સુરત(ગુજરાત): તાજેતરમાં સુરતના વરાછા વિસ્તારમાં રોકાણકારોને એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપીને રોયલ વ્યૂ એકે ગ્રુપ દ્વારા લોકો સાથે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. રોકાણકારોને ડુબાડી વેબસિરીઝ ફિલ્મ બનાવનાર મહાઠગબાજ અલ્પેશ કિડેચા લોકોના ગાળિયા કરવામાં પાવરધો છે. જાણવા મળ્યું છે કે, તે રોકાણકારોને આકર્ષવા ડાયરાનું પણ આયોજન કરતો હતો. કોઈ રોકાણકારને એક-બે મુલાકાતમાં તો કોઈને 3-4 મુલાકાતમાં બાટલીમાં ઉતારી રૂપિયા પડાવ્યા હોવાની માહિતી રોકાણકારો દ્વારા પ્રાપ્ત થઇ છે. કોઈએ બચતના રૂપિયા તો કોઈએ દીકરીના ભવિષ્ય માટે કરેલી બચતના રૂપિયા તો કોઈએ માતા-પિતા પાસેથી લીધેલી રકમ ગુમાવી હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.
આ અંગે વિનયકુમાર સુરેશચંદ્ર ભરૂચવાળાએ જણાવ્યું હતું કે, તેઓ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવીને માતા, પત્ની અને બાળકનું ગુજરાન ચલાવી રહ્યા છે. હું તો અલ્પેશ કિડેચાના સીધા સંપર્કમાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં અલ્પેશની મોટી મોટી જાહેરાતો જોઈ પ્રભાવિત થયો હતો. ઉપરાઉપરી બે વાર મીટિંગ કરી, આખા પ્રોજેકટ વિશે સમજાવ્યું હતું. મારે તો ફોરેકસમાં જ રોકાણ કરવું હતું. મહિને કે દોઢ મહિને 15 ટકા નફાનું રોકાણ હોવાનું જણાવી મને લલચાવ્યો હતો.
ત્યારબાદ વિશ્વાસ ન હોય તો ધોલેરામાં મારા પ્લોટ છે, પૈસા ડૂબી જાય તો પ્લોટ લઈ લેજો એમ કહી રોકાણ કરાવ્યું હતું. ફસાઈ ગયા, હવે બહાર નીકળવા કૂદી રહ્યો છે. અમને લાલચ બરબાદ કરી ગઈ. તો અલ્પેશને તેની હોશિયારી આબાદ કરી ગઈ હોવાનું કહી શકાય છે. સાહેબ, અમને તો એવી પણ ખબર પડી છે કે રોકાણકારોના રૂપિયાથી અલ્પેશ વેબસિરીઝ ફિલ્મ બનાવી રહ્યો છે. અમને ડુબાડ્યા, હવે ફિલ્મમાં કેટલા લોકો ડૂબશે. એ તો ભગવાન જ જાણે, પણ એ વાત પાક્કી છે કે, તે માણસ કોઈનું ભલું નહિ કરે.
મોનિલ (નામ બદલ્યું છે)એ જણાવ્યું હતું કે, હું બેન્કિંગ ક્ષેત્રે ઈન્શ્યોરન્સનું કામ કરી રહ્યો છું. મારી અલ્પેશ સાથે સીધી મુલાકાત થઈ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેને ઓળખતો થયો હતો. 2-3 વારની મીટિંગમાં જ તેની ઝાળમાં ફસાઈ ગયો હતો. વિશ્વાસમાં લેવા તેણે સામેથી રોકાણ પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું. આ ઉપરાંત તેણે જણાવ્યું કે, મેં 2.50 લાખનું રોકાણ કર્યું હતું. જોકે, સિક્યોરિટીને લઈ મેં સાટાખત લખાવી લીધો હતો. હું બીજા રોકાણકાર લઇ આવું એટલે તેણે મને તેણે ડિસ્કાઉન્ટ આપ્યું હતું. જોકે, મેં બીજા રોકાણકારો લાવવાની ના પાડી દીધી હતી. રોકાણ બાદ પહેલા બે રિટર્ન હપ્તા પેટે 26-26 હજારના આવ્યા હતા. પછી આપવાનું બંધ કરી દીધું હતું.
ફોન કરતાં તો એક જ વાત કરતો કે હું બહાર છું. ITની બબાલ છે તેમ કહેતો અને પછી તો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. પણ અમે હિંમત હારી ન હતી. સલાહ-સૂચન કરી અલ્પેશ પાસે ચેક માગ્યા અને તેણે છેવટે ચેક આપ્યો. તેમણે જણાવ્યું કે, જો આ વાત ઘરમાં ખબર પડી તો ચોક્કસ ઝઘડાનું ઘર બની જશે, મારી બચત સાથે મારી પત્નીએ પોણા બે વર્ષની દીકરીના જન્મ સમય એટલે કે શ્રીમંતથી લઈ દીકરીને મળેલી ભેટના રૂપિયા ભેગા કરી આ રકમ બચાવી હતી, જેનું મેં રોકાણ કર્યું છે. બસ, ભગવાનને પ્રાર્થના કરું છું કે, મારા રોકાણની મુદ્દલ જ આવી જાય. પછી આવી ભૂલ ક્યારેય નહીં કરું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.