ત્રીજા તબક્કામાં લગભગ 65% મતદાન: આસામમાં સૌથી વધુ અને UPમાં સૌથી ઓછું; જાણો કયા રાજ્યમાં કેટલું મતદાન થયું?

Lok Sabha Third Phase Voting: લોકસભા ચૂંટણી માટે 93 બેઠકો પરનું ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 93 મતવિસ્તારોમાં લગભગ 65 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 66% મતદાન (Lok Sabha Third Phase Voting) નોંધાયું હતું. પ્રથમ બે તબક્કાની જેમ, ત્રીજા તબક્કામાં પણ 2019 કરતાં ઓછી મતદાન ટકાવારી નોંધવામાં આવી રહી છે.

કયા રાજ્યમાં કેટલું મતદાન?
આસામમાં સૌથી વધુ 81.71 ટકા જેટલું મતદાન થયું, ત્યારપછી પશ્ચિમ બંગાળમાં 76.52 ટકા, જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું 57.34 ટકા મતદાન થયું, જ્યારે બિહારમાં થોડું વધારે 58.18 ટકા મતદાન થયું હતું. જ્યારે ગુજરાતની 25 લોકસભા સીટો પર 59.51 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

પ્રથમ અને બીજા તબક્કામાં કુલ મતદાનની ટકાવારી
ચૂંટણી પંચના મતે આ અંદાજિત આંકડા છે અને તેમાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કામાં કુલ મતદાનની ટકાવારી અનુક્રમે 66.14 ટકા અને 66.71 ટકા હતી.

543 માંથી 282 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 8.39 કરોડ મહિલાઓ સહિત ઓછામાં ઓછા 17.24 કરોડ લોકો મતદાન કરવા પાત્ર બન્યા છે અને 18.5 લાખ અધિકારીઓ દ્વારા સંચાલિત 1.85 લાખ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. ત્રીજા તબક્કાની સાથે 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને 543 માંથી 282 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ કરવામાં આવ્યું છે.

આવનાર તબક્કાનું મતદાન 13મી મેના રોજ
ત્રીજા તબક્કામાં લગભગ 120 મહિલાઓ સહિત 1,300થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉભા હતા, હવે આવનાર ચાર તબક્કા 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન કરવામાં આવશે. 4 જૂને મતગણતરી કરવામાં આવશે.