ઓલપાડમાં 14 લાખના ખર્ચે નવનિર્મિત 30 કિલોવોટના “રૂફ ટોપ સોલાર પાવર સિસ્ટમ”નું લોકાર્પણ 

Published on Trishul News at 4:01 PM, Tue, 24 October 2023

Last modified on October 24th, 2023 at 4:02 PM

Launch of “Roof Top Solar Power System” in Allpad: દૂધ મંડળીઓમાં વિજળી ખર્ચનું ભારણ ઓછું થાય તેવા ઉમદા હેતુથી ઓલપાડ તાલુકાના પારડી ઝાંખરી ગામે ‘ધી પારડી ઝાંખરી, નેશ, કરંજ ગૃપ દૂધ અને શાકભાજી વેચાણ કરનાર સહકારી મંડળી લિ.’ ખાતે સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સુમુલ ડેરી દ્વારા અર્પણ થયેલા 14.65 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 30 કિલોવોટના “રૂફ ટોપ સોલાર પાવર સિસ્ટમ”નું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ હસ્તે લોકાર્પણ કરાયુ હતું.

આ પ્રસંગે વનમંત્રીએ જણાવ્યું હતું કે, 73 વર્ષ પહેલા મંડળીની સ્થાપના થઇ ત્યારે 20 લીટર દૂધના એકત્રીકરણથી શરૂ થયેલી મંડળીમાં આજે દૈનિક ત્રણ હજાર લીટર દૂધ ભરવામાં આવે છે. મંત્રીએ પારડી ઝાંખરી સહકારી મંડળી ખાતે સમુલ ડેરી દ્વારા 30 કિલોવોટના ‘સોલાર રૂફ ટોપ’ વીજળી પ્લાન્ટના નિર્માણમાં આર્થિક સહયોગ બદલ સુમુલ ડેરીના હોદ્દેદારોને અભિનંદનપાઠવ્યા હતા. આ પ્લાન્ટથી આવનાર સમયમાં વીજળી સાથે મૂડીની પણ બચત થશે, વિજળીનો વપરાશ નહિવત થઈ જશે જેનો સીધો આર્થિક ફાયદો મંડળીને થશે એમ પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રી ‘સરકાર અને સહકાર’ના સમન્વયથી ગ્રામીણ નાગરિકોનું જીવન-ધોરણ સુધર્યું છે એમ જણાવતા ઉમેર્યું કે, વર્ષ 2030 સુધીમાં દેશમાં ઉપયોગમાં લેવાતી વીજળીના ૫૦ ટકા વીજળી રિન્યુએબલ એનર્જી અંતર્ગત સૌર ઉર્જાથી ઉત્પન્ન કરવાનું સરકારનું લક્ષ્ય છે. સૌર ઉર્જાને પ્રોત્સાહન આપતા અનેકવિધ પ્રોજેકટ્સ કાર્યરત છે. અઢાર હજાર ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. ખેતી સહિત ઔદ્યોગિક એકમોમાં સોલાર સિસ્ટમનો ઉપયોગ કરી વિજળીની બચત કરવાનું ભગીરથ કાર્ય કરવા સૌને અનુરોધ કર્યો છે. આ વેળાએ મંત્રીના હસ્તે મંડળીની ઓફિસ, બોર્ડરૂમનું પણ ઉદ્દઘાટન કરાયું હતું.

આ પ્રસંગે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, મંડળી પ્રમુખ બળવંતભાઈ પટેલ, કાંઠા સુગર ફેક્ટરીના ચેરમેન કિરીટભાઈ પટેલ, સુમુલ ડેરીના MD અરૂણભાઈ પુરોહિત, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, અગ્રણીઓ સર્વ જયેશભાઈ, કિશોરભાઈ, મનહરભાઈ, વસંતભાઈ સહિત મંડળીના ડિરેક્ટરો, પ્રમુખો, સભાસદો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Be the first to comment on "ઓલપાડમાં 14 લાખના ખર્ચે નવનિર્મિત 30 કિલોવોટના “રૂફ ટોપ સોલાર પાવર સિસ્ટમ”નું લોકાર્પણ "

Leave a comment

Your email address will not be published.


*