એમ્બ્રોઇડરી જોબવર્કમાં ધીમો સુધારો આવ્યો છે. વેપારીઓએ થોડાં થોડાં જથ્થામાં રો-મટીરીયલ આપવાનું ચાલુ કર્યા પછી કારખાનેદારોને થોડી રાહત થઈ છે. જોકે, વેપારીઓએ જે પ્રકારે તૈયારીઓ શરૂ કરી છે તે જોતાં આગામી તહેવારોનો લાભ કાપડબજારને મળશે એવી આશા જાગી છે. અત્યારે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના વેપારીઓએ તૈયારી હાથ ધરી છે.
એમ્બ્રોઇડરીના જોબવર્ક સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, વેપારીઓએ અત્યારે ખાટલીવર્ક,બંગાળી બુટ્ટા અને હોટપીસનું કામ થોડાં થોડાં જથ્થામાં આપવાનું ચાલુ કર્યું છે. લાલ, આસમાની,ગુલાબી, રાણી સહિતના પાંચથી છ કલરમાં એક-એક લોટમાં મટીરીયલ આપવામાં આવી રહ્યું હોવાથી મશીનોને અઠવાડિયા સુધી વાંધો આવતો નથી. આગામી તહેવારોને ધ્યાનમાં લઈને વેપારીઓએ તૈયારીઓ શરૃ કરી દીધી છે, એવું અત્યારે તો લાગી રહ્યું છે.
ગણપતિ ઉત્સવને લઈને મહારાષ્ટ્રમાંથી થોડી ખરીદીઓ અત્યારે નીકળી છે અને આગામી દિવસોમાં દુર્ગા પૂજાની ખરીદીઓ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશથી નીકળશે. કામકાજમાં અત્યારે 20 થી 30 ટકાનો સુધારો આવ્યો હોવાથી કારખાનેદારોને રાહત થઇ છે. આગામી દિવસોમાં ધીમે ધીમે કામકાજોમાં વધારો થશે તેવી અપેક્ષાઓ સૌ રાખી રહ્યા છે. દેશભરમાં સારો વરસાદ સર્વત્ર રહ્યો હોવાથી તેનો લાભ પણ હવે પછી મળશે એવી ગણતરી છે.
ટ્રાન્સપોર્ટ યુવરાજ દેશલેએ જણાવ્યું કે, કામકાજોમાં અત્યારે એવી કોઇ તેજી નથી. પણ રોજેરોજ માલ બહારગામ રવાના થઈ રહ્યો છે. કામકાજ અત્યારે ઠીકઠાક ચાલી રહ્યા છે. માર્કેટના વેપારીઓ અને બહારગામના વેપારીઓ પણ બહુ મોટું જોખમ અત્યારની સ્થિતિને ધ્યાનમાં લઈને ઉઠાવતા નથી. આર્થિક મંદીએ સૌની હાલત ખરાબ કરી છે. ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો, અત્યારે નવી ગાડીઓ કોઈ ખરીદતું નથી. દિવાળી પછી ધંધો કેવો રહેશે એ જોયાં-જાણ્યાં પછી વેપાર કરવાનું મન સૌ બનાવી રહ્યા છે. અત્યારે તો કામકાજ જેમ ચાલે છે, તેમ ચલાવવામાં આવી રહ્યાં છે. આમછતાં, દિવાળી પછી કામકાજ સુધરશે એવું આજના તબક્કે કહી શકાય એમ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.