જુનાગઢ (ગુજરાત): ગત રાત્રિથી જૂનાગઢ (junagdh) જિલ્લાના મોટાભાગના તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે કે, જેમાં 2 ઇંચથી લઇને 14 ઇંચ જેટલો અતિભારે વરસાદ (Heavy Rain) વરસતાં હવામાનમાં ઠંડક પ્રસરી જવા પામી છે જયારે અતિભારે વરસાદને કારણે લોકો તથા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે. જ્યારે આજ વહેલી સવારમાં જિલ્લાના વિસાવદર (Visavadar) પંથકમાં ફક્ત 4 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને કારણે પંથકનાં નદી-નાળામાં વરસાદી પાણીના નવા નીર ધસમસતા વહેતા જોવા મળ્યા હતા.
સોનરખ અને કાળવા નદીમાં આવ્યું ઘોડાપૂર:
ગિરનાર પર્વત પર તેમજ જૂનાગઢ શહેરમાં 10 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતાં મહાનગરની મધ્યમાંથી પસાર થતી સોનરખ તથા કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાં છે તેમજ નરસીહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આજુબાજુના વિસ્તારો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગિરનારમાં પડેલા અતિભારે વરસાદને કારણે શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઇ ચુક્યો છે.
ગતરાત્રિથી અવિરત ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ:
જિલ્લાના કેટલાક તાલુકામાં ગત રાત્રિથી અવિરત કયાંક ભારે તો કયાંક અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદનેવ લીધે ખેડૂતોના મૂરઝાઇ રહેલા પાકને જીવતદાન સમાન હોવાને લીધે જગતના તાતમાં હરખની હેલી પ્રસરી ઉઠી હતી. જ્યારે રવિવારની રાત્રિથી સોમવારની બપોર સુધીમાં જિલ્લાના કેટલાક તાલુકામાં અવિરત વરસતા વરસાદને કારણે હવામાનમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
રાત્રે 10થી સવારનાં 12 વાગ્યા સુધીના વરસાદના આંકડા:
જિલ્લાના 9 જેટલા તાલુકામાં રવિવારની રાત્રીથી લઈને સોમવારની બપોર સુધીમાં પડેલ સાર્વત્રિક વરસાદમાં સૌથી વધારે વિસાવદરમાં 14 ઇંચ, જૂનાગઢમાં 6 ઇંચ, કેશોદમાં 3 ઇંચ, ભેંસાણમાં 3 ઇંચ, મેદરડામાં 2.5 ઇંચ તેમજ માંગરોળમાં 2.5 ઇંચ જયારે માણાવદરમાં 3 ઇંચ, માળિયાહાટીમાં 2 ઇંચ અને વંથલીમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિસાવદરમાં ફક્ત 4 કલાકમાં 12 ઇંચ વરસાદ:
જૂનાગઢમાં સૌથી વધારે વિસાવદર પંથકમાં નોંધાયો છે કે, જેમાં સવારમાં ફક્ત 4 કલાકમાં વિસાવદર તથા ગ્રામ્ય પંથકમાં 12 ઇંચ વરસાદ ખાબકતા પંથકનાં નદી-નાળામાં ધસમસતા વરસાદી પાણી વહેતાં થઈ ગયા હતાં. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારના માર્ગ પર પણ પાણી ભરાઇ ગયાં છે. જ્યારે પંથકનાં ખેતરો પાણીથી તરબોતર થઇ ગયાં હતાં.
ગિરનારના જંગલમાં અતિભારે વરસાદ ખાબકતાં સમગ્ર શહેર જળબંબાકાર થયું છે. આની સાથે જ જૂનાગઢ-રાજકોટ નેશનલ હાઈવેને જોડતા રસ્તા પર પણ પાણી ફરી વળ્યાં છે, જ્યારે દોલતપરા વિસ્તારની દુકાનો તેમજ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. પાણીના નિકાલ માટે મનપા દ્વારા કોઈ સુવિધા ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.