ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવારનવાર દાવા કરતા હોય છે કે તેમનો પક્ષ એટલે કે ભાજપ ખૂબ જ શિસ્તબદ્ધ છે કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષ જેવું કલ્ચર નથી. સંઘના સંસ્કાર લઈને આ લોકો ભાજપમાં જોડાતા હોય છે પરંતુ ગુજરાત અને દેશભરના અનેક રાજ્યોમાં અવારનવાર ભાજપના નેતાઓની લફડાબાજી બહાર આવતી હોય છે.
કચ્છમાં નલિયાકાંડ બહાર આવ્યું હતું. કચ્છના ફાર્મ હાઉસમાં ગુજરાતના અનેક નાના-મોટા નેતાઓ મીઠી ખારેકનો આસ્વાદ માણવા ગયા હતા. આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા એવા સૂત્રને લોકો બીજી રીતે પણ સમજી રહ્યા છે. નલિયા કાંડ બાદ જ ભાજપના મોટા નેતાઓ વચ્ચેનો જંગ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો તેમજ જયંતિ ભાનુશાળીની ઘાતકી હત્યા પણ થઈ હતી.
ત્યાર બાદ એટલે કે લોકસભાની ચૂંટણી વખતે રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહીરની ઓડિયો ક્લિપ બહાર આવી હતી જેમાં તેઓ એક મહિલા સાથે બિભત્સ ભાષામાં વાત કરતા હોય છે ત્યારે અન્ય ઓડિયો ક્લિપિંગમાં આજ મહિલા બીજી એક મહિલા સાથે અભદ્ર ભાષામાં વાત કરે છે. વાસણ આહિરને બંને મહિલાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો હોવાનું કહેવાય છે. જોકે, સમગ્ર પ્રકરણ બહાર આવ્યા પછી પણ ભાજપે તેમના વિરુદ્ધ કોઈ જ પગલા લીધા નથી.
ભાજપના આગેવાનોનું કહેવું છે કે તાજેતરમાં જ હિમાચલ પ્રદેશમાં ભાજપના બે યુવા આગેવાનો ઉપેન પંડિત તથા રીના ઠાકોરના આંતરિક પળોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારબાદ પાર્ટીએ આ બંને પક્ષમાંથી કાઢી મૂક્યા છે પરંતુ ગુજરાતમાં વાસણ આહિર કે તાજેતરમાં બનેલી ઘટનામાં ભાજપે કોઈ કાર્યવાહી કરી નથી.
બીજી બાજુ ભાજપના નેતાઓની કામલીલા હજુ અટકી નથી અને ચાલું રહેવા પામી છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના યુવા નેતા કે જેમની પાસે વિધાનસભાના પ્રભારીની જવાબદારી છે તેઓને વોર્ડના એક મહિલા મંત્રી સાથે આંખો લાગી ગઈ હતી ત્યારબાદ બંનેનો સંબંધ આગળ વધી ગયો હતો અને બંન્ને યુવા નેતા અને મહિલા હોદ્દેદાર સાથે ફરવા ગયા હતા. બંને જણા આસામ, કર્ણાટક સહિતના અનેક રાજ્યોમાં સાથે ફર્યા હતા અને પતિ-પત્નીની જેમ હોટલમાં રહ્યા હતા.
દરમિયાન આ યુવા નેતાનું મન ભરાઈ જતા તેઓએ આ મહિલા સાથે સંપર્ક ઓછો કરી દીધો હતો અને તેમના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આથી મહિલાએ શહેરના આગેવાનો સમક્ષ ફરિયાદ કરી હતી.
મહિલાએ એવું કહ્યું હતું કે આ યુવા નેતા તમારા ખાસ માણસ છે તેમણે મારું શારીરિક રીતે શોષણ કર્યું છે માટે તેમને હવે હું પાઠ ભણાવીશ. જો આ મહિલા બહાર આવે અને સંબંધોની જાહેરાત કરી દે તો ભાજપને આબરૂ જવાનો ડર હતો.
આથી પ્રદેશ સંગઠનના નેતાઓએ સંગઠનની અન્ય મહિલા આગેવાનોને વિશ્વાસમાં લઈ સમાધાનની ફોર્મ્યુલા ઘડી હતી. ત્યારબાદ આ મહિલાને 8 થી 10 લાખની રકમ આપીને આ મામલાને થાળે પાડી દેવાયો છે પરંતુ ભાજપના આગેવાનો અને કાર્યકરો આ બાબતે ખુબ જ ગંભીર ગણી રહ્યા છે.