ગુજરાત(Gujarat): રાજયમાં વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે, ત્યારે ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આપ(AAP) એ પોતાના શુરવીરોને મેદાન પર ઉતારી દીધા છે. જયારે આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીને જાહેર કરી દીધા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ દ્વારકા બેઠક પરથી ચુંટણી લડવા માટે ઇસુદાન ગઢવીને જાહેર કર્યા છે.
સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેર કરવામાં આવેલી યાદીમાં કુલ 182 પૈકી 160 ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. બે ચરણમાં યોજનારી આ ચૂંટણીના માત્ર બાવીસ ઉમેદવાર જ જાહેર કરવાના બાકી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે પૈકીની એક વિધાનસભા બેઠક 82- દ્વારકા – કલ્યાણપુર માટે વધુ એક વખત તત્કાલીન ધારાસભ્ય પબુભા માણેકનું નામ જાહેર થયું છે. સમગ્ર પંથકમાં રાજકીય તથા સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા પબુભા માણેકને ભારતીય જનતા પાર્ટીએ પુનઃ મેદાનમાં ઉતાર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડવાના છે અને જો આ સમીકરણ યોગ્ય સાબિત થાય તો ઇસુદાન ગઢવી સાત વખત ધારાસભ્યની ચૂંટણી જીતેલા કદાવર નેતા પબુભા માણેકની સામે ટક્કર લેશે. તેમનો ઈતિહાસ કંઈ આ રીતે છે. પબુભા માણેક 1990થી સતત દ્વારકામાંથી જીતી રહ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા, ત્યારબાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા, તેમજ ત્યારબાદ પબુભા માણેક પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને જેઓ વર્ષ 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં વિજયી થયા હતાં.
અભેદ્ય ગઢ ભેદવા આપે ઉતર્યા ઈસુદાન ગઢવીને
આ વખતે ઈસુદાન ગઢવી મેદાનમાં ઉતર્યા છે જે જંગ દરે વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જામતી હતી પરંતું આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. તમને જણાવી દઈએ કે, ઇસુદાન ગઢવી સાત વખત ધારાસભ્ય તરીકે જીતેલા પબુભા માણેકને પડકારશે. પબુભા માણેક 1990થી સતત દ્વારકા બેઠક પર જીતી રહ્યા છે. દ્વારકા બેઠક પર પબુભાએ ચૂંટણીલક્ષી તૈયારીઓ પણ આરંભી દીધી છે.
ચૂંટણી જીત માટે તેમણે રણનીતિ પણ ઘડવાની શરૂ કરી દીધી છે. આ વચ્ચે મીડિયા મિત્રોને જણાવ્યું હતું કે, આ મારી છેલ્લી ચૂંટણી છે, કારણ કે, ભાજપમાં અમુક નીતિ નિયમો છે અને જેના પાલન માટે મને લાગી રહ્યું છે કે, આગામી ચૂંટણીમાં તેમાં હું ફિટ બેસુ એમ મને લાગતું નથી. તમને જણાવી દઈએ કે, પબુભા માણેક સોમવારે ફોર્મ ભરશે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.