કેનેડા જવા યુવક સાથે લગ્ન કરી યુવતીએ ખંખેરી લીધા ૪૨ લાખ, તરછોડાયેલા પતિની માનસિક સ્થિતિ બગડી

છેલ્લા થોડા દિવસોથી લુંટેરી દુલ્હનના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલ ફરી આવો જ એક બનાવ સામે આવ્યો છે. કેનેડામાં સાથે રહીશું આવું કહી સેલવાસ (Selvas)ના યુવકે વડોદરા (Vadodara)ની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ પછી યુવતીએ કેનેડા(Canada) જઇ પતિને તરછોડી દીધો હતો, તેમજ તેની પાસેથી 42.55 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. જેથી યુવકે સેલવાસ પોલીસ સ્ટેશનમાં પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

વાસ્તવમાં, સેલવાસ ખાતે ફાધર સ્કૂલ પાસે ગુરૂકૃપા બિલ્ડીંગમાં રહેતા સુરજ રજનીકાંત ભાવસારની મુલાકાત થોડા વર્ષો અગાઉ વડોદરા સ્થિત ગુજરાત ટ્રેક્ટર્સની સામે વિશ્વમૈત્રી ટાઉનશીપ બી-41માં રહેતી નમ્રતા પ્રશાંતકુમાર ભાવસાર સાથે થઇ હતી. જે બાદ બંને પરિવારની સંમતિ મેળવી લગ્ન કરી લેતા નમ્રતા સુરજ સાથે સેલવાસમાં રહેવા લાગી હતી. આ પછી સુરજ ઓગષ્ટ 2017માં દુબઇ ગયો, ત્યારે પાછળથી નમ્રતા પણ ત્યાં ગઇ હતી.

પરંતુ આ પછી ભારત પરત ફર્યા બાદ નમ્રતાએ સુરજને જણાવ્યું હતું કે, આપણે કેનેડામાં સુખ અને શાંતિપૂર્ણ જીવન વિતાવીશું. તેને સરળતાથી PR મળી જશે અને તેના આધારે સુરજને પણ પીઆર મળી જશે. તેમ કહી લલચાવીને નમ્રતાએ સુરજ પાસેથી ડીસેમ્બર 2018થી માર્ચ 2019 સુધીમાં રૂ.29500, 23600 અને રૂ.29500 લઇ અમદાવાદના ગેપ્સી કન્સલ્ટન્સીને આપ્યા હતા. પરંતુ ત્યાં કામ ન થતા વડોદરાની તિરૂપતિ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પ્રા.લિ.ને સુરજે રૂ.1,50,000 ચૂકવ્યા હતા.

ત્યારબાદ કામ થઈ જતા નમ્રતા કેનેડા પહોંચી ગઇ હતી અને નોકરીએ લાગી ગઇ હતી. જ્યાં પાછળથી સુરજ પહોંચતા નમ્રતાએ પતિ-પત્નીનો સંબંધ ખતમ કરી દેવા જણાવ્યું હતું. ત્યારે સુરજને પોતે છેતરાઇ ગયા હોવાની જાણ થઇ હતી અને કેનેડાથી પરત ભારત આવતા તેના પિતા રજનીકાંતભાઇ ભાવસારે નમ્રતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તેથી ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પત્નીએ બર્થડે ઉજવ્યા બાદ અલગ થવા કહ્યું:
27મી ઓગષ્ટ 2020ના રોજ નમ્રતાનો જન્મદિવસ હતો. તે ઉજવ્યા બાદ નમ્રતાએ સુરજને પતિ-પત્ની તરીકે અલગ થવાનો સંદેશો આપતા સુરજ ચોંકી ઉઠ્યો હતો. નમ્રતાએ ખોટા ઇરાદાથી વિઝા મેળવવા સુરજ અને તેના પરિવાર સાથે છેતરપિંડી કરી રૂ.42,55,750 રૂપિયા પડાવીને કેનેડાનો PR મેળવ્યા બાદ સુરજને કેનેડા બોલાવ્યો હતો.  આ પછી અલગ થવાનો સંદેશો આપતા સુરજ ચોંકી ઉઠ્યો હતો. જેના કારણે સુરજ માનસિક હતાશાનો ભોગ બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *