એકવીસમી સદીમાં એક બાજુ ટેકનોલોજી અને વિકાસની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ હજુ પણ લોકો હિંદુ-મુસ્લિમ ની માનસિકતા માંથી બહાર આવી શકતા નથી. જે લોકો વિજ્ઞાન-ટેકનોલોજી અને વિકાસની વાતો કરી રહ્યા છે એ જ લોકો ચૂંટણીઓ જીતવા માટે, મત મેળવવા માટે હિન્દુ મુસ્લિમોને ભડકાવીને એકબીજાની સામે લડવા માટે મજબૂર કરી રહ્યા છે.
એક બાજુ આપણે ભારતને મહાસત્તા બનાવવા ના સ્વપ્ન સેવીએ છીએ, સ્પેસ ટેકનોલોજીમાં આપણે મંગળ સુધી પહોંચી ગયા છીએ, ચંદ્રયાનની તૈયારીઓ ચાલે છે, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આપણા નિષ્ણાતોનો વિશ્વમાં ડંકો વાગે છે. આપણા રમતવીરો ઓલિમ્પિક્સ હોય કે ક્રિકેટ, બધી રમતોમાં કાઠું કાઢી રહ્યા છે. પ્રગતિ આપણા પ્રારબ્ધની કેડીઓ કંડારી રહી છે, તો બીજી આપણે 2020માં પણ 2002ની સ્થિતિના દ્વારે જ ઊભા છીએ. કારણ કે આજે વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં પણ આપણે ભારતીય નહીં, પરંતુ હિન્દુ કે મુસલમાન તરીકે જ પોતાની જાતને અને પોતાના વિચારોને ઓળખાવીએ છીએ. જો આમ ન હોત તો 2002થી 2020 સુધીના આટઆટલા રમખાણો હિન્દુ-મુસ્લિમના નામે થયા ન હોત.
મોદી સરકાર દ્વારા વિવાદાસ્પદ કાનૂન સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) સામે ડિસેમ્બર-2019માં વિરોધ શરૂ થયો. આ વિરોધ બે જૂથમાં વેચાઈ ગયો આ વિરોધ દર્શાવવા માટે રેલીઓ કાઢવામાં આવી જેમાં એક વાર આ એક નું સમર્થન કરનારો હતો તો બીજો વર્ગ આ એક નો વિરોધ કરનારો હતો આમાં પણ આપણી માનસિકતા માત્રને માત્ર હિંદુ મુસ્લિમ ની જ રહી છે.વિરોધ ની શરૂઆત આસામથી થઈ અને જોતજોતામાં દિલ્હી, મેઘાલય, અરુણાચલપ્રદેશ અને ત્રિપૂરા થઈને આ વિરોધનો વંટોળ દેશ આખામાં ફેલાવા લાગ્યો. જો કે, થોડાક સમય બાદ આ વિરોધ દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં કેન્દ્રિત થઈ ગયો. પરંતુ તે પૂર્વે ડિસેમ્બર-19માં જ આ વિરોધની હિંસામાં 27ના મોત થઈ ચૂક્યા હતા.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પણ આડકતરી રીતે હિન્દુ-મુસ્લિમ તંગદિલી પર જ લડાઈ હતી. જોકે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ કેટલાક નેતાઓએ ભડકાવ ભાષણો આપ્યા હતા. જો કે આ વિરોધ શમવાને બદલે વધારે ઉગ્ર બન્યો છે. પરંતુ હિંદુ મુસ્લિમના નામે મત મેળવવા માગતા રાજકારણીઓને દિલ્હીવાસીઓએ ઇવીએમ બટન દબાવીને સાનમાં સમજાવી દીધું કે હવે ચૂંટણીઓમાં મતદાન હિંદુ-મુસ્લિમના નામે નહિ પરંતુ વિકાસના નામે થશે. જોકે ચૂંટણીના પરિણામો બાદ પણ દિલ્હીમાં હિંસા ચાલુ જ રહી જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ તો આ દિલ્હીના કોમી રમખાણોને ગુજરાતના 2002ના ગોધરાકાંડ યાદ અપાવી દીધી છે.
જોકે સોશ્યલ મીડિયામાં ચાલતી ચર્ચાઓ મુજબ, ગુજરાતના રમખાણો વખતે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા.નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની જોડી હતી, તો અત્યારે દિલ્હીના રમખાણો વખતે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે અને અમિત શાહ દેશના ગૃહમંત્રી છે.જો કે આ રમખાણોને લઈ ખુદ કોંગ્રેસના સોનિયા ગાંધી ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને દિલ્હીના રમખાણો પોલીસની નિષ્ક્રિયતાને લીધે થયાના આક્ષેપો કરીને ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માગી ચૂક્યા છે.
2002ના ગુજરાતના રમખાણોમાં 2000થી વધુ લોકોના મોત થયા હતા. ત્રણ દિવસ સુધી ગુજરાત ભડકે બળતું રહ્યું અને પોલીસે કશું કર્યું જ નહીં, અથવા તો પોલીસને ‘ઉપર’થી કશું કરવા જ ન દેવાયું તેવા પણ આક્ષેપો થયા હતા. આ કારણે જ તોફાનીઓને છૂટ્ટોદોર મળ્યો અને હિંસાનો આંક 1000ને પાર કરી ગયો તેવા વખતોવખત દાવા થયા છે. હવે જ્યારે દિલ્હીમાં હિંસા બેકાબૂ થઈ રહી છે ત્યારે પણ આવી જ કાંઈક વાતો બહાર આવી રહી છે. “પોલીસ હિંસાને કાબૂમાં લેવાનું તો દૂર, ઘણા ઠેકાણે હિંસાખોરોને મદદ કરી રહ્યાના આક્ષેપો પણ વારંવાર થઈ રહ્યા છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિની અપીલ કરી છે, તો બીજી બાજુ અજીત ડોભાલ ને તોફાનોને શાંત કરવાની જવાબદારી સોપાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.- જશવંત પટેલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.