ગુજરાત પર આવનારું સંકટ ત્રાટકવાની આગાહી હવે સાચી પડવા જઇ રહી હોય તેમ શનિવાર કરતાં રવિવારે ચક્રવાત નું લોકેશન સ્પષ્ટ થયું અને તેની ઝડપ વધવાની સાથે ‘મહા’ વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે થઈને બુધવારની મધરાતે પસાર થશે. મહા વાવાઝોડાની ગતિ 100 થી 120 કિલોમીટરની રહેશે.
કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રાજ્યને મોકલાવેલી એડવાઇઝરી મુજબ છઠ્ઠી નવેમ્બરની મધ્યરાત્રિથી 7મી નવેમ્બર ની પરોઢ વચ્ચે મહા વાવાઝોડું ગંભીર ચક્રવાતી વાવાઝોડા ના રૂપમાં પરિવર્તિત થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જે વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઇ દીવ અને દ્વારકા વચ્ચેથી પસાર થશે. જે દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાકે 100 થી 110 કિલોમીટર થી વધી 120 કિલોમીટરની રહેવાની શક્યતા છે. વાવાઝોડાના કારણે ૬ઠ્ઠી નવેમ્બર ની સવારથી સાંજ સુધી ગુજરાત કાંઠાના દરિયો ભારે તોફાની રહે તેવી સંભાવના છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એડવાઇઝરી મુજબ મહા વાવાઝોડું અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઇ ચૂક્યું છે.
આજે વાવાઝોડું ધીમે ધીમે પશ્ચિમ ઊત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને પૂર્વ ઉત્તર પૂર્વ દિશા તરફ ફરી વળાંક લેશે.
જે વેળાએ વાવાઝોડાની ગતિ 150 થી 185 કિલો મીટરની હશે, પરંતુ વળાંકના કારણે તેની ગતિ ઘટશે અને 100 થી 110 તેમજ 120 કિલોમીટરની ઝડપે મહા વાવાઝોડું ૬ઠ્ઠી નવેમ્બર મધરાતથી 7મી નવેમ્બર ની પરોઢ વચ્ચેના સમયગાળામાં દિવ – દ્વારકા વચ્ચેથી પસાર થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છઠ્ઠી 7મી નવેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં એકંદરે બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વધશે અને કેટલાક ભાગોમાં તેનું સ્વરૂપ ભારેથી અતિભારે રહેવાની શક્યતા છે.
મહા વાવાઝોડાની આગાહીના પગલે 5મી નવેમ્બર સુધી પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર તરફ અને ૬ઠ્ઠી નવેમ્બર સુધી પૂર્વ મધ્ય થી ઊત્તર પૂર્વ અરબી સમુદ્ર તરફ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.