સુરતના આ મંદિરમાં માનતા પૂરી કરવા શિવલિંગ પર ચઢાવાય છે જીવતા કરચલા- જાણો તેની રસપ્રદ માન્યતાઓ

Ramnath Ghela Temple: શિવ મંદિરમાં સામાન્ય રીતે દૂધ, પુષ્પ, મધ જેવી ચીજ- વસ્તુઓ ભક્તો દ્વારા ચઢાવવામાં આવે છે. પરંતુ ક્યાંક તમે એવું જોયું છે, કે ભગવાન શિવને જીવતા કરચલા ચઢાવવામાં આવતા હોય! જી હા, સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ-ઘેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચઢાવે છે. જેની પાછળનું કારણ કાનનો થતો રોગ છે. શું છે આ મંદિરનું(Ramnath Ghela Temple) માહાત્મ્ય અને શા માટે ભક્તો અહીં ચઢાવે છે જીવિત કરચલા?

રામનાથ-ઘેલા મંદિર હજારો વર્ષ જૂનું
રામનાથ ઘેલા મહાદેવને આ કરચલા શા માટે અર્પણ થાય છે, તેની સાથે એક રોચક દંતકથા જોડાયેલી છે. કહે છે કે વનવાસે નીકળેલા શ્રીરામ આ ભૂમિ પર પધાર્યા ત્યારે તેમને પાવની તાપીને કિનારે પિતા દશરથ માટે તર્પણવિધિ કરવાની ઈચ્છા થઈ આવી. શ્રીરામે તે સમયે ભૂમિ પર બાણ ચલાવ્યું અને તે સાથે જ ધરતીમાંથી શિવલિંગનું પ્રાગટ્ય થયું. મહેશ્વરનું દિવ્ય રૂપ જોઈ શ્રીરામ ઘેલા-ઘેલા થઈ ગયા. અને એટલે જ તો મહાદેવ અહીં રામનાથ ઘેલા મહાદેવના રૂપે પ્રસિદ્ધ થયા.

મહેશ્વરના પ્રાગટ્ય બાદ પિતાની તર્પણવિધિ માટે શ્રીરામને એક બ્રાહ્મણની જરૂર પડી. કહે છે કે ત્યારે સ્વયં દરિયાદેવ બ્રાહ્મણનું રૂપ લઈ તર્પણવિધિ કરવા પધાર્યા. તે ભરતીનો દિવસ હોઈ દરિયાદેવની સાથે અસંખ્ય દરિયાઈ જીવો અને વિશેષ તો કરચલા પણ શિવલિંગ પર ખેંચાઈ આવ્યા. આખરે, દરિયાદેવે શ્રીરામને તે જીવોનો ઉદ્ધાર કરવાની પ્રાર્થના કરી. અને શ્રીરામે આશિષ પ્રદાન કરતાં કહ્યું કે, “હે સમુદ્રદેવ ! પોષ વદ એકાદશીએ મહાદેવનું અહીં પ્રાગટ્ય થયું છે. એટલે, એ દિવસે જે મનુષ્ય આ કરચલા મહાદેવ દાદાને અર્પણ કરશે, તેની તમામ તકલીફોનો અંત આવશે. મનુષ્ય, અને કરચલા બંન્નેનો ઉદ્ધાર થશે.”

એટલે કે, શ્રીરામચંદ્રજીએ પ્રદાન કરેલાં તે આશિષને લીધે જ રામનાથ ઘેલા મહાદેવને કરચલા અર્પણ કરવાનો મહિમા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આવો અભિષેક દુનિયામાં બીજા કોઈ શિવલિંગ પર નથી થતો.

શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા
જ્યાં સમુદ્રદેવ બ્રાહ્મણરૂપે પ્રગટ થયા અને પૂજા કરી. દરમ્યાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા. જે અંગે ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનું ઉધાર કરવા વિન્નતી કરી હતી. ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા. ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદેશથી એક સૂચન કર્યું. તેમણે જણાવ્યું કે આ તપોવણભૂમિ પર રહેલ શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે માહાત્મ્ય આંકવામાં આવે છે. જેને લઈ દર વર્ષની પોષ એકાદશીએ હજારોની સંખ્યામાં ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે.

કાનની બીમારીથી પીડાતા લોકો અહીંયા માનતા કરે છે
એવા લોકો હોય છે જે કાન ની બીમારી થી વધુ પીડાતા લોગો વધુ હોય છે.આજના દિવસે શિવલિગ પર કરચલા એવા લોકો ચડાવતા હોય છે જેમની માનતાઓ કામના પુરી થઇ હોય અને કેટલાક ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના પુરી થાય તેની મનત માંગવા આવતા હોય છે દેશના મંદિરોમાં ફુલહાર ચડતા જોયા હશે પણ જીવતા કરચલા ચડતા તમે પહેલી વાર જોયા હશે અને આ મંદિર ખાસ દેશનું પહેલું મંદિર હશે જેમાં ભગવાન ને ખુશ કરવા જીવતા કરચલા ચડે છે.