જામનગર(ગુજરાત): ગુજરાત(Gujarat) રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર(Saurashtra)ના જામનગર(Jamnagar) જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે. જામનગર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાને કારણે કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે તેમજ જામનગર તાલુકાના તમામ ડેમો ભારે વરસાદને કારણે ઓવરફલો થઇ ચૂક્યા છે.
જામનગર જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે જામનગરના કાલાવડમાં 24 કલાકમાં ધોધમાર 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે તેમજ જામનગરમાં 3.25 ઇંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારેતરફ પાણી પાણી થઇ ગયું છે. જામનગર-કાલાવડ હાઇવે પણ અતિભારે વરસાદને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.
વોકરા અને નદી-નાળામાંથી પાણી બહાર નીકળી હાઇવે પર ફરી વળ્યા છે, જેને કારણે વિજરખી પાસે કોઝવે પર વધારે પ્રમાણમાં પાણી ફરી વળતાં જામનગર કાલાવડ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે જામનગર શહેરનો જીવાદોરી સમાન રણજિતસાગર ડેમ એક જ દિવસમાં ઓવરફ્લો થયો હતો. જેને લીધે જામનગર શહેરને પીવાના પાણીની સમસ્યા દુર થઇ હોવાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
લોકોને રેસ્ક્યૂ કરવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી:
ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાને કારણે ગામમાં 5 ફૂટથી વધારે પાણી ભરાઇ ગયા હતા. ગ્રામ્ય વીસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો બીજા માળે ચડી ગયા હતા અને કેટલાય ગામો બેટમાં ફેરવાઇ ગયા હતા. આ પ્રકારનો વરસાદ ઇતિહાસમાં પહેલી વાર ખાબક્યો હોય તેવા ખતરનાક દ્રશ્યો સર્જાયા હતા. અતિભારે વરસાદના કારણે લોકોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. જરૂર પડે તો તેમને પણ કાર્યરત કરવામાં આવશે.
ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવતા કહ્યું છે કે, જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે. રવિવારના રોજ દિવસે તેમજ રાત્રે જામનગર તાલુકાના મોટાભાગના ગામડામાં ભારે વરસાદ વરસ્યો છે જેને લઈને અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે. ઘણા ગામડાઓમના ઘરોમાં નદી અને વોકરાના પાણી ઘુસી ગયા છે. લોકો જીવ બચાવવા માટે મકાનના બીજા માળે ચઢી ગયા હતા તો અનેક લોકો ઉચી છત પર ચડી ગયા હતા. ભારે વરસાદને કારણે મોટાભાગના ગામડાઓ સંપર્ક વિહોણા છે. ધારાસભ્ય રાઘવજી પટેલે કહ્યું કે, હું માનું છું ત્યાં સુધી ઈતિહાસમાં ન પડ્યો હોય તેટલો વરસાદ એક દિવસ એટલે કે 24 કલાકમાં પડ્યો છે.
લોકોના જીવનને બચાવવા માટે NDRF, SDRFની ટીમ રવાના કરી દેવામાં આવી છે. લોકોને રેસ્ક્યૂ કરવા માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. જ્યારે જમવા માટેના ફૂડ પેકેટ માટે તૈયારી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે જામનગરના અનેક ગામો પાણી પાણી થઇ ગયા છે. જેને લીધે ગામવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.