સુરતના વરાછા વિસ્તારમાં ગત સાંજે રત્નકલાકારે ચારિત્ર્ય અંગે શંકા રાખી પત્નીની ઉપર એસિડ નાંખતા તે પીઠ અને છાતીના ભાગે દાઝી ગઇ હતી. એસિડ નાંખી ફરાર થઈ ગયેલા રત્નકલાકારની વરાછા પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ કામરેજ ખાતે પોલીસ સ્ટેશનની બાજુમાં ગેલેક્સી એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર કિશોરભાઈ ભાસ્કરભાઈ દવેના લગ્ન બાર વર્ષ અગાઉ સોનલ (ઉ.વ.28) સાથે થયા હતા. એક સંતાનના પિતા કિશોરભાઈ અગાઉ પરિવાર સાથે સુરતના વરાછા રેશમભવન ગંગાસાગર એપાર્ટમેન્ટ ઘર નં.3માં માતા અને નાનાભાઈ સાથે રહેતા હતા. પરંતુ ત્રણ મહિના અગાઉ જ તેઓ કામરેજ રહેવા આવ્યા હતા. ગતરોજ મોહરમને લીધે છોકરાને સ્કૂલમાં રજા હોય પત્ની અને બાળક સાથે વરાછા ખાતેના ઘરે આવ્યા હતા.
દરમિયાન, સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં કિશોરભાઈ નોકરીએથી ઘરે આવ્યા અને તે સાથે જ મોબાઈલ ફોનનું રેકોર્ડિંગ ચાલુ કર્યું હતું. સોનલબેનના હાથમાં એસિડની બોટલ આપી તું કેમ એસિડ પીએ છે તેમ પૂછયું હતું. સોનલબેને હું એસિડ પીતી નથી તેમ કહી એસિડની બોટલ નીચે નાખી દીધી હતી. જોકે, કિશોરભાઈએ તેમનું મોઢું રૂમાલથી બાંધી દઇ બાદમાં એસિડ ફેંકતા સોનલબેન પીઠ અને છાતીના ભાગે દાઝી ગયા હતા. ત્યારબાદ કિશોરભાઈ ઘરની બહાર દોડ્યા હતા અને સોનલે એસિડ પી લીધું છે તેમ બૂમો પાડી 108 એમ્બ્યુલન્સને બોલાવવા કહ્યું હતું અને ફરાર થઈ ગયા હતા.
બહાર બેસેલા સોનલબેનના સાસુ અને દિયર અંદર દોડી ગયા હતા. બાદમાં સોનલબેનને સારવાર માટે તેમના દિયર સુરેશભાઈ સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેમને સારવાર માટે દાખલ કરાયા હતા. બનાવની જાણ થતાં દોડી ગયેલી વરાછા પોલીસે સોનલબેનની પૂછપરછ હાથ ધરતા તેમણે જણાવ્યું હતું કે લગ્નના થોડા સમય બાદ જ તેમના પતિ નાની નાની બાબતોમાં શંકા રાખતા હતા અને તે અંગે ઝઘડો કરી માનસિક-શારીરિક ત્રાસ પણ આપતા હતા. ગતરોજ પણ ચારિત્ર્ય અંગે શંકા રાખી તેમણે ઝઘડો કરી એસિડ નાખ્યું હતું અને ફરાર થઈ ગયા હતા.
સોનલબેનની કેફિયતના આધારે વરાછા પોલીસે કિશોરભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સ્મીમેર હોસ્પિટલમાં દાખલ સોનલબેન પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ચિઠ્ઠીમા લગ્નજીવન બરાબર ચાલતું નથી તેવો ઉલ્લેખ કરાયો હોય સમગ્ર બનાવ અંગે વરાછા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.