અચ્છે દિન જનતાનાં તો ન આવ્યા પરંતુ અમિત શાહના પુત્ર જય શાહ ના જરૂર આવ્યા. સૌનો સાથ સૌનો વિકાસ થાય કે નહી પરંતુ અમિત શાહના દીકરા જયનો વિકાસ પુરઝડપે થઈ રહ્યો છે, જય શાહનો ધંધો વિકસી રહ્યો છે, તેની ધંધાકીય પેઢીના મૂલ્યમાં જબરદસ્ત વધારો થયો છે, કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તેની વેબસાઈટ ઉપર અપલોડ કરાયેલી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો વ્યવસાય વિકસી રહ્યો છે. જય અમિત શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ એલએલપી દ્વારા મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવ્યાં મુજબ જય શાહ સંસ્થામાં નિયુક્ત કરાયેલા ભાગીદાર છે અને તેમનું સ્થાન કંપનીના ડિરેકટરની સમકક્ષનું છે.
કંપનીની આવકમાં કરોડો રૂપિયાનો ધરખમ વધારો
આ ગંભીર ખુલાસો કારવા વેબસાઈટના એક અહેવાલ દ્વારા થયો છે. તેની સંપૂર્ણ વિગતો અહીં જેમની તેમ રજૂ કરવામાં આવી છે. કેન્દ્રમાં જ્યારથી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપની સરકાર સત્તામાં આવી છે ત્યારથી એટલે કે, વર્ષ 2015થી 2019 સુધીમાં જય શાહની પેઢી કુસુમ ફિનસર્વની કુલ સંપત્તિ 24.61 કરોડ રૂપિયા વધી છે. તેની ચોખ્ખી નિશ્ચિત સંપત્તિમાં રૂ. 22.73 કરોડનો વધારો થયો છે, તેની વર્તમાન સંપત્તિમાં રૂ. 33.05 કરોડનો વધારો થયો છે અને કુલ આવકમાં રૂ. 116.37 કરોડનો વધારો થયો છે. જય શાહનો સિતારો ઓક્ટોબરના મધ્યમાં ચમકી ઉઠ્યો છે, તે ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સંસ્થા ક્રિકેટનું રાષ્ટ્રીય સ્તરે સંચાલન કરે છે.
જય શાહની કંપની આર્થિક સ્તરે નબળી હતી તે સબળી થઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ-2018માં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે, જય શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ કે જે અગાઉથી આર્થિક રીતે નબળી ચાલી રહી હતી, તે સંસ્થાની ક્રેડિટ સુવિધામાં વર્ષ 2016માં નાટ્યાત્મક રીતે ધરખમ વધારો થયો હતો. વર્ષ 2016માં અમિત શાહે પોતાના પુત્રની પેઢી માટે રૂ. 25 કરોડની ક્રેડિટ સુવિધાને સુરક્ષિત કરવા માટે પોતાની બે મિલકતોને ગીરવે મૂકીને મદદ કરી હતી.
જય શાહની કંપનીએ ગુનાહિત કાર્ય કર્યું
કુસુમ ફિનસર્વ એલએલપીને દર વર્ષે 30 ઓક્ટોબર સુધીમાં પોતાના ખાતા (એકાઉન્ટ)નું વિવરણ રજૂ કરવાનું હોય છે. એવું કરવામાં અસમર્થ રહે તો મર્યાદિત જવાબદારી ભાગીદારી અધિનિયમ હેઠળ ગુનો બને છે અને તેની જોગવાઈ મુજબ પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. એક મીડિયા અહેવાલ મુજબ કુસુમ ફિનસર્વ દ્વારા વર્ષ 2017 અને વર્ષ 2018ની માટેનું નિવેદન હજુ સુધી રજૂ કરાયું નથી. ભાજપ સરકાર અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા પોતાના નાણાકિય નિવેદનો (સ્ટેટમેન્ટ) રજૂ કરવામાં નિષ્ફળ રહેલી કંપનીઓ સામે સકંજો કસ્યો છે તેમ છતાં કુસુમ ફિનસર્વ દ્વારા બે વર્ષ સુધી પોતાના નાંણાકિય નિવેદનો મંત્રાલય સમક્ષ રજૂ કર્યા નથી.
ચૂંટણીમાં વિગતો જાહેર ન કરી
આ વર્ષના પ્રારંભમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીઓના કારણે સંસ્થાઓના નાણાંકિય નિવેદનો જાહેરમાં જોવા માટે વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરાયા ન હતા. ભાજપે પ્રચંડ બહુમતીથી આ ચૂંટણી જીતી લીધી હતી. ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી જિતનારા અમિત શાહને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી બીજી સરકારની કેબિનેટમાં ગૃહ મંત્રી બનાવાયા હતા. ચૂંટણીના પરિણામ જાહેર થયાના લગભગ ત્રણ મહિના પછી ઓગસ્ટ-2019માં મંત્રાલય દ્વારા નાણાકિય નિવેદનો વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા. જો કે, પેઢી દ્વારા અત્યાર સુધીના નવીનતમ નાણાકિય વર્ષ સુધીની બેલેન્સ શીટ રજૂ કરી છે, પરંતુ આ દસ્તાવેજોમાં કુસુમ ફિનસર્વના વ્યવસાયની પ્રવૃત્તિઓ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કાર્યક્ષેત્રમાં આ કુસુમ ફિનસર્વ પેઢી આવે છે તે અમદાવાદ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા પણ આ અંગેના પ્રશ્નોના જવાબ અપાયા નથી.
એ વાત સ્પષ્ટ છે કે જે વર્ષોમાં કુસુમ ફિનસર્વના નિવેદનો જાહેર જનતા માટે ઉપલબ્ધ ન હતા, તે સમય ગાળામાં કુસુમ ફિનસર્વના વ્યવસાયમાં ધરખમ વધારો થયો છે. નાણાકિય વર્ષ 2015માં કુસુમ ફિનસર્વ પેઢીની કુલ આવક 3.23 કરોડ રૂપિયા હતી. જે નાણાકિય વર્ષ 2019ના અંત સુધીમાં વધીને 119.61 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકિય વર્ષ 2017માં કુસુમ ફિનસર્વએ 143.43 કરોડ રૂપિયાની સર્વાંગી ઉચ્ચ કુલ આવક મેળવી હતી.
5 કરોડના ચમત્કારિક રીતે 20 કરોડ થઈ ગયા
નાણાકિય વર્ષ 2015 અને વર્ષ 2019ની વચ્ચે કુસુમ ફિનસર્વની કુલ સંપત્તિ 1.21 કરોડ રૂપિયાથી અનેક ગણી વધીને 25.83 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકિય વર્ષ 2018 આ પેઢી માટે સ્પષ્ટપણે સમૃદ્ધ હતું, આ સમયમાં તેની સંપત્તિ અગાઉના વર્ષ કરતાં 5.17 કરોડ રૂપિયાથી વધીને 20.25 કરોડ સુધી પહોંચી ગઈ હતી. પેઢીની સંપત્તિ (નેટવર્થ) એ એક પરિમાણ છે જે તેની નાણાકિય સમૃદ્ધિ દર્શાવે છે.બેન્કો સામાન્ય રીતે આ આંકનો ઉપયોગ એ બાબત જાણવા માટે કરે છે કે શું આ પેઢી ધિરાણ આપવાને માટે યોગ્ય છે, જે એક સકારાત્મક સંપત્તિ (નેટવર્થ) સફળ વ્યવસાયને સૂચવે છે.