી વધુ કેસ હોય તેવા રાજ્યોમાં કર્ણાટક (80,863), આંધ્ર પ્રદેશ (72,711), ઉત્તર પ્રદેશ (58,104), ગુજરાત (52,563), પશ્ચિમ બંગાળ (51,757) અને તેલંગાણા (50,826)નો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.