રાજકોટમાં 4 મહિનાથી કોમામાં રહેલા પ્રોફેસરના પરિવારને હાર્દિક પટેલે કરી 1 લાખની સહાય, સાથે મનસુખ માંડવીયા પર કર્યા આકરા પ્રહાર

હાલ રાજકોટનાં કોઠારિયા વિસ્તારમાં રહેતા 31 વર્ષના પ્રોફેસર રાકેશ વઘાસિયા કોમામાં છે. ગત એપ્રિલ માસમાં કોરોના થવાના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન તેને બીજા જ દિવસે તેમને વેન્ટિલેટર પર ખસેડવાની જરૂર પડી હતી. ત્યારબાદ થોડા સમય પછી જ પ્રોફેસર કોમામાં ચાલ્યા ગયા હતા. પ્રોફેસરની સારવાર છેલ્લા ચાર મહિનાથી થઇ રહી હોવાને કારણે પરિવાર આર્થિક રીતે પડી ભાગ્યું છે.

ત્યારે પ્રોફેસર રાકેશ વઘાસિયાના ખબરઅંતર પૂછવા આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ તેમને મળવા માટે આવી પહોંચ્યા હતા. હાર્દિક પટેલે કોમાગ્રસ્ત પ્રોફેસરના પરિવાર સાથે વાતચીત કરીને તેમને રૂ.1 લાખનો ચેક આપીને આર્થિક સહાય પૂરી પાડી હતી. ત્યાર બાદ હાર્દિક પટેલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજ અંગે આપેલ નિવેદન અંગે પ્રેસ મીડિયાને જણાવતા કહ્યું હતું કે, પટેલ સમાજ કોઈનો ગુલામ નથી, ભાજપ પોતાના મનમાંથી ફાંકો કાઢી નાખે.

હાર્દિક પટેલે વધુમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર વળતો પ્રહાર કરતા આકરા પ્રહાર કર્યા હતા કે, પાટીદાર સમાજની વાતો કરે છે, પરંતુ 4 મહિનાથી કોમામાં રહેલા પ્રોફેસર પણ પટેલ સમાજનો જ એક દીકરો છે. ભાજપના કયા નેતાએ પ્રોફેસરની મુલાકાત કરી ? આ દીકરાની ક્યાં નેતાએ મદદ કરી ? પહેલાં તેનો જવાબ આપે, પછી પાટીદાર સમાજની વાતો કરે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુલાકાત દરમિયાન હાર્દિક પટેલે પ્રોફેસરના પરિવાર સાથે વાતચીત કરી હતી અને સ્વસ્થ થઇ જાય એ માટે પ્રાર્થના કરી પરિવારને આશ્વાસન આપ્યું હતું.

પત્ની નમ્રતાબેનના જણાવ્યા અનુસાર, મારા પતિ કોમામાં છે અને તેને ખબર પણ નથી કે મેં પુત્રને જન્મ આપ્યો છે. પરિવારમાં પુત્રના આવવાની ખુશી મનાવું કે પતિ કોમામાં છે તેનું દુઃખ તે કઈ સમજાતું નથી.

વધુમાં નમ્રતાબેને કહ્યું હતું કે, પતિની આ સ્થિતિ છેલ્લા ચાર મહિનાથી છે. અમારો નાનકડો પરિવાર તેમના લીધે જ ચાલતો હતો. અત્યાર સુધી તેમનો અડધો પગાર આવતો હતો. પરંતુ આવતા મહિનેથી તે પણ બંધ થવાનો છે. જેને લઈને ઘર કેવી રીતે ચલાવવું તેનો પ્રશ્ન ઉભો થયો છે. સાથે સાથે, મારી નાની પુત્રીને શાળામાં બેસાડવાની છે, તેને લઈને તેની ફી સહિતનાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. એક સમયે અન્યની મદદ કરવા સક્ષમ પરિવાર આજે પોતાને કોઈ સહાય મળે તેની રાહ જોઈ રહ્યો છે. જોકે સ્વાભિમાન પૂર્વક જિંદગી જીવેલા પ્રોફેસરની પત્ની અને માતા કોઈ પાસે હાથ પણ લંબાવી શકતા નથી.

મળતી માહિતી અનુસાર, અત્યાર સુધી તો અમારી નાની-મોટી બચત તેમજ સગા-સંબંધીઓની મદદથી તેમનો ઈલાજ કરાવ્યો છે. પણ હજુ તેમની સારવાર કેટલો સમય ચાલશે તે પણ નક્કી નથી. અને આ માટેની આર્થિક સગવડ પણ હવે રહી નથી. ત્યારે સરકાર અને સમાજને મારી વિનંતી છે કે, સમાજનાં લોકો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થનાં કરે છે. સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, જ્યારે રાકેશભાઇ વઘાસિયા કોમામાં ગયા ત્યારે પત્ની નમ્રતાબેન ગર્ભવતી હતા અને બાદમાં પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ ઘરે પુત્ર આગમનના ખુશીના સમાચાર પતિને કંઇ રીતે કહેવા તે એક મહત્વનો પ્રશ્ન છે. જોકે લગ્નની વર્ષગાંઠ આવતાં તેઓ પતિ પાસે ગયા હતા અને પતિને કોમામાં જોતાં જ શોકમાં વાય ગયા હતા. ત્યારબાદ તેણીએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મદાતા પિતાને આજે પણ ખબર નથી કે તેના ઘરે નાનો પુત્ર રમી રહ્યો છે.

પ્રોફેસર રાકેશ વઘાસિયા કોમામાંથી જલ્દી બહાર આવે તે માટે નામાંકિત ડોક્ટર્સનો પણ લોકો સંપર્ક કરી પરિવારને આશ્વાસન આપી રહ્યાં છે. કોમામાંથી બહાર લાવવાના પ્રયાસ માટે આયુર્વેદિક ડોક્ટર્સે તેમના પત્નીની તેમજ ભાઈ સાથે વાત કરી છે. હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ઉપાડવા પણ સેવાભાવી લોકો તૈયાર થયા છે. પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે, તેમ છતાં પરિવાર અન્ય પાસે મદદ માંગતા નથી.

પ્રોફેસર લાંબા સમયથી કોમામાં હોવાની જાણ થતાં એજ્યુકેશન સાથે સંકળાયેલ અનેક સંસ્થાઓ અને પ્રોફેસરોએ આ પરિવાર સાથે વાત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. નિદત્ત બારોટ, હરદેવસિંહ જાડેજા, સુનિલ વોરા તેમજ મુકેશ દોશી સહિતના આગેવાનો પરિવારને રૂબરૂ મળવા પહોંચ્યા હતા અને તેમની પરિસ્થિતિની જાણ લીધી હતી. એટલું જ નહીં, પ્રોફેસરના પત્ની નમ્રતાબેનનો બેંક એકાઉન્ટ નંબર મેળવી મદદ માટે આયોજન હાથ ધર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *