રાજકોટમાં પ્રેમ પ્રકરણમાં જીવતો સળગ્યો પ્રેમી- લગ્ન માટે મળવા ગયોને પ્રેમિકાએ પેટ્રોલ છાંટી…

રાજકોટ(Rajkot): શહેરમાંથી હાલ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ પોતાના પ્રેમીને જીવતો સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે પ્રેમી લગ્નની લાલચે પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો. આ દરમિયાન ચોરી કરેલાં ઘરેણાં અંગે પ્રેમીએ પૂછપરછ કરતાં ઉશ્કેરાયેલી પ્રેમિકાએ તેના પર પેટ્રોલ(Petrol) છાંટીને તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ઈજાગ્રસ્ત પ્રેમીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં ખસેડવામાં આવ્યો છે.

પ્રેમી પર પેટ્રોલ છાંટીને આંગ ચાંપી દીધી:
45 વર્ષીય રાજેશ પરસોતમભાઈ રામાણી મોરબી રોડ પર આવેલા સ્વસ્તિક વિલામાં રહે છે. તેમજ તેની પ્રેમિકા ગીતા દાહોદની રહેવાસી છે. ત્યારે ગઇકાલે બપોરના સમયે ગીતાએ કોલ કરી વાંકાનેર બાઉન્ડરી પાસેની ઓનેસ્ટ પાસે મળવા બોલાવ્યો હતો. ત્યાર બાદ રાજેશ ગીતાને મળવા વાંકાનેર બાઉન્ડરી પાસે ગયો હતો. ગીતા અને રાજેશ આવાવરૂ જગ્યાએ બેઠાં હતાં. આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં ગીતાએ તેની પાસે રહેલા પેટ્રોલ ભરેલા શીશામાંથી પેટ્રોલ રાજેશ પર છાંટી દીવાસળી ચાંપી જીવતો સળગાવી દીધો હતો.

પોલીસે પ્રેમિકાની શોધખોળ શરૂ કરી:
પ્રેમીને જીવતો સળગાવી ગીતા ત્યાંથી નાસી ગઈ હતી. ત્યારે રાજેશ ત્યાં કણસતી હાલતમાં પડ્યો હતો, પછી તેને કોઈએ 108 મારફત રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. તેમજ આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. જેને પગલે એન્ટ્રી નોંધી ત્યાંથી વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ રાજેશનું નિવેદન લેવા રાજકોટની સરકારી હોસ્પિટલે પહોંચી ગયો હતો. તેમજ ઘટનાને પગલે  મહિલાની શોધખોળ શરૂ કરી છે.

દાગીના અને રોકડ લઈ જતી રહી:
જાણવા મળ્યું છે કે, રાજેશ કડિયાકામ કરીને ગુજરાન ચલાવે છે. તે એક ભાઈ, એક બહેનમાં મોટો છે તેમજ તેમને પિતાએ ઘરમાંથી કાઢી મૂકતાં તે એકલો રહે છે. તેમજ તેની પત્નીનું પણ છ મહિના પૂર્વે અવસાન થઈ ચુક્યું છે.  આ ઉપરાંત દાહોદની ગીતા બે વર્ષ પૂર્વે રાજેશના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત પણ થતી હતી. ગીતા સાથે 10 દિવસ સાથે રહ્યા બાદ ગીતા ઘરેથી દાગીના અને રોકડ લઈ જતી રહી હતી. બાદમાં મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો તેમજ ગઈકાલે અચાનક ફોન કરી મળવા બોલાવ્યો હતો.

તું આધાર કાર્ડ લઈને આવજે:
આ અંગે રાજેશે કહ્યું છે કે, જયારે ગીતાએ મને મળવા બોલવ્યો ત્યારે કહ્યું હતું કે આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ સાથે લઈ આવજે, આપણે સાથે રહીશું. બાદમાં મળવા જતાં આ બનાવ બન્યો હતો. હાલ રાજેશની હાલત ગંભીર છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગીતાને પકડવા બે ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. આ બનાવ પાછળ અન્ય કોઈપણ સામેલ છે કે કેમ? હાલ એ અંગે ગીતા પકડાયા બાદ બનાવની હકીકત બહાર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *