ગુજરાતમાં વરસાદી માહોલ સારો જામ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ વરસી ર્હ્યોઈ છે. ત્યારે ગઈ કાલના રોજ રાજકોટ જિલ્લામાં સારો વરસાદ વરસ્યો હતો, જેને પગલે નદીનાળાં ઊભરાયાં હતાં. આ દરમિયાન ગઈકાલે સાંજે લોધિકાની રાવકી નદીમાં એક કાર તણાઈ હતી. જેમાં એક નિવૃત્ત બેંક કર્મચારીનું મોત નિપજ્યુ હતું. તો તેમના પરિવારની બે મહિલાઓને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યાં હતાં અને ત્રણ યુવાનો નદીમાં કારમાં સવાર લોકોને બચાવવા મોતને મૂઠીમાં લઇને કૂદ્યા હતા. ગ્રામજનોએ દોરડા વડે રેસ્ક્યૂ-ઓપરેશન કર્યું હતું, પરંતુ સીટબેલ્ટ ન ખૂલતાં કારચાલકનું કારની અંદર જ મોત થયું હતું, જ્યારે કારમાં સવાર બે મહિલાને બચાવી લેવામાં આવી હતી. પોલીસે કારચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. રેસ્ક્યૂ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
લોધિકાના રાવકીથી માખવાડ જવાના રસ્તે નવા નિર્માણ પામતા પુલ ગઈકાલે સાંજે 7 વાગે એક કાર તણાઈ હોવાની માહિતી મળી હતી. જેમાં નિવૃત્ત બેંક કર્મી લાલજીભાઈ ધેલાણીનું મૃત્યુ થયું છે. ગઈકાલે સાંજે સાત વાગ્યાનાં અરસામાં કાર આ પુલ પરથી પસાર થઈ હતી ત્યારે પુલ પરથી નીચે નદીમાં ખાબકી હતી. જયારે કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી ત્યારે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.
આ દરમિયાન ગામના સંરપંચ સહિત યુવાનો દ્વારા જીવના જોખમે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યું છે કે, સ્થાનિક લોકો અને રોડ કોન્ટ્રાક્ટર મજૂરોએ બચાવ કામગારી કરી હતી. કારમાં સવાર બે માહિલાને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવી હતી. પરંતુ, લાલજીભાઈ ઘેલાણીનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો.
સરપંચ ઈન્દુભા જાડેજા સહિતનાં ગ્રામજનો સ્થળ પર હતાં અને તે દરમ્યાન કઈ પણ વિચાર કર્યા વગર તરત જ ત્રણ યુવાન પાણીમાં કુદકો લગાવ્યો અને યુવકોએ ખપારીથી કારનો પાછળનો કાચ તોડી મહિલાઓને બહાર કાઢી હતી. ચાલક સીટબેલ્ટ ન ખોલી શકતાં નીકળી શક્યા ન હતા, જેથી દાતરડાથી સીટબેલ્ટ કાપી બેશુદ્ધ હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. રસ્તા પરથી પસાર થતા કિશન પટેલના જણાવ્યા મુજબ, પ્રૌઢને ટ્રેક્ટરમાં હોસ્પિટલ લઇ જવાયા હતા, પરંતુ તેનું મોત થયું હતું. આ ઘટના 7 વાગ્યાની આસપાસ બની હતી.
નદીમાંથી જીવના જોખમે રેસ્ક્યૂ કરનાર ભાવેશ પરમારે સમગ્ર ઘટના અંગે જણાવતા કહ્યું કે, નદીમાં પાણી આવ્યું હતું એટલે અમે ગ્રામજનો નદીએ જ ઊભા હતા. ત્યાં કાર આવી એટલે અમે હાથ ઊંચા કરી રોક્યા પણ ડ્રાઈવરે ગાડી હંકારી લીધી. નદીમાં જતાં જ કાર પલટી ગઈ. સરપંચ દોડ્યા અને હું મારો મિત્ર ભાવેશ વેગડા અને અભીભાઈ દરબાર પાણીમાં ઊતર્યા. ડ્રાઇવર સીટવાળો ભાગ નીચે હતો એટલે પાછળનો કાચ તોડીને બંને મહિલાને ખેંચીને બહાર કાઢી લીધી. ડ્રાઇવર સીટબેલ્ટ ખોલી ન શક્યા એટલે તેઓ ઉપર ન આવી શક્યા. પાણીનું વહેણ વધારે હતું અને ડહોળું હતું, અંદર કશું જ દેખાતું ન હતું. મહામહેનતે ભાવેશ અને અભીભાઈએ અંદર જઈને દાતરડાથી સીટબેલ્ટ કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યા અને ગ્રામજનોએ ખેંચીને બહાર લાવી હોસ્પિટલ ખસેડ્યા.
રાવકી ગામના વતની અને રેસ્ક્યૂ કરનાર અન્ય એક યુવાન અભિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે વધુ વરસાદને કારણે નદીમાં પાણી વહેતું હતું. પુલ પરથી પણ પાણી વહેતું હતું. આમ છતાં પણ એક મોટરકાર રસ્તો ઓળંગવા પ્રયાસ કર્યો હતો અને એ પુલ ઉપરથી નીચે ખાબકી હતી, જેમાં એક પુરુષ અને બે સ્ત્રી બેઠાં હતાં. તંત્ર અહીં મદદે આવ્યું ન હતું, પરંતુ ગામના લોકોએ સાથે મળી માંડ માંડ કરી મહામહેનતે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.
રેસ્ક્યૂ કરનાર અન્ય એક યુવાન ભરતભાઇ પરમારે જણાવ્યું હતું કે, કારચાલકનો સીટ બેલ્ટ ન ખૂલતાં તેમનું મોત નીપજ્યું હતું, આથી તેમનો સીટ બેલ્ટ છરીથી કાપી બાદમાં દોરડા વડે નીચેથી ઉપર ખેંચી બહાર કાઢવામાં આવ્યા હતા અને બંને મહિલાને પુલની સાઇડમાં ચાલીને બહાર કાઢવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.