ભાવનગરની કોલેજમાં અભ્યાસ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ ભાઈ વાઘાણીના પુત્ર મીત વાઘાણીને કારણે તેઓ સંકોચજનક સ્થિતિમાં મુકાયા હોવાની જાણકારી મળી રહી છે. હાલમાં ભાવનગર યુનિર્વસિટીમાં પરીક્ષા ચાલી રહી છે ત્યારે ભાવનગરની જાણિતી એમ જે કોર્મસ કોલેજમાં પરીક્ષા આપી રહેલા મીત જીતુ વાઘાણી પાસેથી 27 કાપલીઓ પકડતા બ્લોક સુપરવાઈઝર દ્વારા કોપી કેસ કરવામાં આવ્યો છે, જો કે આ મામલે જીતુ વાઘાણીનું નામ જોડાયેલુ હોવાને કારણે આ મામલે યુનિર્વસિટી સત્તાવાળાઓ દ્વારા મૌન ધારણ કરી લેવામાં આવ્યું છે.
મળતી જાણકારી પ્રમાણે ભાવનગરની એમ જે કોર્મસ કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી, ત્યારે બ્લોક સુપરવાઈઝર પ્રાધ્યાપકના ધ્યાનમાં આવ્યું કે કેટલાંક વિદ્યાર્થીઓ પરીક્ષામાં બહારથી સાહિત્ય લાવી કોપી કરી રહ્યા છે. જેના આધારે તેમણે વિદ્યાર્થીઓની ઝડતી લેતા તેમની પાસેથી પરીક્ષા સંબંધી માહિતી લખેલી કાપલીઓ મળી આવી હતી. જેમાં મીત જીતુ વાઘાણી પાસેથી 27 કાપલીઓ મળી આવી હોવાની જાણકારી મળી રહી છે. જો કે પ્રાધ્યાપક વાટલીયાએ મીતને પકડતા તેણે કોલેજમાં હોબાળો મચાવ્યો હતો અને માઠા પરિણામ માટે તૈયાર રહેવા પ્રાધ્યાપકને ધમકી આપી હોવાની જાણકારી પણ મળી છે. મીત નો સીટ નંબર 2121006 હતો.
આમ છતાં પ્રાધ્યાપક વાટલીયાએ મક્કમતાથી પરિસ્થિતિને સંભાળી કોપી કેસ કર્યો હતો અને તેઓ યુનિર્વસિટી પહોંચ્યા હતા. મીત જીતુ વાઘાણી કોપી કેસમાં પકડાયો છે તેવી જાણકારી મળતા સમાચાર માધ્યમો યુનિર્વસિટી ખાતે પહોંચ્યા હતા. પ્રાધ્યાપક વાટલીયા તેમણે કરેલા કેસના કાગળો વાઈસ ચાન્સેલર મહિપતસિંહ ચાવડાને સોંપી બહાર નિકળ્યા ત્યારે સમાચાર માધ્યમોના પ્રતિનિધિએ મીત વાઘાણી અંગે સવાલ પુછયા ત્યારે તેમણે સૂચક જવાબ આપ્યો હતો કે મારી નિવૃત્તી નજીક છે. આ મામલે ઘટનાની ખરાઈ કરવા માટે મહિપતસિંહ ચાવડાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જાણકારી આપી હતી કે પરીક્ષા દરમિયાન કુલ સાત કેસ થયા છે પણ કોની સામે થયા તેમના નામની મને ખબર નથી.
આમ મીત વાઘાણીના નામના કારણે બધાના મોંઢા સિવાઈ ગયા હતા, જ્યારે પ્રાધ્યાપક વાટલીયાન સંપર્ક કરવાનો પ્રયત્ન થયો ત્યારે તેમના ફોનની રીંગ વાગી રહી હતી ત્યાર બાદ ફન સ્વીચ ઓફ થઈ ગય હતો. અત્રે ઉલ્લેખનિય છે કે મીત વાઘાણીને ચોરી કરતા પકડનાર પ્રાધ્યાપક વાટલીયા મંત્રી વિભાવરી દવેના નજીકના ગણાય છે અને તેમને વાઈસ ચાન્સેલર બનાવવામાં આવશે તેવું માનવામાં આવતું હતું, પણ સરકારે મહિપસિંહ ચાવડાને વાઈસ ચાન્સેલર બનાવી દીધા હતા. મીત વાઘાણી કોપી કરતા પકડાયો તેની સાથે જીતુ વાઘાણીને કોઈ સીધો સંબંધ નથી, આમ છતાં વાઘાણી ભાજપના પ્રદેશ પ્રમુખ હોવાને કારણે વિરોધીઓ આ ઘટનાનો ભરપુર ઉપયોગ કરશે આમ પુત્રના ભુલની સજા પિતા મળશે.