શહેરમાં કડક દારૂબંધીનો પોલીસ કડક હાથે અમલ કરતાં લોકો હવે મુંબઈ અને દમણથી દારૂ લાવતાં પણ અચકાતા નથી. આવો એક કિસ્સો રવિવારે મધરાત્રે પ્રકાશમાં આવ્યો છે. જેમાં લગ્નપ્રસંગની પાર્ટી માટે મહારાષ્ટ્રના થાણેથી લક્ઝરીયસ કારમાં 34 હજારનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવવાના ચક્કરમાં ઉદ્યોગપતિનો પુત્ર સચિન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
સુરતના ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલનો કાકાનો દીકરો દારૂ સાથે પકડાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બિસ્નુ નરેન્દ્ર પટેલ (28) મહારાષ્ટ્ર થાણા હાઇવેના વાઇન શોપમાંથી દારૂ લઇને સુરત આવી રહ્યો હતો. રવિવારે રાત્રે જ્યારે તે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે ભાટિયા ચેકપોસ્ટ પાસે તેની સફેદ કલરની ટોયોટા કારમાં તે પકડાયો હતો. એક બીજી કાર પણ હતી. કારમાંથી બીયરના 68 ટીન સહિત રૂ. 34 હજારનો દારૂ પકડાયો હતો. આ અંગે પૂછતા ધારાસભ્ય ઝંખના પટેલે સ્વીકાર્યું હતું કે બિસ્નુ તેમના કાકાનો દીકરો છે. અહીં પોલીસે જે કેસ કર્યો છે તેમાં એવો ઉલ્લેખ છે કે બિસ્નું આ દારૂ વેચવાના હેતુસર લાવ્યો હતો એટલે બુટલેગિંગનો કેસ બને છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીની આચારસંહિતા હોવાને કારણે ગત મહિનામાં દારૂ આવવાનો બંધ થઇ ગયો હતો. હજુ પણ બંધ છે પરંતુ જ્યારે માર્કેટમાં દારૂ મળતો નથી ત્યારે સારા ભાવ મળે તે માટે મહારાષ્ટ્ર અને દમણથી લોકો દારૂ લઇ આવતા હોય છે. પોલીસે દારૂ અને કાર સહિત રૂ. 30 લાખની મતા જપ્ત કરી છે.