લુંટફાટની ઘટનાઓમાં સતત વધારો થવા જઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલ ઐઠોર નજીક ગાંધીનગરના એક વેપારીને બંધક બનાવીને 3 લૂંટારુ 20 લાખ રૂપિયા તેમજ કારની લૂંટ ચલાવી ભાગી ગયા હોવની ઘટના સામે આવી છે.
આની સાથે જ વેપારીની કારમાં મુસાફરના સ્વાંગમાં બેસેલ ત્રણેય લૂંટારુઓએ વેપારીને રિવોલ્વર બતાવીને બંધક બનાવી દીધા હતા. ત્યારપછી કુલ 20 લાખ રૂપિયાની રોકડ રકમથી ભરેલો થેલો તેમજ કાર ઉઠાવીને ભાગી જતા પોલીસ દ્વારા લૂંટારુઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વેપારીને માનવતા દાખવવી મોંઘી પડી:
ગાંધીનગરમાં સરગાસણમાં રહેતા રમેશભાઈ ચૌધરી જીરા તથા કમિશન એજન્સીના વ્યવસાયની સાથે સંકળાયેલ છે. જેઓ આજે ગાંધીનગરથી વહેલી સવારમાં પોતાની ગાડી લઈને બનાસકાંઠા જવા માટે કુલ 20 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા. અડાલજ ચોકડી નજીક 3 ઈસમો પાલનપુર જવાનું કહી લિફ્ટ માંગીને વેપારીની કારમાં બેસી ગયા હતા. જેમાંથી એક વ્યકિતએ વેપારીની બાજુની સીટ પર તેમજ બે પાછલની સીટ પર બેઠા હતા.
વેપારીને રિવોલ્વર બતાવી બંધક બનાવ્યો:
વેપારીની કાર મહેસાણા ફતેપુરા નજીક પહોંચતાની સાથે જ એક વ્યકિતએ ઉલટી થતી હોવાનું જણાવી ગાડી રોકાવી હતી. વેપારીએ ગાડી ઉભી રાખતાની સાથે જ લૂંટારુઓએ વેપારીને રિવોલ્વર બતાવીને બંધક બનાવ્યો હતો. વેપારીના હાથ બાંધીને પાછલની સીટમાં બંધક બનાવી લેવામાં આવ્યો હતો.
વેપારીને બંધક બનાવ્યા પછી કાર ઐઠોર બાજુ લઈ ગયા:
લૂંટારુઓએ વેપારીને બંધક બનાવીને કારને ઐઠોર GIDC બાજુ લઈ ગયા હતા. અહીં અવાવરું જગ્યામાં કાર ઉભી રાખીને વેપારીનું પાકિટ કાઢી લેવામાં આવ્યું હતું. ત્યારપછી કારની ડેકીની તપાસ કરતા 20 લાખ રૂપિયાની રોકડથી ભરેલો થેલો મળતા લૂંટારુઓએ વેપારીને ત્યાં ઉતારી મુકીને રોકડ રકમ તેમજ ગાડી લઈને ભાગી ગયા હતા.
પોલીસે FSLની મદદ લઈ તપાસ શરૂ કરતા લૂંટ અંગેની જાણ થતા મહેસાણા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે FSLની પણ મદદ લીધી છે. લૂંટને અંજામ આપીને ભાગી ગયેલ લૂંટારુઓને પકડવા આગળની દિશામાં તપાસ શરૂ કરી દેવામા આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.