વડોદરા(ગુજરાત): તાજેતરમાં વડોદરાના ડેસર તાલુકામાં આવેલા એક ગામમાં એક યુવકને મંડળીએ માત્ર 20 રૂપિયાનું દૂધ આપ્યું ન હોવાનું સામે આવ્યું છે. જેને લઈને આ યુવક દ્વારા મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ ઘટના ડેસર તાલુકાના મહ્યા ટેકરાની છે. રિપોર્ટ મુજબ, વડોદરના ડેસર તાલુકામાં મહ્યા ટેકરા ખાતે મહેશ પરમાર નામનો એક વ્યક્તિ રહેતો હતો. આ વ્યક્તિને ઘરે દૂધની જરૂર પડતા તે 31 જુલાઈના રોજ સાંજના સમયે ભાટપુરા મંડળીએ 20 રૂપિયાનું દૂધ લેવા માટે ગયો હતો.
ત્યારે ભાટપુરા દૂધ મંડળીના મંત્રી તખતસિંહ પરમારે વેંચાતું દૂધ આપવાની મનાઈ કરી હતી. આ ઉપરાંત, તખતસિંહે મહેશ પરમારને કહ્યું હતું કે, તમારે મંડળીમાંથી દૂધ લેવું હોય તો પોતાની ભેંસ લાવો અને મંડળીમાં દૂધ આપો. મંડળીમાં સભાસદ બન્યા પછી જ તમને દૂધ મળશે. ત્યારબાદ મહેશ પરમાર નામના વ્યક્તિએ આને લઈને જણાવ્યું કે, તે ગરીબ છે તેથી ક્યાંથી ભેંસ લાવે. તેથી મંડળીના મંત્રીએ કહ્યું કે, જમીન ગીરવે મૂકીને પણ ભેંસ લાવો.
આ બાબતે મહેશ પરમાર દ્વારા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારને ફોન કરીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કેતન ઇનામદારે આ વ્યક્તિની રજૂઆત સાંભળી નહોતી અને કહ્યું હતું કે, હું એક કાર્યક્રમમાં છું મને પછી ફોન કરજો અથવા તો રૂબરૂ આવીને મળી જજો. મહેશ પરમારને ધારાસભ્ય કેતન ઈનામદાર પાસેથી બરાબર જવાબ મળ્યો નહોતો. તેથી તેને ડેરીના ડિરેક્ટરને આ બાબતે રજૂઆત કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ મહેશ પરમાર દ્વારા ડેસર વિસ્તારની ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીને ફોન કરીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. કુલદીપ રાઉલજીએ જણાવ્યું હતું કે, હું મંડળીમાં ફોન કરીને જણાવી દઉ છું તમને દૂધ આપશે. ડેરીના ડિરેક્ટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ મહેશ પરમારની સમસ્યાનું નિરાકરણ આવ્યું નહોતું.
અંતે તમામ લોકોને રજૂઆત કર્યા બાદ કંટાળીને મહેશ પરમારે મંડળીએ 20 રૂપિયાનું દૂધ નહીં આપતા તેને આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાની વેદના ઠાલવી હતી. આ પત્રમાં મહેશ પરમાર દ્વારા પોતાની વેદના ઠાલવતા લખવામાં આવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સાહેબ તમારા ગરવી ગુજરાતમાં શું ડેરીઓમાં દૂધ વેંચાતું નથી આપતા. આ અંગે ડેરીના મંત્રી કહે છે કે, ભેંસ હોય તો જ દૂધ મળે. ભેંસ ન હોય તો જમીન ગીરવે મૂકીને લાવો અને ડેરીમાં દૂધ ભરો. ત્યારબાદ જ તમને અમે દૂધ આપીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.