જન્મ આપનારી માતાએ જ પોતાના બાળકનો 6 લાખમાં કર્યો સોદો, જાણો ગુજરાતની આ ચકચારી ઘટના

નડીયાદ(ખેડા): તાજેતરમાં નડિયાદમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં માસૂમ બાળકના વેપારનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા બાળકને જન્મ આપનારી માતા અને તેમનો સોદો કરનારી ત્રણ મહિલા સહિત ચાર મહિલાની અટકાયત કરવામાં આવી છે. આ મહિલાની ટોળકી પરપ્રાંતમાંથી ગર્ભવતી ગરીબ મહિલાઓને અહીં લાવી બાળકનો જન્મ થાય એટલે નજીવી રકમ આપી તેને મેળવી લેતી હતી અને બાદમાં ઊંચી કિંમતે વેચી નાખતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થવા પામ્યો છે.

આ અંગે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના સંતરામ શાકમાર્કેટ નજીક મૂળ બહારની અને હાલ નડિયાદ સ્થાયી થયેલી માયાબેન લાલજીભાઈ દાબલા ત્યાં આવવાનાં છે. આ મહિલા પરપ્રાંતીય ગરીબ ઘરની ગર્ભવતી મહિલાઓને નડિયાદ લાવી તેને મોટી રકમની લાલચ આપી ડિલિવરી કરાવે છે. ત્યારબાદ તેના બાળકને ઊંચી કિંમતમાં એજન્ટો મારફત વેચાણ કરતી હોવાની માહિતી SOGને મળી હતી.

આ બાતમીના આધારે ખેડા SOGએ મહિલા PSI આર.ડી.ચૌધરી અને અન્ય બે મહિલા કોન્સ્ટેબલની મદદ લીધી હતી. મહિલા PSI ડમી માતા બનીને આ રેકેટમાં સામેલ મહિલાનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન, અહીં માયાબેનની સાથે અન્ય મોનિકાબેન મહેશ શાહ અને પુષ્પાબેન સંદીપ પટેલિયા પણ હાજર હતી. ત્યારબાદ ડમી માતા બની ગયેલી મહિલા પીએસઆઇએ તેને એક બાળક જોઈએ છે એવી વાત કરતાં આ ત્રણેય મહિલાએ ઘુસપુસ કરી થોડીવાર ઊભા રહો, અમે બાળક આપીએ છીએ અને તેનો ભાવ 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો.

બાળક ખરીદવા માટે તૈયારી બતાવતાં જ ત્રણ પૈકીની એક મહિલા બાળક લઈને આવી હતી. જેથી પોલીસ દ્વારા રંગેહાથ કોડન કરી આ ત્રણેય મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પૂછપરછમાં આ બાળક નાગપુર ખાતે રહેતી મહિલા જે હાલ નડિયાદ કિડની હોસ્પિટલ સામે આવેલ કંમ્ફ્રટ હોટલમાં રોકાઈ હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસ દ્વારા આ ત્રણેય મહિલાને સાથે રાખી ઉપરોક્ત હોટલમાં જઈ રૂમ નં. 203માંથી આ મહિલાની અટકાયત કરવામાં આવી છે. જેમાં તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ રાધિકાબેન રાહુલ ગેડામ હોવાની કબુલાત કરી છે.

બાળકની માતાની પૂછપરછ કરવામાં આવતા તેને નાણાંની જરુરિયાત હોવાથી માયા, મોનિકા અને પુષ્પા સાથે સંપર્ક કર્યા બાદ દોઢ લાખ રૂપિયામાં તેનો સોદો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા માયા, મોનિકા અને પુષ્પાની સાથે બાળકની માતાની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ટોળકી પરપ્રાંતમાંથી ગરીબ મહિલાઓને અહીં લાવી ડિલિવરી કરાવતી હતી. ત્યારબાદ તેને અમુક રકમ આપી બાળક મેળવી લેતી અને અહીં તેને મેળવવા ઈચ્છતા લોકો પાસેથી ઊંચી કિંમત લઈ તેનું વેચાણ કરી નાખતી હતી. પોલીસને આશંકા છે કે, તપાસમાં આ મામલે વધુ ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ શકે છે.

હાલ પોલીસ દ્વારા ઉપરોક્ત ત્રણેય મહિલા સાથે પરપ્રાંતીય માવતરની અટકાયત કરી આઈપીસી 370, 144, 120B, 511 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, પોલીસ આ કેસમાં ઊંડી ઊતરી તપાસ આદરી તો હજુ પણ કેટલાક લોકોનાં નામ ખૂલે તેવી શક્યતા સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *