હત્યા (Murder)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના નગવાડા(Nagwara) ગામે પતિએ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જેમાં ઘરમાં સંતાનો ઝઘડતા હોવાથી એમને છુટા પાડવા બાબતે બોલાચાલી થતા પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. જેમાં પતિએ ખાટલાની લાકડાની જાડી ઇશ ભાગવા જઇ રહેલી પત્નીને માથામાં ફટકારતા પત્ની બેભાન થઇને ઢળી પડ્યા બાદ દવાખાને લઇ જવાતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેતમજૂરી કરતા પતિએ હત્યા કરી:
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામે રહી ખેતમજૂરી કામ કરતા 35 વર્ષીય પ્રવિણ તળશીભાઇ મકવાણાએ પોતાની પત્નીની હત્યા કરી છે. પ્રવિણ તળશીભાઇ મકવાણા પોતાની પત્ની મીનાબેન, બે બાળકો અને માતા-પિતા સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. આ દરમિયાન ઘરમાં બાળકો રમતા-રમતા ઝઘડવા લાગ્યા હતા.
માથામાં લાકડાના ઘા માર્યા:
જેના કારણે પત્ની મીનાબેને પોતાના પતિ પ્રવિણને બાળકોને ઝઘડતા છોડાવવાનું કહેતા બહારથી મજૂરી કામ કરીને થાકીને આવેલા પ્રવિણે પોતાની પત્ની મીનાબેન સાથે જોરદાર ઝઘડો અને ગાળા-ગાળી બાદ મારા મારી થઇ હતી. આથી નગવાડા વણકર વાસમાં રહેતી મીનાબેન ઘરની બહાર નીકળીને મોહલ્લામાં ભાગવા ગઇ હતી. ત્યારે પ્રવિણ લાકડાની જાડી ઇશ લઇને એને મારવા પાછળ દોડ્યો હતો અને થોડી દૂર એની પાછળ ભાગીને પત્નીના માથામાં લાકડાની જાડી ઇશના ત્રણથી ચાર ફટકા માર્યા હતા.
પતિએ પાછળથી માથામાં લાકડાના ફટકા માર્યા હોવાને કારણે મીનાબેનને માથામાં જોરદાર ઇજાઓ પહોંચતાએ લોહિલુહાણ હાલતમાં બેભાન થઇને ત્યાં જ ઢળી પડી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મીનાબેનને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે દસાડા સરકારી હોસ્પિટલે લઇ જવાતા સારવાર મળે એ પહેલા જ મીનાબેન મકવાણાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.
પોલીસે તપાસ હાથ ધરી:
ઘટનાની જાણ થતાં ઝીંઝુવાડા પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ પછી મૃતક મહિલા મીનાબેન મકવાણાની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી હત્યારા પતિ પ્રવિણ ઝડપી લીધો હતો. હત્યારા પ્રવિણની માતા રેવીબેનની ફરીયાદના આધારે ઝીંઝુવાડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.