ભરૂચમાં કોરોના હોસ્પીટલમાં ICU માં સારવાર લઇ રહેલા દર્દી અને નર્સ સહીત 16 જીવતા ભુંજાયા

ગુજરાતમાં (Gujarat) કોરોનાની મહામારી સાથે સાથે કોવિડ-19 હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ મહામારીની જેમ બેફામ બની છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં…

ગુજરાતમાં (Gujarat) કોરોનાની મહામારી સાથે સાથે કોવિડ-19 હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ મહામારીની જેમ બેફામ બની છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે. ત્યારે ગત 30 એપ્રિલના રોજ મોડીરાત્રે ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલ માં આગ લાગતા બાર કોરોના ગ્રસ્ત દર્દીઓ તેમજ બે સ્ટાફ કર્મી સહિત 16 લોકો આગમાં ભૂંજાયા હોવાના સમાચારોથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં સુરત, અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના મળી પાંચ અગ્નિકાંડ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ (Bharuch) જંબુસર બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલને (welfare hospital bharuch) ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 15 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે. તાજી માહિતી અનુસાર આ ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 16 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ સાંપડ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન પુર જોશમાં હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મૃત્યુઆંક વધવાની પુરી સંભાવના વર્તાઈ રહી છે.

હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં આગ લાગ્યાના સમાચારોથી સારવાર લઈ રહેલ દર્દીઓના સંબંધીઓ સહિત પાંચ થી છ હજાર લોકો ઘટનાા સ્થળ પર દોડી આવ્યા હતા.

ઘટનાસ્થળે બચાવ કામગીરી માટે 40 જેટલી એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી તો 12 જેટલી ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હોસ્પિટલ માં 27 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ભારે અરેરાટી વ્યાપી ગઇ છે. બચી ગયેલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ, જંબુસર અલ મહેમુદ સહિતની હોસ્પિટલોમાં શિફ્ટ કરાયા હોવાની વાત પણ સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *