સુરત એરપોર્ટના રન-વેને નડતરરૂપ વિવાદાસ્પદ હાઇરાઇઝ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર ડિમોલિશનનો તખતો ઘડી રહ્યું છે. ત્યારે હવે શહેરના બિલ્ડર્સ સમૂહ ક્રેડાઇએ બિલ્ડિંગોને બચાવવા માટે મેદાનમાં આવ્યા છે.
ક્રેડાઇએ સુરત મહાનગર પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, રજાચિઠ્ઠી સ્થગિત કરતી નોટિસને પગલે 40 પ્રોજેક્ટનાં 198 બિલ્ડિંગના 8,064 ફ્લેટ પૈકીના 1,440 ફ્લેટ તોડી પાડવા પડે એમ છે. જેના કારણે 47,520 લોકો પોતાનું ઘર ગુમાવશે. આ તમામ ઇમારતો, બિલ્ડિંગ અને ફલેટ કાયદેસર છે, જેને પાલિકાએ જ અધિકૃત કરી હતી. ત્યારે હવે પાલિકાએ જ ઊંચાઈની નોંધની કરીને નોટિસો આપી છે. આ ઇમારતોને વર્ષ 2007થી 2016ના ગાળામાં BUC પણ આપી દેવામાં આવ્યા હતા. સાથે સાથે તમામ બિલ્ડિંગોમાં હવે ફ્લેટધારકો વહીવટ કરતા હોવાથી કોઈ ડેવલપર્સનો કે બિલ્ડર્સનો અધિકાર કે કબજો નથી.
ઇમારતો બિલ્ડિંગ અને ફલેટને GSR એક્ટ 751 (E)ની કલમ 16 મુજબ લાંબા સમય બાદ નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત જે-તે સમયે ખુદ એરપોર્ટ ઓથોરિટીએ પણ NOC આપી હતી. જો 1440 ફ્લેટ તોડી પાડવામાં આવે તો DGCIએ ધારકોને કુલ રૂ. 4,100 કરોડનું વળતર ચૂકવવું પડી શકે તેમ છે. તેથી અંતિમ ડિમોલિશન નોટિસ પછી પણ તાત્કાલિક નિર્ણય લેવો શક્ય નથી. વળી, આ તમામ પ્રોજેક્ટોમાં 1,000 કરોડની બેંક લોન ચાલી રહી હોવાને કારણે ફ્લેટ હોલ્ડરોને તેની ચુકવણીમાં પણ અવરોધ આવશે.
સબંધિત વિભાગો કહે છે કે, હવે લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. NOC મેળવવા રન-વેથી દૂરના સર્વે નંબર દર્શાવામાં આવ્યા હતા. જ્યારે કન્સ્ટ્રક્શન નજીકના લોકેશન પર કરવામાં આવ્યું છે, જેને લીધે NOC ઇનવેલિડ કહી શકાય તેવુ અમન સૈની, એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું છે.
સબંધિત વિભાગો કહે છે કે, પાલિકાએ હવે અંતિમ નિર્ણય માટે એરપોર્ટ ઓથોરિટી કમ કલેક્ટર પર નિર્ભર રાખ્યો છે. આદેશ મળ્યે અમે જરૂરી મશીનરી સાથે સ્થળ પર પહોંચી જવાની તૈયારી કરી રાખી છે તેવું અધિકારી, મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.
જમીન કાયદાના વકીલ સુનીલ જરીવાળાનું કહેવું છે કે, અગાઉ ગ્રાઉન્ડની ઉંચાઈ મેન્યુઅલી નક્કી થતી હતી. વર્ષ 2016 પહેલાં તો સી-લેવલ પણ નક્કી નહોતું. તારણ મેળવવા ગ્રાઉન્ડ લેવલના આધારે રિવ્યૂ થવો જોઇએ છતાં એ જરૂરી નથી કે વધુ ફ્લડ લેવલ, રિડ્યુઝ લેવલ નક્કી થયા પહેલાંની ઉંચાઈ ખોટી જ હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.