“હૈદરાબાદમાં તે સળગીને મરી, પણ હું એવી રીતે મરવા નથી માંગતી”, દિલ્હીમાં યુવતીએ કર્યો આ રીતે વિરોધ

હૈદરાબાદમાં એક 26 વર્ષની ડોક્ટરને નરાધમોએ રેપ કર્યા બાદ સળગાવીને હત્યા નિપજાવી હતી. આ અતી ક્રૂર અને કાળજુ કંપાવે તેવી ઘટનાએ સમગ્ર દેશમાં ફરી મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે અને નિર્ભયા કાંડ સમયે જે રોષ જોવા મળ્યો હતો તેવો જ રોષ હવે ફરી જોવા મળી રહ્યો છે.

આરોપીઓને ફાંસી આપવાની માંગને લઈને હૈદરાબાદ અને તેલંગાણામાં અનેક સ્થળે લોકો રસ્તા પર ઉતર્યા છે. દિલ્હીમાં અનુ દુબે નામની એક યુવતી સવારે સાત વાગ્યે એકલી સંસદના ગેટ નંબર 2-3 નજીક ફૂટપાથ પર બહાર ધરણાં પર બેઠી હતી. ‘મારા પોતાના ભારતમાં હું સલામતી કેમ અનુભવતી નથી’ એવા પ્લેકાર્ડ લઈને બેઠી હતી. તેની પીડા હતી કે, વારંવાર દુષ્કર્મ અને ઘાતકી ઘટનાઓ બની રહી છે, પરંતુ કશું જ નથી બદલાતું.

કોઇના સાથ વિના પણ મારી લડાઈ ચાલતી રહેશે: અનુ દુબે

અનુએ મીડયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું આખી રાત સૂતી નહોતી અને આ ફક્ત એક રાતની વાત નથી. હું સરકારને પૂછવા આવી હતી કે, મહિલાઓ સુરક્ષિત કેમ નથી? પહેલા દિલ્હીમાં નિર્ભયા સાથે ક્રૂરતા કરાઈ અને હવે હૈદરાબાદમાં આવું થયું. આ દુષ્કર્મના ગુના ક્યારે અટકશે? હૈદરાબાદમાં તે સળગી ગઈ, કાલે મને સળગાવી દેવાશે, પરંતુ હું લડીશ, કોઈ સાથ આપે કે નહીં, હવે ડરવાનું મન નથી થતું. આ લડાઈ દેશની દરેક મહિલાની છે. આખરે મહિલાઓને ક્યાં સુધી ડરીને રહેવું પડશે? કયું કારણ છે, જ્યારે કોઈ યુવતી કે મહિલા ઘર બહાર નીકળે છે ત્યારે વારંવાર સવાલ કરાય છે કે, કેટલા વાગે ઘરે પાછી આવીશ? હું મહિલાઓ માટે અવાજ ઉઠાવવા આવી છું. કોઈના સાથ વિના પણ મારી લડાઈ ચાલતી રહેશે. હું ધરણાં કરવા માટે અહીં રોજ આવીશ. ભલે પછી મને કોઈ સાથ આપે કે નહીં.


મદદના બદલે પોલીસે કહ્યું: ભાગી ગઈ હશે

હૈદરાબાદના વેટરનરી ડોક્ટરના પરિવારે રાષ્ટ્રીય મહિલા પંચની ટીમને કહ્યું કે પોલીસે એ ઘટનાની રાત્રે અત્યંત કિંમતી સમય બરબાદ કરી દીધો. પીડિતાના પરિવારે કહ્યું કે, પોલીસે તો એમ જ કહી દીધું હતું કે, કોઈની સાથે ભાગી ગઈ હશે!

રોષ એટલો છે કે, આરોપીઓને પોલીસ કોર્ટ ન લઇ જઇ શકી, પોલીસ મથકમાં જ કોર્ટ લાગી હતી. ઘટના થયા બાદથી હૈદરાબાદમાં રોષ ફાટેલો છે. શનિવારે ભીડે રંગા રેડ્ડી જિલ્લાના શાદનગર પોલીસ મથકને ઘેરી લીધું હતું. ટોળું ચારેય આરોપીને પોતાને હવાલે કરવાની માગ કરી રહ્યું હતું. તેમણે પોલીસવાળા પર ચપ્પલો પણ ફેંક્યાં . પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યું પરંતું ભીડ એટલી બધી હતી કે પોલીસ આરોપીઓને કોર્ટ લઇ જઇ શકી નહીં. તેથી પોલીસ મથકમાં જ કોર્ટ બોલાવવી પડી. મેજિસ્ટ્રેટે ચારેય આરોપી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા.

અનુ દુબેનો આરોપ: લેડી કોન્સ્ટેબલે માર માર્યો, નખ પણ માર્યા

અનુએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ મને અટકાયતમાં લઈને સંસદ માર્ગ પોલીસ મથક લઈ ગઈ હતી. ત્યાં ચાર કલાક પછી દેખાવો નહીં કરવાની શરતે મને મુક્ત કરાઈ હતી. ત્યાં મારી સાથે મારપીટ અને હિંસા થઈ હતી. રોડ ઉપર જ ધક્કો મારીને મને પાડી દેવાઈ હતી. ત્રણ લેડી કોન્સ્ટેબલ મારા પર બેસી ગઈ હતી. તેમણે મને નખ પણ માર્યા.

આ દરમિયાન દિલ્હી મહિલા કમિશનના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આક્ષેપ કર્યો હતો કે, પોલીસે મહિલાને માર માર્યો છે. માલીવાલે જણાવ્યું હતું કે, હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાથી અનુ દુબે સત્બ્થ થઈ ગઈ હતી. આથી, તેણે દેખાવ કર્યો હતો. પરંતુ દિલ્હી પોલીસે તેની અટકાયત કરી હતી અને તેને માર માર્યો હતો.હું પોલીસ સ્ટેશનમાં યુવતીને મળી હતી. તે ગભરાયેલી હતી. જોકે, પોલીસે માલિવાલના બધા જ આરોપોને નકારી કાઢ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *