રાજકારણીઓ પોતે તમામ કરતા ઉપર ભ્રમમાં રાચતા હોય છે, પરંતુ કેટલાંક માથા ફરેલા સરકારી અમલદારો નેતાઓને તેમની ઔકાતમાં રહેવાનું સમજાવી દેતા હોય છે. સામાન્ય રીતે મહેસુલી સેવામાં રહેલા અધિકારીઓ નેતાઓ અને સિનિયર અધિકારીઓને નારાજ કરવાની હિંમત કરતા નથી કારણ ચારે તરફ પૈસાની રેલછેલ હોય તેવા મહેસુલ વિભાગની નોકરી અધિકારીઓને જીવ કરતા પણ પ્રિય છે, પરંતુ ગુજરાતમાં ફરજ બજાવતા મામલતદાર ચિંતન વૈષ્ણવને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે તેમને બરતરફ કરવાના આદેશમાં મામલતદાર ચિંતન વૈષ્ણવ સામે ભ્રષ્ટાચાર અથવા ગેરરિતીનો આરોપ નથી પણ તેમના વ્યવહારને કારણે બરતરફ કરવામાં આવ્યા છે.
2011માં જાહેર સેવા આયોગની પરિક્ષા પાસ કરી મામલતદાર તરીકે જોડાયાલા ચિંતન વૈષણવ દ્વારા રાજયના વિવિધ જિલ્લામાં મામલલદાર તરીકે સેવાઓ આપી હતી, પરંતુ પ્રજા સાથે સીધા સંપર્કમાં રહી લોકોના કામ કરી આપતા મામલતદાર ચિંતન વૈષ્ણવ પોતાના સિનિયર અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને ખટકવા લાગ્યા હતા. વૈષ્ણવ તમામ કામ નિયમોને આધીન કરતા હોવાને કારણે પોતાના કામ માટે આવતા નાગરિકને કોઈની પણ ભલામણની જરૂર પડતી ન્હોતી. તેમજ એક પણ સ્થળે પૈસા આપવા પડતા ન્હોતા. ચિંતન વૈષ્ણવે પોતાના વિસ્તારમાં મામલતદાર તમારા દ્વાર તેવો કાર્યક્રમ શરૂ કર્યો હતો અને ગામે ગામ લોકોના પ્રશ્ન માટે તેમના ઘર આંગણે જઈ તેમના પ્રશ્નો ઉકેલવાની શરૂઆત કરી હતી.
આમ બીજા કરતા જુદુ વિચારતા અને તે પ્રકારે કામ કરતા મામલતદાર ચિંતન વૈષ્ણવની કામ કરવાની પધ્ધતિને કારણે નારાજ સિનિયર અધિકારીઓ દર વર્ષે ભરવામાં આવતા ખાનગી અહેવાલમાં નકારાત્મક અભિપ્રાય લખતા હતા. જેના કારણે તેમનો પ્રોબેશન પીરીયડ લંબાવવામાં આવ્યો હતો. ચિંતન વૈષ્ણવને અનેક અધિકારીઓ અને રાજનેતાઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ તેમની રીતે પ્રજાલક્ષી કામ કરતા હતા. રાજ નેતાઓ તેમની ચેમ્બરમાં જતા પણ ડરવા લાગ્યા હતા. આમ એક સામાન્ય મામલતદાર આપણને સાંભળતો નથી તેવી ફરિયાદ મુખ્યમંત્રીના કાર્યાલય સુધી ગઈ હતી અને ચિંતન વૈષ્ણવની કાયમી દવા કરવા માટે તેમને મામલતદાર તરીકે બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહેસુલ વિભાગના સેકશન અધિકારી આર કે જોષીની સહિથી તા 2 માર્ચ 2019ના રોજ ઓફિસ સમય બાદ તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવે છે તેવો આદેશ કરવામાં આવ્યો છે.
ચિંતન વૈષ્ણવની કામગીરીની ઝલક :
– “વિલેજ વિઝીટ” ના નામે દરેક ગામમાં લોકોના ઘરે ઘરે જવાનું અને તેમની સમસ્યાઓનો ઉકેલી આપવાનું કામ કરેલ છે.
– ગ્રામ પંચાયતમાં તપાસ કરતા પાંચ તલાટી મંત્રીઓ ગ્રામ પંચાયતમાં ફરજ દરમિયાન ગેરહાજર હોવાથી નોટિસો આપી.
– ખનીજ ચોરીમાં મજૂર બનીને 5 ટ્રક ખનીજ ચોરી કરતી હતા તેને પકડી પડ્યા અને ખનીજ ચોરીમાં અલગ અલગ રીતે વેશ ધારણ કરીને ખનિજ ચોરી પકડી પાડી.
– એક લાખની ઉચાપતના કેસમાં તલાટીને જેલહવાલે કર્યો.
– સાબુની ફેકટરીમાં મજૂરના મુત્યુ થતા જ મજૂરના સલામતીના ભાગરૂપે ફેકટરી સામે પગલાં લીધા.
– સાબુની ફેકટરીના પ્રદુષણ બાબતે રિપોર્ટ કર્યો.
– શાળાના આચાર્ય વગર રજાએ ગુટલી મારતાં પકડી પડ્યા.
– લાયસન્સ વિના ચાલતી ગેરકાયદેસર હોટેલ સીલ કરી.
આવા અનેક કામ પ્રજાલક્ષી કરનાર મામલતદાર એવા ચિંતન વૈષ્ણવને ઘણાં અધિકારીઓ કે રાજકારણીઓ સમજવતા હતા કે ઈમાનદારી મૂકી દો અને ચિંતન વૈષ્ણવના પિતાને તો અમુક લોકોએ કહ્યું હતું કે તમારા દીકરાને કહો કે નોકરી બાપ થઈને ન કરે.
જોકે મામલતદાર ચિંતન વૈષ્ણવને ગુજરાત સરકાર દ્વારા ફરજ પર ગેરવર્તણૂક દાખવવા બાબતે ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા છે, પરંતુ આ અંગે ચિંતન વૈષ્ણવ દ્વારા બચાવ માટે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરવામાં આવી છે, તો જ્યાં સુધી હાઈકોર્ટનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી તેમને ગુજરાત સરકારે ગેરવર્તણૂક દાખવવા બદલ જ સસ્પેન્ડ કર્યા છે તેવું કહી શકાય.