ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસીય મુલાકાતે ગુજરાત આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ ભાવનગરમાં એક વિશાળ જાહેર જનસભાને સંબોધી હતી અને ગઈકાલે મહેસાણા(Mehsana) જિલ્લાના ઊંઝા(Unjha) શહેરમાં બીજી વિશાળ જાહેર જનસભાને સંબોધિત કરી હતી.
શહીદ સૈનિકોને એક કરોડની સહાય: અરવિંદ કેજરીવાલ
દિલ્હી અને પંજાબમાં અમે શહીદોના પરિવારોને એક કરોડની સન્માન રાશિ આપીએ છીએ. આ વાત ગુજરાતમાં પણ લાગુ થવી જોઈએ. જો કોઈ જવાન શહીદ થાય કે પોલીસ કર્મચારી ફરજ પર શહીદ થાય તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તેના પરિવારને એક કરોડની સન્માન રાશિ આપવામાં આવશે. આ સરકારની નિયત ખરાબ છે, તેથી તેઓ કંઈ આપતા નથી. છેલ્લા 5 વર્ષમાં શહીદ થયેલા તમામ સૈનિકોને એક કરોડ રૂપિયાનું માનદ વેતન પણ આપવામાં આવશે. હું પોતે તેમના ઘરે જઈશ અને એક કરોડ રૂપિયા આપીશ.
આંદોલનના કારણે થયેલા તમામ કેસો પાછા ખેંચીસું: અરવિંદ કેજરીવાલ
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં આટલા આંદોલનો થયાં, આટલા વિરોધ થયાં, પાટીદાર આંદોલન થયું, ખેડૂત આંદોલન થયું, માલધારી આંદોલન થયું, ઠાકોર આંદોલન થયું, પોલીસ ગ્રેડ પે આંદોલન થયું, ક્ષત્રિય આંદોલન થયું, આદિવાસી સમાજનું આંદોલન થયું, ઘણાં બધાં કર્મચારીઓનું આંદોલન થયું, ભૂત પૂર્વ સૈનિકોનું આંદોલન હતું, આ લોકોએ તેમાંથી કોઈને છોડ્યા ન હતા, યુવાઓ પર ખોટા કેસ કરીને તેમને જેલમાં ધકેલી દીધા. 8 ડિસેમ્બરે મતગણતરી થશે, 15 ડિસેમ્બર સુધીમાં અમારી સરકાર બની જશે. ત્યાર પછી સૌથી પહેલું કામ તમામ ખોટા કેસો પાછા ખેંચવાનું કરીશું, દરેકને તેમના ઘરે મોકલવામાં આવશે. જેમનાં પર ખોટા કેસ કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે તમામને પાછા લેવામાં આવશે.
ભ્રષ્ટાચારને નાબૂદ કરીશું: અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે સૌથી પહેલું કામ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કરીશું. મને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગુજરાતનાં એક ધારાસભ્ય છે, જેમણે છેલ્લી ચૂંટણી લડી હતી એ વખતે તેમની જમીન 4 એકર હતી. આજે 5 વર્ષ પછી તેમની જમીન 1000 એકર થઈ ગઈ છે. આ જમીન ક્યાંથી આવી? બધા જ ધારાસભ્યોની આ જ હાલત છે, ગુજરાત લૂંટાઈ ગયું છે. અને પછી તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે. સવારથી ઉઠીને સાંજ સુધી રોટલી ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવામાં, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે.
વધુમાં કેજરીવાલે કહ્યું હતું કે, હું તમને પૂછવા માગું છું કે તમારા ગામમાં છેલ્લા 27 વર્ષમાં કોઈ રોડ બન્યો છે? શાળા બની? હોસ્પિટલ બની? કોઈને દવા આપી? તેમણે કોઈ કામ કર્યું? તેમણે છેલ્લા 27 વર્ષમાં કોઈ કામ કરાવ્યું નથી. તો આ લોકો દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચે છે? આ લોકો પોતાની મિલકત બનાવે છે, જમીન ખરીદે છે, બધા પૈસા સ્વિસ બેંકમાં લઈ જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમની પાસેથી એક-એક પૈસો પાછો લેવામાં આવશે. હમણાં જ પંજાબની અંદર અમારા જ એક મંત્રી કંઈક ખોટું કરી રહ્યા હતા. ભગવંત માનજી એ પોતે તેમને જેલમાં મોકલી દીધા. અમે તમારા માટે એવી સિસ્ટમ લાગુ કરીશું કે તમારે કોઈ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે, સરકારી ઓફિસર તમારા ઘરે આવીને તમારું કામ કરશે. તમારે 15 ડિસેમ્બર પછી કોઈને પણ કોઈ લાંચ આપવાની જરૂર નહીં પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.