IPLના એક સુવર્ણ યુગનો આવ્યો અંત: આ પહેલી એવી IPL હશે જેમાં ભારતના 3 ધુરંધરો ધોની-રોહિત-વિરાટની નહીં જોવા મળે કેપ્ટનશીપ

IPL 2024: મહાસંગ્રામ શરૂ થાય તે પહેલા જ ચાહકોને નિરાશ કરનારા સમાચાર સામે આવ્યા છે. તમામ ક્રિકેટ પ્રેમીઓના પ્રિય કેપ્ટન(IPL 2024) એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે.

માહીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન માટે CSKની બાગડોર રૂતુરાજ ગાયકવાડને સોંપી હોવાનું સામે આવ્યું છે. ધોનીના નિર્ણય બાદ IPL 2024માં પહેલીવાર કંઈક એવું થશે, જે આ લીગના 16 વર્ષમાં નથી થયું.

IPLમાં આવું પહેલીવાર થશે
IPL 2024ની શરૂઆત પહેલા જ ધોનીએ ફેન્સના દિલ તોડી નાખ્યા છે. માહીની ચતુરાઈ આ સિઝનમાં જોવા નહીં મળે. ઈન્ડિયન પ્રીમિયર લીગના 16 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે, જ્યારે ધોની, રોહિત કે વિરાટ કોહલીમાંથી કોઈ કેપ્ટનશિપ કરતા જોવા નહીં મળે. આઈપીએલમાં આ પહેલા ક્યારેય બન્યું નથી, જ્યારે આ ત્રણેય મહાન ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં માત્ર ખેલાડી તરીકે રમ્યા હોય.

ધોનીએ રુતુરાજને કેપ્ટનશિપ સોંપી
આઈપીએલ 2024ની શરૂઆતના એક દિવસ પહેલા એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપી છે. માહીએ તેની કપ્તાનીમાં પાંચ વખત CSK ચેમ્પિયન બનાવ્યું હતું. ગત સિઝનમાં ધોનીએ ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ચેન્નાઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું હતું.

રોહિતને કેપ્ટ્ન પદેથી હટાવી દેવામાં આવ્યો
રોહિત શર્મા IPL 2024માં ધોનીની જેમ ખેલાડી તરીકે રમતા જોવા મળશે. મિની ઓક્શન પહેલા મુંબઈની ટીમે રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને તેના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા. 10 વર્ષ બાદ હિટમેન IPLમાં ખેલાડી તરીકે રમતા જોવા મળશે.

કોહલીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી
વિરાટ કોહલીએ વર્ષ 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ફાફ ડુ પ્લેસિસ 2021થી RCBની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

પહેલીવાર ત્રણેયમાંથી કોઈ કેપ્ટન નથી
આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. મહેન્દ્ર સિંહ ધોની પ્રથમ સિઝનથી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. 2012માં વિરાટ કોહલી RCBનો કેપ્ટન બન્યો હતો. રોહિત શર્મા 2013થી કેપ્ટન છે. 2017માં ધોની કેપ્ટન નહોતો પરંતુ રોહિત અને કોહલી કેપ્ટનશીપ કરી રહ્યા હતા. 2022ની સીઝનની શરૂઆતમાં આ ત્રણમાંથી માત્ર રોહિત જ કેપ્ટન હતો. પરંતુ આ પહેલીવાર હશે જ્યારે રોહિત, ધોની અને વિરાટમાંથી કોઈ પણ IPLમાં કેપ્ટન નથી.