ગૌચરની જમીન કૌભાંડમાં કુંવરજીને 7 વર્ષની જેલની સજા થશે?, વાંચો “કુંવરજીનામું”

2018માં કુંવરજી બાવળીયાએ જશદણની બેઠક પરથી રાજીનામું આપી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલું જ નહીં વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા કુંવરજીને ભાજપે માત્ર ચાર કલાકમાં જ કેબીનેટ મંત્રી બનાવી દીધા હતા. જેનો ભાજપના નેતાઓ-કાર્યકરો ભારે વિરોધ કરી રહ્યા છે. કુંવરજી શા માટે ભાજપમાં આવ્યા ? તે અંગે ભાજપના સૂત્રો જણાવે છે કે વાસ્તવમાં કુંવરજી બાવળીયાએ 2004માં જમીનનું એક કૌભાંડ કર્યું હતું.

21 ફેબ્રુઆરી 2004ના રોજ સરપંચ સવિતાબહેનની નકલી સહિ અને સિક્કા બનાવ્યા હતા. તેઓએ અમરાપુર ગામની સર્વે નંબર 418 પૈકીમાંથી 154 એકરમાંથી 20 એકર ગૌચરની જમીન પોતાના ટ્રસ્ટ સાર્વજનીક એજ્યુકેશન ટ્રસ્ટમાં સમાવી લીધી હતી. આ અંગે જશદણ-વીંછીયા તાલુકાના અમરાપર ગામનાં તે વખતના સરપંચ સવિતાબેન વાસાણીએ ૩ જુલાઈ 2005ના રોજ પોલીસ ફરીયાદ કરી હતી.

2004માં એ વખતના રાજકોટના કલેક્ટર મોના ખંધારે અમને બોલાવી પૂછ્યું હતું કે, તમે ગામની ગૌચરની જમીન કઈ રીતે કોઈને આપી શકો ? ત્યારે ખબર પડી કે ઠરાવ પર બોગસ સહિ સિક્કા કરીને કોઈએ ગૌચરની જમીન લઈ લીધી છે. તપાસ કરતા ખબર પડી કે તે સમયનાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીએ જ બોગસ સહિ કરીને ગૌચરની જમીન પચાવી પાડી હતી.

ભાજપના સૂત્રો વધુમાં જણાવે છે કે, શરૂઆતના તબક્કે ગોંડલના ડીવાયએસપીને તપાસ સોંપાયા બાદ ખાસ કોઈ પ્રગતિ થઈ નહોતી. આથી ભાજપ સરકારે તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી. જેમાં 60થી વધુ સાક્ષીનાં નિવેદન લેવાયા હતા. જેને પગલે 2008માં કુંવરજીને જેલમાં જવું પડયું હતું. જોકે સેશન્સ કોર્ટે તેમને જામીન આપી દીધા હતા.

બોગસ સહિ સિક્કા કરીને ગૌચરની જમીન પચાવી પાડવાના કેસમાં કુંવરજીને 7 વર્ષની સજા થઈ શકે છે. 10 વર્ષ પછી આ કેસ હવે બોર્ડ પર આવી ગયો છે. કુંવરજી સામેના પુરાવાઓ મજબુત છે.

અત્રે નોંધનીય છે કે, આ જમીન કૌભાંડના મુખ્ય ફરીયાદી સવિતાબહેન અને તેમના પતિ નાથાલાલ વર્ષોથી ભાજપમાં હતા. હવે બાવળીયા પોતે કેબીનેટ મંત્રી છે. આ દંપતિ જાહેરમાં પણ ઉકળાટ ઠાલવે છે કે આ કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા થઈ રહ્યા છે. નીચલી કોર્ટે બાવળીયાને ગુનેગાર માનીને સજા કરી હોવાથી ઉપલી કોર્ટમાં બચવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે. આજ કારણોથી કુંવરજી ભાજપમાં આવી ગયા છે. જેથી કેસને રફેદફે કરી શકાય.

2007ના એક મર્ડર કેસમાં પણ બાવળીયા આરોપી… ?

જશદણ તાલુકાના મોઢુકા ગામમાં રહેતા ભાજપના કાર્યકર રહીમ લોહીયાએ 2007માં ગૃહ વિભાગમાં ફરીયાદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમરાપુર જમીન કૌભાંડ સહિતના અન્ય 15 કેસમાં સીઆઈડીની તપાસ કરવી જોઈએ. સીઆઈડી તપાસ શરૂ થયા બાદ ઓગષ્ટ 2007માં જાહેરમાં આ કાર્યકરની ઘાતકી હત્યા થઈ હતી. જોકે મરણોન્મુખ નિવેદનમાં રહિમે લખાવ્યું હતું કે કુંવરજી બાવળીયાએ મારી હત્યા કરશે એવી શંકા મે વ્યક્ત કરી હતી. આશ્ચર્યની વાત છે કે પુરાવાઓને અભાવે આ મર્ડર કેસમાં તેઓનો નિર્દોષ છુટકારો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *