રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થવા પામી છે. રાજકોટ શહેરમાં આઠમી તારીખના રોજ વહેલી સવારે બીઆરટીએસ ટ્રેકમાં કારચાલકે સાઇકલ સવાર વિજયભાઈ સોરઠીયાને અડફેટે લીધા હતો. જેના કારણે સાઇકલ સવાર ઉદ્યોગપતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ કાર ચાલક કાર રેઢી મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના બન્યાને આજે ચાર દિવસનો સમય વીતી ગયો છે. આ દરમિયાન, 8 ઓગસ્ટ 2021ના રોજ વહેલી સવારે જે ઘટના રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ પર આવેલા બીઆરટીએસ ટ્રેક પર બની હતી તેના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે.
સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, કઈ રીતે બીઆરટીએસ ટ્રેકમાં એક તરફથી સાઇકલ સવાર વિજયભાઈ સોરઠીયા જઈ રહ્યા છે. તો બીજી બાજુ પુરપાટ ઝડપે ફોર્ડ કંપનીની ઇકો સ્પોર્ટ ગાડી આવી રહી છે. ત્યારે બીઆરટીએસ ટ્રેકમાં પુરપાટ ઝડપે યુવાને સામેથી આવતા જાણીતા ઉદ્યોગપતિ કે એવા વિજય ભાઈ સોરઠીયાને સાઇકલ સહિત અડફેટે લેતા વિજયભાઈ સોરઠીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ તાત્કાલીક અસરથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે જ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા મિશન સ્માર્ટ સીટી અંતર્ગત ઇન્ડીયા સાયકલ ફોર ચેલેન્જ હેઠળના ટોપ ઇલેવન શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં રાજકોટ શહેરનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતુ.
સાઇકલ ચલાવનાર વ્યક્તિઓને અકસ્માત નડી રહ્યા હોવાની સતત ઘટના સામે આવતી રહે છે. ત્યારે રાજકોટના રાજ કુલિંગ સિસ્ટમના માલિક તેમજ અગ્રણી ઉદ્યોગપતિ એવા વિજય ભાઈ સોરઠીયાને કાર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નિપજતા હાલ સોશિયલ મીડિયામાં સાયકલિસ્ટો બેદરકારીથી વાહન ચલાવનારા વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.