સુરત(Surat): શહેર હવે માત્ર ડાયમંડ સિટી(Diamond City) જ નહીં, પરંતુ અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે હાલ સુરતના વધુ એક પરિવારે અંગદાન(organ donation) કરી માનવતા મહેકાવી છે. જેમાં એક 68 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હોવાને કારણે તેઓને બ્રેઇનડેડ(Braindead) જાહેર કર્યા હતા. ત્યારબાદ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.
લુહાણા ઠક્કર સમાજના બ્રેઈન ડેડ બિપીનકુમાર શામજીભાઈ દાસાણીના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બિપીનકુમારના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજારથી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.
મુળ પોરબંદરના રહેવાસ અને હાલમાં સિલિકોન પેલેસ અર્ચના સ્કૂલ થી પર્વત પાટિયા રોડ સુરત મુકામે રહેતા પોતાના પરિવાર સાથે રહેતા બિપીનકુમાર શામજીભાઈ દાસાણી [ઉ.૬૮] રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તા. ૩૧ માર્ચના રોજ તેમને સવારે ૫:૦૦ કલાકે ખેંચ આવતા પરિવારજનોએ તેમને ડાયમંડ હોસ્પિટલમાં ન્યુરોફીઝીશયન ડો. નીરવ સુતરીયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી જ્યાં નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન સ્ટ્રોક હોવાનું નિદાન થયું હતું. પરિવારજનોએ તેમને વધુ સારવાર માટે તા ૨ એપ્રિલના રોજ સાંજે ૭:૦૦ કલાકે કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા
તા.૩ એપ્રિલના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોર ન્યુરોફીજીશિયન ડૉ. હીના ફળદુ, ડૉ. નીરવ સુતરીયા ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે બિપીનકુમારને બ્રેનડેડ જાહેર કર્યા હતા અને ડો. નિલેશ કાછડીયાએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી બિપીનકુમારના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી બિપીનકુમારની પત્ની રેણુકાબેન, પુત્રી વૃંદા, પુત્ર ધવલ મોટાભાઈ હરીશભાઈને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ હતું
બિપીનકુમારની પત્ની રેણુકાબેન અને પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે, અમારો પરિવાર પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પ્રેરિત સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલો છે. સ્વ માટે જીવવું એના કરતા સર્વ માટે જીવવું તે શિક્ષા અમને પૂજ્ય દાદાજી તરફથી મળેલ છે. આજે જ્યારે અમારૂ સ્વજન બ્રેઈનડેડ છે, તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાનાં દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. બિપીનકુમારના પરિવારમાં તેમની પત્ની રેણુકાબેન, બે પુત્રી વૃંદા અને પૂજા જેઓ પરણિત છે, પુત્ર ધવલ જે ઓટોમોબાઈલ કંપનીમાં કી-એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા લિવર અને કિડની સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. કિરણ હોસ્પીટલના ડૉ. કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડૉ.પ્રમોદ પટેલ, ડૉ.મુકેશ આહીર અને તેમની ટીમે કિડનીનું દાન, લિવરનું દાન ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. રવિ મોહન્કા, ડૉ. પ્રશાંત રાવ, ડૉ. મિતુલ શાહ અને તેમની ટીમે, ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી ૫૦ વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી ૫૯ વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૬૨ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે.
અંગદાન મેળવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં બિપીનકુમારના પત્ની રેણુકાબેન, પુત્રી વૃંદા અને પુજા, પુત્ર ધવલ, મોટાભાઈ હરીશભાઈ, તેમજ દાસાણી પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ. હીના ફળદુ, ડૉ. નીરવ સુતરીયા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલ, ડૉ. નિલેશ કાછડીયા, મેડિકલ ઓફિસર ડૉ. પુર્ણેશ શાહ, ડૉ. પરેશ પટેલ, ડૉ. અક્ષય ચોવટિયા, ડૉ. ભાવિન લશ્કરી ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર ડૉ. અલ્પા પટેલ, આસીસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર સંજય ટાંચક, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિક્શન ભટ્ટ, નિહીર પ્રજાપતિનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૧૦૬ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૬૦ કિડની, ૧૯૭ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૫ હૃદય, ૩૨ ફેફસાં, ૪ હાથ અને ૩૬૦ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૦૧૫ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.