કર્ણાટક ચૂંટણી પરિણામ: બેલ્લારીમાં 1 લાખ મતથી કોંગ્રેસ આગળ, રેડ્ડી સામ્રાજ્ય ધરાશાયી થશે?

Published on: 5:48 am, Tue, 6 November 18

કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીના આજે પરિણામ આવવાના છે. મંગળવારે સવારથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. 3 લોકસભા સીટમાં બેલ્લારી, શિમોગા, માંડિયા અને બે વિધાનસભા સીટ જામખંડી અને રામનગર છે.

પાંચેય સીટ પર શનિવારે મતદાન થયું હતું. બેલ્લારી લોકસભા સીટમાં કોંગ્રેસના ઉમેદવાર વી.એસ. ઉગરપ્પા ભાજપના ઉમેદવાર જે. શાંતા સામે 1 લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે.

રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે જે રીતે કોંગ્રેસ અને જેડીએસના 100 ઉમેદવારોએ બેલ્લારીમાં મતદારોને રેડ્ડી બ્રધર્સના સામ્રાજ્યનો અંત લાવવાની અપીલ કરી હતી. આ કેમ્પેનમાં એચ.ડી. દેવગૌડા અને સિદ્દારમૈયાએ ખાસ્સો પ્રચાર કર્યો હતો. એ દિશામાં આ પરિણામ લઇ જઇ શકે તેવી શક્યતાઓ વરતાઇ રહી છે.

ભાજપને ત્રણેય લોકસભા સીટ પર જીત મળવાની આશા

રામનગર સીટથી સીએમ કુમારસ્વામીની પત્ની અનીતા અને બીએસ યેદિયુરપ્પાના દીકરા બીવાઈ રાઘવેન્દ્ર શિમોગા સીટના ઉમેદવાર છે. ત્રણેય લોકસભા સીટમાંથી બે ભાજપ અને એક જેડીએસ પાસે હતી. જો પેટા ચૂંટણીમાં ભાજપ ત્રણેય સીટ જીતી જશે તો 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનો ભાજપને મનોવૈજ્ઞાનિક લાભ મળશે.

3 પૂર્વ મુખ્યમંત્રીઓના દીકરાઓ વચ્ચે પણ ટક્કર

શિમોગા લોકસભા સીટ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ શિકારીપુરાખી વિધાનસભા ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હોવાથી આ સીટ ખાલી થઈ છે. આ સીટ પર ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓના દીકરાની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

અહીં યેદિયુરપ્પાએ તેમના દીકરા રાઘવેન્દ્રને ઉમેદવાર બનાવ્યો છે. જ્યારે જેડીએસના પૂર્વ સીએમ અને બંગારપ્પાના દીકરા મધુ બંગારપ્પાને ઉમેદવાર બનાવવામાં આવ્યો છે. બિહારમાં ભાજપના સહયોગી જેડીયૂના પૂર્વ સીએમ જેએચ પટેલના દીકરા મહિમા પટેલે પણ અહીંથી ઉમેદવારી નોંઘાવી છે.

ભાજપનો ગઢ શિવમોગા અને બેલ્લારી

શિમોગા સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં અહીં કોંગ્રેસ અને જેડીએસનો વોટ શેર ભાજપ કરતા વધારે માનવામાં આવે છે.

આ સંજોગોમાં આ સીટ બચાવવી ભાજપ માટે પડકાર છે. બેલ્લારી ભાજપનો બીજો ગઢ છે. અહીં ભાજપના નેતા શ્રીરામુલુની બહેન શાંતા ઉમેદવાર છે. આ સીટ આદિવાસી જનજાતી માટે આરક્ષિત છે.

ચાર સીટ રાજીનામાના કારણે ખાલી થઈ હતી

પાંચમાંથી ચાર સીટ રાજીનામાના કારણે અને એક સીટ પર ધારાસભ્યના નિધનના કારણે ખાલી થઈ હતી. શિમોગા સીટ બીએસ યેદિયુરપ્પા, બેલ્લારી સીટ શ્રીમુલુ અને માંડ્યા સીટ સીએસ પુટ્ટારાજૂના રાજીનામાના કારણે ખાલી થઈ હતી. જ્યારે રામનગર સીટથી સીએમ કુમારસ્વામીએ રાજીનામું આપ્યું છે. જામખંડી સીટ પર કોંગ્રેસ ધારાસભ્ય સિદ્ધુ ન્યામગૌડાનું નિધન થઈ ગયું છે.

આટલું આટલું થયું હતું મતદાન

પેટા ચૂંટણી માટે પાંચ સીટ પર શનિવારે મતદાન થયું હતું. શિવમોગા લોકસભા સીટ પર 61.05 ટકા, બેલ્લારી લોકસભા સીટ પર 63.65 ટકા અને માંડ્યા લોકસભા સીટ પર 53.93 ટકા વોટિંગ થયું હતું.

રામનગર વિધાનસભા સીટ પર 73.71 અને જામખંડી વિધાનસભા સીટ પર 81.58 ટકા મતદાન થયું છે.