પોતાના સમાજમાંથી કન્યા મેળવવાની જીદમાં ચાર દાયકા સુધી લગ્ન કરવા માટે રાહ જોઈને બેઠેલા યુવાનની જિંદગી વીતી ગઈ હતી. 63 વર્ષની અડધી ઉંમરે પોતાના સમાજની કન્યા મળતાં ખુશીથી ઝૂમી ઊઠેલા વરરાજાએ 5 ગામો જમાડીને લગ્ન કરવા વાજતેગાજતે જાન લઇ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. પરંતુ, કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. કન્યા લઇને પોતાના ઘરે આવેલા વરરાજાએ વિધિ કરાવી મીંઢળ છોડાવ્યું. આ દરમિયાન યમરાજ આવી પહોંચ્યા હતા અને નવી દુલ્હન લીલાને ચક્કર આવતાંની સાથે ઘરમાં પલંગ પર સુવડાવી. આ દરમિયાન તેને દવાખાને લઇ જતી વખતે જ નવી દુલ્હન મૃત્યુ પામી હતી.
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પીપલછટ ગામમાં રહેતા કલ્યાણભાઈ બાબુભાઈ રબારી જે પશુપાલક છે. 10 જેટલી ગાય અને વાછરડાં રાખીને પોતાનું અને અસ્થિર મગજના નાનાભાઇ રામજીભાઈ અને વિધવા બહેન દેવીબહેનનું ભરણ પોષણ કરે છે. તેમની જિંદગીમાં પ્રભુ પત્નીનું સુખ લખવાનું ભૂલી ગયા હોય એમ તેઓ માની રહ્યા હતા. છેલ્લા 4 દાયકાથી તેઓ પોતાના સમાજની કન્યા લાવવા માટે ખુબ જ મહેનત કરી રહ્યા હતા અને જીદ લઇ બેઠા હતા કે, જ્યાં સુધી પોતાના સમાજની કન્યા નહીં મળે ત્યાં સુધી લગ્ન નહીં કરું. છેલ્લા કેટલાય સમયથી તેઓ જીવનસાથીની શોધમાં હતા, એમ છતાં ક્યાંય મેળ પડતો ન હતો.
જોકે, લોકડાઉન દરમિયાન એવું બન્યું કે નજીકના વરસડા ગામના તેમના સંબંધી રાજુભાઈ રબારીને ખેડા જિલ્લાના ઠાસરા ગામની એક કન્યા લીલાબહેન રબારી જેમની ઉંમર 40 વર્ષ હતી. તેમણે કલ્યાણભાઈ રબારીને કન્યા બાબતે વાત કરી, ત્યારે તેઓ કન્યા જોવા માટે ઊપડી ગયા હતા અને ઠાસરાના વિક્રમભાઈ રબારીની બહેન લીલાબેન બધી રીતે કલાભાઈને ગમી ગયા હતા અને તેમની લગ્નની વાત આગળ વધારી હતી. પરિવારની પરવાનગી મળ્યા બાદ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી.
વર્ષોથી કલાભાઈના સૂના આંગણે ઢોલ ઢબૂક્યા અને શરણાઇઓ ગુંજી હતી. 23 જાન્યુઆરીને શનિવારે બપોરે પીપલછટ ગામે ભોજન સમારંભ રખવામાં આવ્યું હતું. એમાં વાંટા, નારપુરી, રામપુરી, જેસર, ગોપરી, અને પીપલછટનાં ગ્રામજનો ઉપરાંત સગાં-વહાલાંને લગ્નનું આમંત્રણ આપી જમાડવામાં આવ્યા હતા. જ્યારે બીજા દિવસે કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ માસ્ક ધારણ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી માત્ર 50 જાનૈયાઓને લઈ વાજતેગાજતે કલાભાઈની જાન ઠાસરામાં રહેતા વિક્રમભાઈ રબારીને ત્યાં પહોંચી હતી.
હિન્દુ રીતરિવાજ પ્રમાણે બંને લગ્નગ્રંથિથી જોડાયાં હતાં અને સાંજે 4 વાગે ઠાસરાથી લીલાબેન રબારીને પોતાના ભાઈએ ઘરેથી વિદાય આપી હતી. તેમના ભાઈને ક્યાં ખબર હતી કે, તેઓ પોતાની બહેનને અંતિમ વિદાય આપી રહ્યા છે. ચાર દાયકાથી લગ્ન કર્યા વિના ફરતા કલાભાઈ રબારી નવેલી દુલ્હન લઈ ઘરે આવતાં સમસ્ત ગ્રામજનોને નવાઈ લાગી હતી અને તેમની દુલ્હનને જોવા ફળિયાવાળા તેમજ ગ્રામજનો ઊમટી પડ્યાં હતાં. ગામના મહારાજને બોલાવી વિધિ મુજબ મીંઢળ છોડવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
થોડા જ સમયમાં કલાભાઈની ધર્મપત્ની લીલાબેનને ચક્કર આવ્યાં હતાં. તબિયત વધુ ખરાબ થતાં કલાભાઈ અને પરિવારના સભ્યો લીલાબેનને કાલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા હતા. આ દરમિયાન રસ્તામાં જ લીલાબેનનું મૃત્યુ હતું. દવાખાને પહોંચ્યા ત્યારે ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના ભાઈને જાણ કરી અને પોતાની બહેનના મૃતદેહને ઠાસરા ગામે લઇ ગયો હતો અને ગળતેશ્વર મહીસાગર નદીમાં પરિવારની ઉપસ્થિતિમાં અગ્નિદાહ અપવામાં આવ્યો હતો.
મંડપમાં બાંધેલાં લીલાં તોરણ હજી તો લીલાં જ હતાં અને ઘડીભરની ખુશી આપી લીલાએ વિદાય લીધી હતી. આમ બન્ને પરિવારોમાં આવેલી ખુશીઓ થોડા જ સમયમાં ગમમાં પરિવર્તન થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle