હિન્દુ મહાસભાના નેતાએ રામનવમીએ હિંસા ભડકાવવા ગૌ હત્યા કરાવી- પોલીસે આરોપીઓને કર્યા જેલ હવાલે

રામ નવમી(Ram Navami)ના દિવસે દેશના અનેક વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં હિંસક અથડામણ થઈ હતી. ઉત્તર પ્રદેશ(UP)ના આગ્રામાં રામ નવમીના દિવસે “હિંસાનું કાવતરું” ઘડવામાં આવ્યું હતું. આ માટે ગાયની કતલ(Cow slaughter) કરવામાં આવી હતી. પરંતુ આ કાવતરું નિષ્ફળ ગયું. યુપી પોલીસે જણાવ્યું છે કે આ દ્વારા સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

હિન્દુ મહાસભાના લોકો કાવતરામાં સામેલ:
એક અહેવાલ મુજબ યુપી પોલીસે માહિતી આપી છે કે આ ષડયંત્રમાં હિન્દુ મહાસભાના કેટલાક લોકો સામેલ હતા. આગ્રા પોલીસે રામનવમીના દિવસે જ ગાયની કતલ કરવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. આ તમામને આગરાના એતમદૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌતમ નગરમાંથી પકડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, મુખ્ય ષડયંત્રકારી તરીકે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય જાટનું નામ સામે આવ્યું છે. આ સિવાય સંસ્થાના ઘણા લોકો આમાં સામેલ હતા.

પોલીસના જણાવ્યા અનુસાર હિંદુ મહાસભાના કેટલાક કાર્યકરોએ જિતેન્દ્ર કુશવાહા (સ્થાનિક નેતા) અને સંજય જાટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે તેઓએ સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા માટે રામ નવમીના દિવસે ગાયની કતલ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા સંજય જાટે કહ્યું કે હિન્દુ મહાસભાના કેટલાક અધિકારીઓ જાણીજોઈને તેમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સીઆઈડીએ આ મામલાની તપાસ કરવી જોઈએ. જાટના કહેવા પ્રમાણે, તેઓ આ અધિકારીઓ વિરુદ્ધ યોગી આદિત્યનાથને ફરિયાદ કરશે.

આગરા પોલીસના ડીસીપી સૂરજ રાયે મીડિયાને જણાવ્યું કે, 30 માર્ચે ગૌહત્યાની માહિતી મળી હતી. બે આરોપી ઈમરાન અને સાનુની ધરપકડ કરવામાં આવી છે. આ બંને સામે 6 કેસ નોંધાયેલા છે. બંનેએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે આ કાવતરામાં તેમની સાથે ત્રણ વધુ લોકો પણ હતા જેઓ ઘટનાસ્થળે હાજર હતા. હાલમાં તો મળતી માહિતી અનુસાર, ધરપકડ થયેલ આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

29 માર્ચની રાત્રે પ્લાન ઘડાયો:
આગ્રા પોલીસે 6 એપ્રિલે આ મામલે એક પ્રેસનોટ બહાર પાડી હતી. પોલીસે આ પ્રેસનોટમાં હિન્દુ મહાસભાના નામનો ઉલ્લેખ કર્યો નથી. આ મુજબ આરોપી સાનુએ પોલીસને જણાવ્યું કે 29 માર્ચની રાત્રે જ ગાયની કતલ કરવાની યોજના બનાવી હતી. નકીમ અને તેના મિત્રોને ફસાવવા માટે આ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગૌતમ નગરના ખાલી મેદાનમાં ઘણી બધી ગાયો રખડતી હતી. ત્યાંથી ગાયને પકડીને કાપી નાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સામેલ સૌરભ શર્મા, બ્રિજેશ ભદોરિયા અને અજયને આ માહિતી આપવામાં આવી હતી. ત્રણેય સાનુ અને ઈમરાનને મદદ કરતા હતા.

પોલીસ નોટમાં આરોપીઓને ટાંકીને લખવામાં આવ્યું છે કે બીજા દિવસે 30 માર્ચના રોજ પ્લાનિંગ મુજબ જ ગાયની કતલ કરવામાં આવી હતી. આ પછી સૌરભ શર્મા, બ્રિજેશ ભદોરિયા અને અજયે અન્ય હિંદુવાદી નેતાઓને ગૌહત્યાની માહિતી આપી. આરોપીએ જણાવ્યું કે, આમાં સંજય જાટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એ જ સ્થળે સૌરભ શર્મા, બ્રિજેશ ભદોરિયા અને અજયે એવું વાતાવરણ ઊભું કર્યું કે નકીમ, તેના ભાઈઓ બિજો અને રિઝવાન દ્વારા તેને અંજામ આપવામાં આવ્યો હતો. કારણ કે આ તમામને તેની સાથે જૂની અદાવત હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *