લોકસભા ચૂંટણી 2019 પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ આ ચૂંટણી સાથે સંકળાયેલા આંકડાઓ તમને ચોંકાવી દેશે. સંસદીય ચૂંટણી 2019 અત્યારસુધીની સૌથી મોંઘી ચૂંટણી છે. 7 ચરણો અને 75 દિવસો સુધી ચાલેલી આ ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા છે.
સેન્ટર ફોર મીડિયા સ્ટડી (CMS)ના અભ્યાસ અનુસાર, આ ચૂંટણી દરમિયાન એક વોટ પર સરેરાશ 700 રૂપિયાનો ખર્ચા કરવામાં આવ્યો છે. જો લોકસભા ક્ષેત્ર પ્રમાણે વાત કરીએ તો આ ચૂંટણીમાં દરેક લોકસભા ક્ષેત્રમાં 100 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.
CMSના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે આ વખતે વધીને બેગણો થઈ ગયો છે. આ રીતે ભારતની 2019ની લોકસભા ચૂંટણી અત્યારસુધીની સૌથી મોંઘી ચૂંટણી બની ગઈ છે. CMSનો દાવો છે કે આ અત્યારસુધીની દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી છે.
આ રિપોર્ટને ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર દિલ્હીમાં જાહેર કરવામાં આવ્યો. આ દરમિયાન દેશના પૂર્વ ચૂંટણી આયુક્ત એસ. વાય. કુરેશી પણ હાજર રહ્યા. રિપોર્ટ અનુસાર, 12થી 15 હજાર કરોડ રૂપિયા મતદાતાઓ પર ખર્ચ કરવામાં આવ્યા, 20છી 25 હજાર કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચ થયા, 5 હજારથી 6 હજાર કરોડ રૂપિયા લોજિસ્ટિક પર ખર્ચાયા. 10થી 12 હજાર કરોડ રૂપિયા ઔપચારિક ખર્ચ હતો, જ્યારે 3થી 6 હજાર કરોડ રૂપિયા અન્ય બાબતો પર ખર્ચવામાં આવ્યા. આ બધી જ રકમને જોઈએ તો આંકડો 55થી 60 હજાર કરોડ પર પહોંચી જાય છે.
અહીં એ જણાવવું જરૂરી છે કે, ચૂંટણી આયોગ પાસેથી માન્યતા પ્રાપ્ત ખર્ચની સીમા માત્ર 10થી 12 હજાર કરોડ રૂપિયા હતી. CMSના આ રિપોર્ટને ચૂંટણી ખર્ચઃ 2019ના નામથી જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 1998થી લઈને 2019ની વચ્ચે આશરે 20 વર્ષની અવધિમાં ચૂંટણી ખર્ચમાં 6થી 7 ગણો વધારો થયો. 1998માં ચૂંટણી ખર્ચ આશરે 9 હજાર કરોડ રૂપિયા હતો, જે હવે વધીને 55થી 60 હજાર કરોડ રૂપિયા થઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.