‘પિતાજી જીવિત હોત તો કદાચ હું ગાયિકા ન હોત…’ આવું માનનાર પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે કેટલાંક સમય સુધી પિતાની સામે ગાવાની હિંમત પણ કરી ન તી. ત્યારપછી તો પરિવાર સંભાળવા માટે એમણે એટલા ગીતો ગાયાં કે, વર્ષ 1974-’91 સુધી સૌથી વધારે ગીત ગાનાર ગાયિકા તરીકે ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ માં એમનું નામ નોંધવામાં આવ્યું હતું.
લતાનું માનવું છે કે, પિતાને લીધે જ તેઓ આજે ગાયિકા છે. કારણ કે, લતાને સંગીત એમણે જ શીખવ્યું હતું. આપને જાણીને નવાઈ લાગશે કે, લતાના પિતા દીનાનાથ મંગેશકરને ઘણા સમય સુધી જાણ થઈ ન હતી કે, તેમની દીકરી ગાઈ પણ શકે છે. લતાને એમની સામે ગાતાં પણ ભય લાગતો હતો. એ રસોઈમાં માતાને મદદ કરતાં તથા ઘરની મહિલાઓને ગીતો સંભળાવતાં.
એ વખતે માતા પણ એમને ભગાડી મૂકતા હતાં. કારણ કે, લતાને લીધે એ મહિલાઓનું ધ્યાન ભંગ થઈ જતું હતું. એક વખત લતાએ પિતાનાં શિષ્ય ચંદ્રકાંત ગોખલે રિયાઝ કરી રહ્યા હતા તથા દીનાનાથ કોઈ કામ માટે બહાર ગયા હતા. માત્ર 5 વર્ષીય લતા રમી રહી હતી. પિતા ન હોવાને લીધે એ અંદર ગઈ તેમજ ત્યાં જઈને ગોખલેને કહેવા લાગી કે, તેઓ ખોટું ગાઈ રહ્યા છે.
ત્યારબાદ લતાએ ગોખલેને યોગ્ય રીતે ગાઈને બતાવ્યું. પિતા પરત આવ્યા તો એમણે લતા પાસે ફરી ગીત ગવડાવ્યું. લતાએ ગાયું તેમજ ત્યાંથી ભાગી ગઈ. લતા જણાવતાં કહે છે કે, મેં સાંભળીને જ ગાયકી શીખી પણ મારામાં એટલી હિંમત હતી નહી કે, પિતાની સામે કે એમની સાથે ગાઈ શકું. ત્યારબાદ લતા તેમજ એમનાં બહેન મીનાએ દીનાનાથની પાસે સંગીત શીખવાની શરૂઆત કરી.
આ દરમિયાન લતાનાં નાના ભાઈ હૃદયનાથ માત્ર 4 વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થઈ ગયું. એમના પિતાએ પુત્રીને ભલે ગાયિકા બનતા ન જોઈ પણ લતાની સફળતાનો એમને અંદાજ હતો. તેઓ સારા જ્યોતિષ પણ હતા. લતાએ જણાવ્યા મુજબ એમના પિતાએ જણાવી દીધું હતું કે, તે એટલી સફળ થશે કે કોઈ એની ઊંચાઈઓને સ્પર્શી પણ નહીં શકે.
આની સાથે લતા એમ પણ માને છે કે, પિતા જીવિત હોત તો હું ગાયિકા ન બની શકી હોત. કારણ કે, તેઓ મને ફિલ્મોમાં ગાવાની છૂટ આપતાં ન હતાં. પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી લતાએ સંભાળી તેમજ બહેન મીનાની સાથે મુંબઈમાં આવી માસ્ટર વિનાયક માટે કામ કરવા લાગી. માત્ર 13 વર્ષની ઉંમરમાં એમણે વર્ષ 1942માં ‘પહિલી મંગલાગૌર’ ફિલ્મમાં અભિનય કર્યો હતો.
અમુક ફિલ્મોમાં તો એમણે હીરો-હિરોઈનની ભૂમિકા ભજવી હતી પરંતુ અભિનયમાં એમને રસ ન હતો. ત્યારબાદ એમણે ‘લવ ઈઝ બ્લાઈન્ડ’ માટે સૌપ્રથમ રેકોર્ડિંગ કર્યું પરંતુ આ ફિલ્મ અટકી ગઈ. આ દરમિયાન સંગીતકાર ગુલામ હૈદરે માત્ર 18 વર્ષની લતાને સાંભળી હતી. એમણે લતાની મુલાકાત એ જમાનાના સફળ ફિલ્મ નિર્માતા શશધર મુખરજીની સાથે કરાવી.
મુખરજીએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે, લતાનો અવાજ ખૂબ તીણો છે નહીં ચાલે. ત્યારપછી ગુલામ હૈદરે જ લતાને ‘મજબૂર’ ફિલ્મમાં મુકેશની સાથે ‘અંગ્રેજી છોરા ચલા ગયા’ ગાવાની તક આપી. આ લતાનો પહેલો બ્રેક હતો. ત્યારબાદ લતાને અઢળક કામ મળવાં લાગ્યું. શશધર મુખરજીને પણ પોતાની ભૂલ સમજાય ગઈ અને એમણે લતાને ‘અનારકલી’, ‘જિદ્દી’ જેવી ફિલ્મોમાં કામ આપ્યું હતું.
કારકિર્દીનાં સુવર્ણ કાળમાં ગીતો રેકોર્ડ કરતા પહેલાં લતા આઈસક્રીમ પણ ખાતા હતાં. આની ઉપરાંત તેઓ અથાણું, મરચા પણ ખાતાં પણ એમનો અવાજ કર્ણપ્રિય જ રહેતો હતો. વર્ષ 1974માં લતા લંડનમાં આવેલ રોયલ આલ્બર્ટ હૉલમાં પરફોર્મ કરનાર સૌપ્રથમ ભારતીય બન્યાં હતાં. પોતાની સફર વિશે લતા જણાવતાં કહે છે કે, શરૂઆતના દિવસોમાં રેકોર્ડિંગની રાતો મને હજુ યાદ છે.
એ દિવસે શૂટિંગ થતાં તેમજ રાત્રે સ્ટુડિયો ફ્લોર પર જ સવાર સુધી રેકોર્ડિંગ થતું. વળી, એ દિવસોમાં ACની જગ્યાએ પંખા હતા, જેને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ‘ભારત રત્ન’ લતા મંગેશકરે 36 જેટલી ભાષામાં કુલ 50,000થી પણ વધારે ગીતો ગાયાં છે. લતા કુલ 75 વર્ષથી પણ વધારે સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle