કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના જોડાણથી સરકાર રચાયાના સાત મહિના બાદ ફરી વખત સત્તાનું રાજકારણ શરૂ થઇ ગયું છે. કર્ણાટકના મુખ્યમંત્રી જે.ડી. કુમારસ્વામીએ ભાજપ ઉપર પોતાના ધારાસભ્યોને તોડવાનો આરોપ મૂક્યો છે.
જોકે તેમણે એવો દાવો પણ કર્યો છે કે તેમના ધારાસભ્યો પક્ષપલટો નહીં કરે. તો બીજી બાજુ ભાજપે પણ જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન ઉપર આવો જ આરોપ મૂક્યો છે. ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું છે કે તેમના ધારાસભ્યોને મંત્રીપદની લાલચ આપવામાં આવી રહી છે.
હોર્સ ટ્રેડિંગના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ભાજપના તમામ ૧૦૪ ધારાસભ્યોને ગુરુગ્રામની એક હોટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે. તો બીજી બાજુ કોંગ્રેસના પાંચ ધારાસભ્યો મુંબઇની એક હોટલમાં પહોંચી ગયાં છે. આ ધારાસભ્યો ભાજપ સાથે જવા માટે તૈયાર હોવાનું કહેવાય છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ ફરી વખત ઓપરેશન લોટસ ઉપર કામ કરી રહી છે.
આ શબ્દ પહેલી વખત ૨૦૦૮માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી યેદિયુરપ્પા ઉપર પોતાની સરકારની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લાગ્યો હતો. આ બધા વચ્ચે બે અપક્ષ ધારાસભ્યોએ કુમારસ્વામી સરકારને ટેકો પાછો ખેંચી લેતા મામલો ઓર ગરમાયો છે.
આમ તો ગયા વર્ષે મે મહિનામાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાં ત્યારે જ જોડતોડનું રાજકારણ શરૂ થઇ ગયું હતું. ૨૨૪ સભ્યોવાળી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધારે ૧૦૪ બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને અને જેડીએસને બેઠકો મળી હતી.
રાજ્યમાં કોઇ પક્ષને સરકાર રચવા માટે જરૂરી બહુમતિ ન મળતા ત્રિશંકુ વિધાનસભાનો ઘાટ ઘડાયો અને સરકાર રચવા માટે ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ પોતપોતાની રીતે દાવા કર્યાં. ચૂંટણી અગાઉ વિરોધી રહેલાં કોંગ્રેસ અને જેડીએસએ પરિણામો બાદ તુરંત જોડાણની જાહેરાત કરી અને રાજ્યમાં સરકાર રચવાનો દાવો કર્યો. આમ પણ બંને પક્ષોનું થઇને સંખ્યાબળ તેમની સાથે હતું.
પરંતુ રાજ્યપાલ વજુભાઇ વાળાએ સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું. જોકે સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી બનેલા યેદિયુરપ્પાને ગૃહમાં બહુમતિ પુરવાર કરવાનો બે જ દિવસનો સમય આપ્યો જે દરમિયાન ભાજપ બહુમતિ પુરવાર કરવામાં નિષ્ફળ જતાં યેદિયુરપ્પાની સરકાર બે દિવસમાં જ પડી ગઇ અને રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસના જોડાણવાળી સરકાર રચાઇ. હકીકતમાં કર્ણાટકમાં જે રાજકીય પરિસ્થિતિ ઊભી થઇ હતી એનું ચિત્ર જોતા ભાજપે બંધારણીય સ્થિતિ અને ગરીમા જાળવવા માટે પણ કોંગ્રેસ-જેડીએસને સરકાર બનાવવા દેવાની જરૂર હતી.
પરંતુ સત્તાની રમતમાં કોઇ નિયમ કે કાયદાનું પાલન ન કરવાનો જે શિરસ્તો કોંગ્રેસે અપનાવ્યો હતો એ જ માર્ગ ઉપર ભાજપ પણ ચાલ્યો. છેલ્લા ૬૦ વર્ષોમાં કોંગ્રેસે પણ અનેક ચૂંટણીઓ અનૈતિક રીતે જીતી, દેશમાં અનેક રાજ્ય સરકારોને મોકો જોઇને બરખાસ્ત કરી અને વિરોધીઓની સરકાર બનતા રોકી અથવા તો બની ગયેલી સરકારને પાડી. હવે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી તરીકે ઓળખાતી કોંગ્રેસે જ રાજકારણમાં કોઇ આદર્શ કાયમ ન કર્યો હોય તો તે ભાજપ કે અન્ય પક્ષ પાસેથી નૈતિકતાની અપેક્ષા કેવી રીતે રાખી શકે?
કોંગ્રેસે ભાજપ પાસેથી નૈતિક ધોરણે વર્તવાનો આગ્રહ કર્યો પરંતુ જો જનાદેશ જોવો હોય તો કર્ણાટકની જનતાએ ભાજપને જ સૌથી વધારે બેઠકો આપી હતી. ખરેખર તો કોંગ્રેસે જનાદેશને માન આપીને ભાજપને સરકાર રચવા દેવી જોઇતી હતી અને ચૂંટણી પ્રચાર દરમિયાન પોતે જે પાર્ટીનો સખત વિરોધ કર્યો એ જ પાર્ટીને ટેકો આપીને સરકાર રચવા માટે હિલચાલ કરવી જોઇતી નહોતી.
ખરેખર તો ચૂંટણી બાદ આવા જોડાણ રચવા એ જ પ્રજા સાથે દગો કરવા સમાન છે કારણ કે ચૂંટણી પહેલા આવા પક્ષો એકબીજા વિરુદ્ધ પ્રચાર કરીને વોટ હાંસલ કરે છે અને ચૂંટણી પૂરી થઇ ગયા પછી તક જોતા જોડાણ કરી દે છે.
જનાદેશની જ વાત કરવી હોય તો ભૂતકાળમાં ગોવા, મેઘાલય અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી બાદ જે રમત રમાઇ એ યાદ કરવી જોઇએ. ગોવા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભર્યો હતો તેમ છતાં ગોવાના રાજ્યપાલે બીજા નંબરે રહેલા ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું.
કોંગ્રેસ પાસે ૧૮ બેઠકો હતી અને બહુમતિ મેળવવા માટે માત્ર ત્રણ બેઠકોની જરૂર હતી. બીજી બાજુ ભાજપ પાસે ૧૩ બેઠકો અને બહુમતિ માટે આઠ બેઠકોની જરૂર હતી જે તેણે એમજેપી અને ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે મળીને હાંસલ કરી લીધી હતી. મણિપુરમાં પણ કોંગ્રેસ ૨૮ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. ભાજપને ૨૧ બેઠકો મળી હતી પરંતુ ત્યાં પણ ભાજપે જેમતેમ કરીને બહુમતિ હાંસલ કરી લીધી. મેઘાલય પણ ભાજપે એવો જ ખેલ પાર પાડયો હતો.
મેઘાલયમાં પણ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવી હતી તેમ છતાં સરકાર ન રચી શકી. ભાજપે માત્ર બે જ બેઠકો મેળવી હતી પરંતુ ટેકો આપીને નેશનલ પીપલ્સ પાર્ટીની સરકાર બનાવી દીધી. બિહારનો દાખલો થોડો અલગ છે, પરંતુ છે તો જનાદેશ વિરુદ્ધ સરકાર રચવાનો. રાજ્યમાં કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને જેડીયૂના જોડાણે ભારે બહુમતિથી સરકાર બનાવી હતી.
પરંતુ નીતીશકુમારે લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ સાથે છેડો પાડીને મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપી દીધું અને પછી ભાજપના ટેકાથી ફરી વખત સરકાર બનાવી. જો જનાદેશને અનુસરવો હોય તો નીતીશકુમારે બિહારમાં ફરી વખત ચૂંટણી યોજવાની જરૂર હતી કારણે કે બિહારની જનતાએ ભાજપને જાકારો આપ્યો હતો. પરંતુ એ વખતે પણ રાષ્ટ્રીય જનતા દળ બિહારમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં સત્તામાંથી બહાર થઇ ગઇ.
હવે કર્ણાટકમાં સરકાર રચાયાના સાત મહિના પછી જ ફરી પાછી નૈતિકતા-અનૈતિકતા ભૂલીને રાજકીય પક્ષો ફરી પાછા જોડતોડના રાજકારણમાં લાગી પડયાં છે. આમ તો કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ કુમારસ્વામી પોતે મજબૂરીના કારણે આ જોડાણ સ્વીકાર્યું હોવાનું કહેતાં રહ્યાં છે.
તો જેડીએસ સાથે જોડાવાને લઇને રાજ્યના કોંગ્રેસના નેતાઓ પણ નારાજ હોવાનું વખતોવખત સંભળાતું રહ્યું છે. પહેલાં તો કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર બનાવવામાં અને બન્યા પછી તેને ટકાવી રાખવાની મથામણમાં જે ઘટનાક્રમ સર્જાયો એ જોતાં તો તેમની સરકાર લાંબુ ખંચે એવું જણાતું નહોતું.
કુમારસ્વામીની સરકાર બનશે એ નક્કી થયા બાદ પણ તેમના શપથગ્રહણ કરવામાં બીજા ચાર દિવસ નીકળી ગયા. આ ચારેક દિવસ તો કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે એ માથાકૂટમાં ગયા કે રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી એક બનશે કે બે? જોકે ભારે પળોજણ બાદ છેવટે વાત એક નાયબ મુખ્યમત્રી ઉપર અટકી અને કોંગ્રેસના જી. પરમેશ્વરના માથે નાયબ મુખ્યમંત્રીનો તાજ ગયો.
મુખ્યમંત્રી તરીકે કુમારસ્વામીની શપથવિધિ થયા બાદ પણ સરકાર બનાવવાના મામલે ફરી વખત બંને પક્ષો વચ્ચે ગજગ્રાહ સર્જાયો. બંને પક્ષમાંથી કેટલા મંત્રીપદ હશે અને કોને કયું પદ સોંપવું એમાં ફરી વખત ભારે માથાકૂટ થઇ અને એમાં બીજા ૧૩ દિવસ વીતી ગયા. અંતે કોંગ્રેસના ભાગે ૨૨ અને જેડીએસના ભાગે ૧૨ મંત્રીપદ ગયા.
જોકે ખાતાની ફાળવણી બાદ પણ કોંગ્રેસના ધારાસભ્યોમાં અસતોષ ચાલુ જ રહ્યો. કોંગ્રેસના આ મોટા ગજાના નેતાઓના અસંતોષને પહોંચી વળવા કોંગ્રેસે રોટેશન પદ્ધતિનો અમલ કરવાનું નક્કી કર્યું.
મતલબ કે દર બે વર્ષે તે પ્રદર્શનના આધારે મંત્રી બદલાય. કે કોંગ્રેસની આ નીતિ પણ સફળ નીવડી હોય એવંબ જણાતું નથી કારણ કે અસંતુષ્ટ નેતાઓની નારાજગી દિવસે ને દિવસે વધી રહી છે. પરિણામ એ આવીને ઊભું રહ્યું છે કે કોંગ્રેસના પાંચ નારાજ ધારાસભ્યો તો હાલ મુંબઇમાં છે. તો કોંગ્રેસના બીજા ૧૦ અને જેડીએસના ૩ ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે.
કર્ણાટક વિધાનસભાની સ્થિતિ જોઇએ તો ભાજપ પાસે સૌથી વધારે ૧૦૪ ધારાસભ્યો છે. તો કોંગ્રેસના ૮૦ અને જેડીએસના ૩૭ મળીને કુલ ૧૧૭ ધારાસભ્યો થાય છે. બહુમતિ મેળવવા માટેનો આંકડો ૧૧૩ છે. બે અપક્ષ ધારાસભ્યોએ સરકારને ટેકો પાછો લઇ લીધો છે. તો બસપાના એક ધારાસભ્ય તો પહેલા જ ટેકો પાછો લઇ ચૂક્યાં છે. ટૂંકમાં પરિસ્થિતિ અત્યંત પ્રવાહી છે. આંકડાને જોતા ભાજપ આવતા અઠવાડિયે સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે. જો આ પ્રસ્તાવ ફગાવવામાં સરકાર નિષ્ફળ રહી તો સત્તા ભાજપના હાથમાં આવી જશે.