સાત ફેરાના સાતમાં દિવસે જ લુંટેરી દુલ્હન ચૂનો લગાવી ફરાર થઇ, પરિવારના પગ તળેથી સરકી ગઈ જમીન

છેલ્લા થોડા સમયથી લુંટેરી દુલ્હનના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના એક પરિવારને પુત્રવધુ લાવવી મોંઘી પડી છે.…

છેલ્લા થોડા સમયથી લુંટેરી દુલ્હનના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના એક પરિવારને પુત્રવધુ લાવવી મોંઘી પડી છે. મહેસાણા (Mehsana)ના આ પરિવાર 1.70 લાખ આપી દલાલ મારફતે ભરૂચ (Bharuch)ની એક યુવતી સાથે પુત્રના લગ્ન કરાવ્યા હતા. જોકે, લગ્નના સાતમા જ દિવસે માનતા પુરી કરવાનું કહીં પુત્રવધુ તમામ દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. દુલ્હન પરત ન ફરતા પરિવારે દલાલોનો સંપર્ક કરતા તેમણે 1.70 લાખમાંથી માત્ર 30 હજાર પરત આપ્યા હતા અને બાદમાં ધમકીઓ આપી હતી. આ અંગે પરિવારે ચાર માસ અગાઉ પોલીસમાં અરજી આપી હતી. પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.

મધ્યમ વર્ગીય પરિવાર સાથે છેતરપિંડી:
મળતી માહિતી અનુસાર, હિગુ રૂપાબેન પ્રકાશભાઈ મહેસાણામાં આવેલા નાગલપુર વિસ્તારમાં રહે છે. તેમના પતિ સાત વર્ષથી લકવાગ્રસ્ત છે. જેના કારણે તેઓ પોતાનું ઘર કામ કરી ગુજરન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરા છે. જેમાં દીકરા પ્રભાતને સગપણ ન થતા તેઓ યુવતીની શોધમાં હતા.

ભરૂચની યુવતી જોડે લગ્ન કરાવ્યા:
પુત્ર માટે કન્યાની શોધમાં હતો પરિવાર, આ દરમિયાન તેઓ મહેસાણાના ગોકળગઢના દેવજી ચૌધરી અને ઈશ્વર ચૌધરીના સંપર્કમાં આવ્યા હતા. તેઓએ દીકરા માટે ભરૂચની કન્યાની વાત કરી હતી અને કન્યા લાઇ આપવાના 2 લાખ થશે એમ કહી 1.70 લાખમાં મામલો પતાવ્યો હતો. સોદો થયા બાદ મહેસાણાનો પરિવાર દીકરા માટે કન્યા જોવા ભરૂચ જિલ્લાના કાછીયા ગામે ગયો હતો.

યુવતીના મળતીયાઓને પૈસા આપી લગ્ન કરાવ્યા:
જ્યાં તેઓ ભરૂચની હોટેલમાં રોકાયા હતા. આ દરમિયાન અનિતા નામની કન્યાને હોટેલમાં 1.15 લાખ રૂપિયા પરિવારે આપ્યા હતા. યુવકની માતાએ પૈસા ગણતો વીડિઓ પણ પોતાના મોબાઈલમાં કેદ કરી દીધો હતો. ત્યારબાદ અનિતાના લગ્ન પ્રભાત જોડે કરાવવામાં આવ્યા હતા અને બાદમાં પરિવાર મહેસાણા પરત આવ્યો હતો. જેમાં આવવા જવાના ખર્ચના કરીને 20 હજાર ખર્ચ અને બીજો ખર્ચ મળીને કુલ 66 હજાર આપ્યા હતા.

સાતમાં દિવસે ફરાર થઇ ગઇ:
લગ્ન બાદ અનિતાએ જણાવ્યું હતું કે, મારા પિયર માનતા કરવા જવાનું છે. એમ કહેતા સસરિયાએ દલાલોને વાત કરી હતી અને બાદમાં અનિતાને પિયર જવા દીધી હતી. જેમાં અનિતા ઘરેણા પણ લઇને ગઇ હતી. ત્યારબાદ લૂંટેરી દુલ્હન અનિતા સાસરીમાં પરત ન આવતા સાસરીયાએ અવારનવાર કોલ કરી વાત કરવા પ્રયાસ કર્યા હતા. એમ છતાં દુલ્હન પરત આવી નહોતી. જેથી પરિવારે સમગ્ર મામલે મહેસાણાના ગોકળગઢના દલાલોને જાણ કરતા પ્રથમ તેઓએ 30 હજાર પરત આપ્યા હતા અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ રીતે આ લુંટેરી દુલ્હન લગ્નના સાત જ દિવસમાં રોકડ તેમજ ઘરેણા લઇ ફરાર થઈ ગઈ હતી.

પરિવારે 5 સામે ફરિયાદ નોંધવા અરજી કરી:
ભોગ બનનાર મહેસાણાના પરિવારે સમગ્ર છેતરપિંડી મામલે દલાલ દેવજી ચૌધરી અને ઈશ્વર ચૌધરી, અનિતા કાંતિલાલ વસાવા, સુમન કાંતિલાલ વસાવા, ધર્મેશ કાંતિભાઈ વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધવા રજુઆત કરી હતી. જોકે, પોલીસમાં અરજી કર્યાના ચાર માસ વીત્યા છતાં હજુ પણ આ મામલે કોઇ પ્રકારની પોલીસ ફરિયાદ ન નોંધાઇ હોવાનું પરિવારે જણાવ્યું હતું. હાલ પીડિત પરિવાર આ અંગે ન્યાયની ભીખ માંગી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *