એકસાથે પરિવારના 7 સભ્યોની નીકળી અર્થી: અંતિમયાત્રામાં હિબકે ચડ્યું આખું સુરત, હૈયું હચમચાવી દેતું પરિવારજનોનું આક્રંદ

Surat Mass Suicide Case: સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી. ત્યારે ગતસાંજે એકસાથે એક જ પરિવારના સાત સભ્યોની અંતિમયાત્રા(Surat Mass Suicide Case) નીકળતા આખું શહેર હીબકે રડી પડ્યું છે. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં ભારે કલ્પાંત અને રુદનના દ્દશ્યો જોવા મળ્યા હતા. તેમજ અંતિમયાત્રામાં ધારાસભ્ય પુર્ણેશ મોદી પણ જોડાયા હતા. જ્યારે સગા-સંબંધીઓના હૈયાફાટ રૂદન વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી. એક જ પરિવારના સાત લોકોની સામૂહિક આપઘાતના પગલે સમગ્ર પંથક શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોના મોતના પગલે સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યું હતું. બનાવની જાણકારી મળતા સ્થળ પર પોહચેલી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જે સ્યુસાઇડ નોટમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે રૂપિયા લેવાના નીકળી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, વ્યક્તિગત તરીકે નામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. મૃતક યુવક ફર્નિચર બનાવવાના ધંધા સાથે સંકળાયેલ હતો. જ્યારે પરિવારમાં પત્ની, ત્રણ સંતાનો અને માતા-પિતા હતા. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જાણકારી આપી કે, મૃતકે આપઘાત કરતા પહેલા દોઢ પાનાની સુસાઈડ નોટ લખી હતી. જોકે, સુસાઈડ નોટમાં આપઘાત પાછળ કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સુસાઈડ નોટમાં રૂપિયા લીધા બાદ કોઈ પાછા ન આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

બનાવની જાણ થતાં રાંદેર અડાજણ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં સ્થળ પર તપાસ કરતા મનીષભાઈ સોલંકી પંખા સાથે ગળેફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે પત્ની રીટા, માતા શોભના, પિતા કનુભાઈ અને સંતાનમાં દિશા, કાવ્યા અને કુશલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે લોકોના ઝેરી દવા ગટગટાવાના કારણે મોત થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

ઘટના બાદ સ્થળ મુલાકાત દરમિયાન પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, પોલીસને આ દુઃખદ ઘટનાની જાણ થઈ હતી. મૃતક મનીષભાઈ સોલંકી કોન્ટ્રાક્ટ ઉપર ફર્નિચરનું કામ કરતા હતા. જેણે પોતાના ઘરમાં પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે પોતાની પત્ની માતા-પિતા અને ત્રણ માસુમ સંતાનોના ઝેરી પ્રવાહી પીવાના કારણે મોત થયા છે. સામૂહિક આપઘાતની આ ઘટનાને અમે સંપૂર્ણ ગંભીરતાથી લીધી છે. ઘટનામાં તમામ પાસાઓ ચકાસવામાં આવશે.

પોલીસ દ્વારા મનીષભાઈના મૃતદેહ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટ અંગે પણ તપાસ કરવામાં આવી છે. જે સુસાઇડ નોટમાં મનીષભાઈએ ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, પોતે દરેક વ્યક્તિ જોડે સારો વ્યવહાર કર્યો છે પરંતુ પોતાની સાથે કોઈપણ વ્યક્તિએ યોગ્ય વ્યવહાર કર્યો નથી. મનીષભાઈએ સુસાઇડ નોટમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, જીવતા જીવ મેં કોઈને હેરાન કર્યો નથી અને મર્યા પછી પણ હું કોઈને હેરાન કરવા માંગતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *