‘ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ હબ’ બન્યું ગુજરાત- બહારથી ડ્રગ્સ આવવાના બદલે ગુજરાતમાં જ ખુલી ગઈ છે ફેક્ટરીઓ

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા દિવસોથી સક્ષમ વિપક્ષ અને…

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા દિવસોથી સક્ષમ વિપક્ષ અને વિકલ્પ બનીને આગળ આવી રહી છે. અરવિંદ કેજરીવાલ નિયમિત રૂપે ગુજરાત આવીને ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીનું વિઝન સમજાવી ગેરંટી આપી રહ્યા છે. અલગ અલગ વર્ગ સુધી પહોંચવા માટે આમ આદમી પાર્ટી ખૂબ જ મહેનત કરી રહી છે. છેલ્લા ઘણા દિવસોમાં અરવિંદ કેજરીવાલ દ્વારા 300 યુનિટ મફત વીજળી, મહિલાઓને 1000 રૂપિયા સન્માન રાશિ, બેરોજગારોને રોજગાર અને જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી 3000 રૂપિયાનું ભથ્થું, આદિવાસી સમાજ માટે અલગ ગેરંટી અને વેપારીઓને પણ વેપાર માટે ગેરંટી આપવામાં આવી છે. અને હાલમાં શિક્ષણ વ્યવસ્થા સુધારવા મુદ્દે અરવિંદ કેજરીવાલ દ્વારા ગેરંટી આપવામાં આવી છે.

જે રીતે અરવિંદ કેજરીવાલ દ્વારા દરેક મુદ્દે ગેરંટી આપવામાં આવી રહી છે તે ગુજરાતના લોકો જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે અને ગંભીર રૂપે ધ્યાને લઇ રહ્યા છે. હવે ગુજરાતના લોકોને વિશ્વાસ બેસી ગયો છે કે, અરવિંદ કેજરીવાલ જે બોલે છે એ કરી બતાવે છે. કેમ કે દિલ્હીમાં પણ 200 યુનિટ વીજળી ફ્રી કરી બતાવી અને પંજાબમાં પણ 300 યુનિટ વીજળી ફ્રી કરી બતાવી એટલે ગુજરાતના લોકો સમજી ગયા છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પણ કરી બતાવશે. એવી જ રીતે અરવિંદ કેજરીવાલએ હાલમાં શિક્ષણ ક્ષેત્રે ગેરંટી આપી, કેમ કે વર્ષોથી ગુજરાતમાં ભાજપ સરકારે શિક્ષણ ક્ષેત્રની જે કપરી સ્થિતિ કરી નાખી છે તેનાથી જનતા ખૂબ જ દુઃખી છે. ખાનગી શાળામાં લાખો રૂપિયા ફીસ ભરીને ગુજરાતની જનતા હવે કંટાળી ગઈ છે. એક બાજુ આવકના સાધનો વધ્યા નથી ને બીજી બાજુ બાળકોને ભણાવવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડે છે. આ પરિસ્થિતિની અંદર જનતાને રાહત મળે તે માટે સરકારી શાળાઓનું મહત્વ વધી જાય છે.

ત્યારે અરવિંદ કેજરીવાલએ ગુજરાતની જનતાને આંતરરાષ્ટ્રીય સ્તરનું ભણતર આપતી શાનદાર સરકારી શાળાઓ ખોલવાની ગેરંટી આપી છે. અને ગુજરાતમાં જન્મેલા તમામ બાળકોને મફત અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે એ સુનિશ્ચિત કરવામાં આવશે. આ ગેરંટીથી ગુજરાતના વાલીઓમાં એક જબરજસ્ત ઉત્સાહ વધ્યો છે. ગઈકાલે આખો દિવસ ઘણા બધા લોકોના અભિનંદન પાઠવવા માટે ફોન આવ્યા, મેસેજ આવ્યા, પાર્ટીના ઈ-મેલ પર મેલ આવ્યા. લોકોએ કહ્યું કે, ગુજરાતમાં સારી સરકારી શાળાઓની ખૂબ જ જરૂર છે. સાથે સાથે અરવિંદ કેજરીવાલજીએ વિદ્યાસહાયકોના ગંભીર મુદ્દે સારામાં સારી ગેરંટી આપી છે કે ગુજરાત સરકારમાં જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે એ તમામ વિદ્યાસહાયકોની જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે અને તેની સાથે જ વધુમાં નવી જેટલી પણ સરકારી શાળાઓ બનશે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શૈક્ષણિક સ્ટાફની, વહીવટી સ્ટાફની અને બિનવહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતમાં શિક્ષકોની એક પીડા રહી છે કે તેમના પાસેથી શિક્ષણ સિવાયના બીજા ઘણા કામો કરાવવામાં આવે છે. ગુજરાતમાં શિક્ષકો પાસે શ્રમિક જેવું કામ કરાવવામાં આવે છે જયારે હકીકતમાં શિક્ષકોનું રાષ્ટ્રનિર્માણ, સમાજનિર્માણ અને નાગરિકનિર્માણનું કામ છે. પરંતુ આ ભાજપ સરકાર શિક્ષકો પાસેથી ભાજપના કાર્યક્રમોમાં માણસો ભેગા કરવાનું કામ, ભાજપની રેલીઓમાંથી કુતરા ખસેડવાનું કામ, તીડ આવે તો તીડ ભગાડવાનું કામ, શૌચાલયની ગણતરી કરવાનું કામ એમ શિક્ષકો પાસેથી બિનરચનાત્મક અને બિનઉત્પાદક કામો લેવામાં આવે છે જેના કારણે શિક્ષક સમાજ વ્યથિત છે. એટલે અરવિંદ કેજરીવાલએ ગેરંટી આપી છે કે શિક્ષકોને બાળકોના શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ આપવામાં નહિ આવે. શિક્ષકો પાસેથી માત્ર ને માત્ર રાષ્ટ્રનિર્માણનું અને ક્લાસરૂમના માધ્યમથી નાગરિકનિર્માણનું કામ લેવામાં આવશે. જેવી રીતે દિલ્હી અને પંજાબમાં શિક્ષકો પાસેથી બિનજરૂરી કામો લેવાનું આમ આદમી પાર્ટી સરકારએ બંધ કર્યું છે એમ જ ગુજરાતમાં પણ બંધ થશે.

ગુજરાતમાં વાલીઓ ખાનગી શાળાઓની મનમાની થી ત્રાસી ગયા છે. ગુજરાતમાં બેફામ રીતે દર વર્ષે ખાનગી શાળાઓમાં ફીસ વધારવામાં આવે છે. ફી રેગ્યુલેટરી કમિટી (FRC) માત્ર કાગળ ઉપર જ બનાવવામાં આવી છે. કોઈપણ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન કર્યા વગર ખાનગી શાળાઓ દ્વારા વધારવામાં આવતી ફીસને FRC દ્વારા મંજૂરી આપી દેવામાં આવે છે. આવી રીતે ભાજપના નેતાઓ અને FRC દ્વારા સાંઠગાંઠ કરીને જનતાને લૂંટવામાં આવી રહી છે. એટલે અરવિંદ કેજરીવાલએ ગેરંટી આપી છે કે, આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી બધી ખાનગી શાળાઓની ઓડિટ કરવામાં આવશે, અને જે બેફામ રીતે ફીસ વધારા કરવામાં આવી રહ્યા છે તેના પર કાબૂ લાવવામાં આવશે. ખાનગી શાળાઓના માનસ્વી ફી-વધારા પર રોક લગાવવામાં આવશે. ખાનગી શાળાઓને જેમ મોલ બનાવી દેવામાં આવી છે કે પુસ્તકો ખરીદવી હોય, યુનિફોર્મ ખરીદવો હોય કે શૂઝ, વોટરબેગ ખરીદવી હોય તો તે તેમની પાસેથી જ ખરીદવું, આ એમાં આદમી પાર્ટીએ દિલ્હીમાં પણ બંધ કરાવી દીધું અને પંજાબમાં પણ બંધ કરાવી દીધું છે, એમ આમ આદમી પાર્ટીની સરકાર બનતા ગુજરાતમાં પણ બંધ કરાવી દઈશું.

આમ સમગ્ર ગુજરાતના શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે, શિક્ષકોના માન-સન્માન માટે અને વાલીઓને રાહત મળે તેના માટે શિક્ષણ સંબંધિત આ બધી ગેરંટી અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવી છે. આ ગેરંટીને ગુજરાતના લોકોએ ખૂબ ઉત્સાહથી તે વાલી હોય, વિદ્યાર્થી હોય, શિક્ષક હોય કે શિક્ષક બનવા માટે ની મહેનત કરી રહેલા યુવાનો હોય સૌએ આવકારી છે.

ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવતા કહ્યું કે, ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાવાની ઘટના વારંવાર સામે આવી રહી છે. અદાણી પોર્ટ ઉપર થી ઘણી વાર ડ્રગ્સ પકડાવાની ઘટના સામે આવી છે. છતાંય આજ દિવસ સુધી કોઈ તપાસ નથી થઈ. અત્યાર સુધી ભાજપ સરકારનું કહેવું હતું કે, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનું નેટવર્ક ચાલી રહ્યું છે, અને અમે એણે પકડી લઈએ છીએ, ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે એના પહેલા જ તેને પકડી લેવામાં આવે છે. પણ આજે સાબિત થઇ ગયું કે, ગુજરાતમાં બહારથી ડ્રગ્સ આવવાના બદલે ગુજરાતમાં જ ફેક્ટરીઓ ખુલી ગઈ છે. જે રીતે દારૂની ફેક્ટરીઓ ખુલી ગઈ છે એમ ડ્રગ્સની ફેક્ટરીઓ પણ ખુલી ગઈ છે. એટલે જે ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરતા હતા કે ડ્રગ્સ માફિયાઓ થર થર ધ્રૂજે છે. એ ફાંકા ફોજદારી બંધ કરીને ગુજરાતમાં હિંમત કેમ થઇ કોઈની ડ્રગ્સની ફેક્ટરીઓ ખોલવાની, કયા ભાજપના નેતાઓએ હફ્તા લઈને ડ્રગ્સની ફેક્ટરીઓ ખોલાવી છે તેની તપાસ કરાવી જોઈએ. અને જો ગૃહમંત્રી હર્ષ સંઘવીમાં જરાય શરમ બાકી હોય તો વહેલી તકે આજે જ રાજીનામું આપી દેવું જોઈએ અને ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. પહેલા ગ્રામમાં ડ્રગ્સ પકડાતું હતું, પછી કિલોમાં આવ્યું અને હવે ફેક્ટરીઓ સુધી પહોંચી ગયું છે જે ભાજપ સરકારની નિષ્ફળતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *