17 વર્ષીય દીકરીને થયો પ્રેમ, જાણો તેના પિતાને જાણ હોવા છતાં જે કામ કર્યું તેનાથી કરોડોને પ્રેરણા લેવી જોઈએ.

સોશિયલ મીડિયાના આગમન બાદ સમાજની ચિંતા કરનારમાં વધારો થયો છે. આ સારી વાત હોવા છતાં દરેક વાર-તહેવારે સમાજે કેવો વ્યવહાર કરવો જોઈએ અથવા શું કરવું નહીં તેની લાંબી લાંબી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર શરૂ થઈ જાય છે. આવું જ નવરાત્રિના તહેવારો દરમિયાન પણ થયું, દીકરાના મા-બાપે કઈ કાળજી લેવા, દીકરીની એકલા ગરબામાં મોકલવી નહીં, રાત્રે વહેલા આવી જવાનું વગેરે વગેરે. જો કે નવરાત્રિની બધી સલાહોઓની પોસ્ટ મેં ધ્યાનથી જોઈ કારણ હું પણ એક દીકરીનો પિતા છું. જો કે તમામ પોસ્ટ દીકરીઓની સંભાળ કેવી રીતે રાખવી અને દીકરીઓએ શું કરવું તે અંગેની જ હતી. એક પણ પોસ્ટ મને નવરાત્રિએ દીકરાઓ શું કરવું અથવા શું કરવું નહીં તે અંગેની નહોતી.

મારા સહિત તમામ પરિવારો દીકરા કરતા દીકરીની વધારે સંભાળ જ લેતા હોય છે તે સારી બાબત છે, પણ સંભાળ લેવાનો અર્થ આપી જૂદી રીતે લઈ છે. કેટલીક સુક્ષ્મ બાબતો અજાણતા પણ આપણી ધ્યાન બહાર નીકળી જતી હોય છે. મારા એક મિત્રને પત્ની થોડા વર્ષો પહેલા સગર્ભા હતી, ત્યારે તે ખૂબ ચિંતામાં હતો. મેં તેની ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું સમય કેટલો ખરાબ ચાલે છે. સ્ત્રીઓની કોઈ જ સલામતી નથી. ભગવાનને પ્રાર્થના કે મારા ઘરે દીકરી અવતરે નહીં. કારણ હું તેની સંભાળ કેવી રીતે રાખીશ તેનો મને ડર લાગે છે. જો કે તેના ઘરે દીકરી જ જન્મી, દીકરી સુંદર અને તોફાની છે, હવે મારા મિત્રના  મનમાંથી ડર પણ જતો રહ્યો છે.

મોટા ભાગે આપણા જીવનમાં કંઇક ખરાબ થશે તેવો ડર ખરાબ ઘટના કરતા મોટો હોય છે. સારું થવું અથવા ખરાબ થવું મોટા ભાગે આપણા હાથમાં હોતુ નથી, છતાં ખરાબ થતાં પહેલા તેનો ડર આપણને ખતમ કરી નાખતો હોય છે. થોડા મહિના પહેલા મારી પત્ની એકદમ ચિંતામાં આવી ગઈ, તેના ચહેરા ઉપરની ચિંતા અને ડર હું બરાબર જોઈ શકતો હતો. મેં તેને જ્યારે તેના ડર અને ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે મને કહ્યું આપણી દીકરી એક છોકરાના પ્રેમમાં છે, હું પણ થોડીવાર માટે શાંત થઈ ગયો. દીકરી હજી સત્તર વર્ષની છે, પણ તરત યાદ આવ્યું કે હું પણ તેની ઉંમરનો હતો ત્યારે મને પણ કેટલીક છોકરીઓ ગમતી હતી. જો કે આ ઉંમરની પસંદમાં સતત બદલાવ આવતો રહે છે, કારણ પ્રેમ અથવા પસંદ સમજ સાથે જોડાયેલી હોતી નથી.

મેં મારી પત્નીને કહ્યું હું દીકરી સાથે વાત કરીશ, પણ તેમા ચિંતા અથવા ડરનું કોઈ કારણ નથી. કારણ નોર્મલ માણસો જ પ્રેમ કરી શકતા હોય છે, જેમને જીવનમાં ક્યારેય પ્રેમ થયો નથી તેમની અંદર કંઇક ખૂટતું હોય છે. સામાન્ય રીતે દીકરી પ્રેમમાં છે તેવી પરિવારને ખબર પડે ત્યારે આસમાન ફાટી પડતું હોય છે અને મોટા ભાગે તો પિતા દીકરીએ જાણે વિશ્વનો સૌથી મોટો અપરાધ કર્યો હોય તેવી મુદ્રામાં આવી જતા હોય છે, પણ મેં મારી જાતને સમજાવી અને કહ્યું દીકરી મોટી થઈ ગઈ છે, તે પોતાનું પણ વ્યક્તિગત જીવન છે, તેનું જીવન યોગ્ય રસ્તે આગળ વધે તે જોવાનું અને તેને મદદ કરવાનું કામ પણ આપણુ છે. મેં મારી દીકરીને બોલાવી અને તેને થયેલા પ્રેમ અંગે મને અને તેની મમ્મીને ખબર છે તેવી જાણ કરી.

તે એકદમ ગંભીર થઈ ગઈ, તેના ચહેરા ઉપર પકડાઈ ગયાનો ભાવ હતો. મેં તેને કહ્યું તે કંઇ જ ખોટું કર્યુ નથી. પ્રેમ થવો તો સારી વાત છે. પણ હમણાં તું પ્રેમમાં પડે અને તેની અસર સારા શિક્ષણ ઉપર થાય તે જ વાજબી નથી. બાકી બધું જ વાજબી છે. હમણા તું તારા ભણવા ઉપર ધ્યાન આપ. તારી ઈચ્છા હોય ત્યાં સુધી ભણ, તારા પગ ઉપર ઉભી થા અને પછી તને પસંદ કોઈ પણ નાત-જાત અને ધર્મનો માણસ પસંદ હોય તેની સાથે તારું જીવન શરૂ કર. અમે બધા તારી સાથે જ છીએ. તેના ચહેરા ઉપર રહેલા ભાર દૂર થઈ ગયો. હું મારી દીકરીનો પિતા છું. હું જેલર નથી આ વાત સતત મારે મારી જાતને યાદ અપાવવાની હોય છે. દીકરીને સુખ મળે તેવું તો દરેક મા-બાપ ઈચ્છતા હોય છે. પણ તેનું સુખ પસંદ કરવાની તેને સ્વંતત્રતા તેને આપવી પડશે તે ભૂલ પણ કરશે કારણ બાળક છે, તેમને ઠપકો પણ આપીશું પણ તેને ખુલ્લા આકાશમાં એકલા ઉડતા શીખવાડવું પડશે.

આપણે દીકરી સાથે આખી જિંદગી રહેવાના નથી તેને જીવનમાં સારા-નરસા માણસો અને પ્રસંગોનો સામનો એકલા હાથે કરવાનો છે, તેની તમામ સફળતાનો યશ તેને આપીશું અને તેની નિષ્ફળતાના આપણે ભાગીદાર થઈશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *