આયકર વિભાગે ગુરૂગ્રામ સ્થિત 150 કરોડ રૂપિયાની હોટલને બેનામી સંપત્તિ હેઠળ જપ્ત કરી છે. તપાસમાં ખબર પડી કે આ બેનામી સંપત્તિ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલના પુત્ર અને કોંગ્રેસ નેતા કુલદીપ બિશ્નોઇ અને ચંદર મોહનની છે.આયકર વિભાગે આ કાર્યવાહી બેનામી સંપત્તિ લેવડદેવડ અધિનિયમ,1988ની કલમ 24 (3) હેઠશ કરી છે. આયકર વિભાગની બેનામી નિષેધ એકમ (BPU)એ આ કાર્યવાહી કરી છે.
આયકર વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી સંપત્તિનું બ્રાઇટ સ્ટાર હોટલ પ્રાઇવેટ લિમિટેડના નામ પર છે, જેમાં 34% શેર અન્ય કંપનીના નામે છે જે બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં રજિસ્ટર્ડ છે. આ કંપની સંયુક્ત અરબ અમીરાતથી સંચાલિત થાય છે.
આયકર વિભાગે આ કાર્યવાહી જુલાઇ 2019માં કંપની સાથે જોડાયેલી તપાસમાં પુરાવાના આધાર પર કરી છે. આ તપાસમાં આયકર વિભાગને કેટલાક એવા પુરાવા હાથ લાગ્યા હતા જેનાથી કંપનીના સ્વામિત્વ પર શક થયો હતો. બ્રિસ્ટલ હોટલના સ્વામિત્વને લઇને આયકર વિભાગને અનિયમિતતા જોવા મળી હતી.તે બાદ કાર્યવાહી કરતા બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
બ્રિટિશ વર્જિન આઇલેન્ડની કથિત બેનામી શેરધારક બિશ્નોઇ પરિવારના ઘણા નજીક છે. આ સંપત્તિ વિશે નિર્ણય લેવાનો હક બિશ્નોઇ પરિવાર પાસે જ છે. બ્રાઇટ સ્ટાર હોટલ પ્રાઇવેટ લિમિટેડ શેરમાં અધિગ્રહણ માટે ચુકવણીનો અંતિમ નિર્ણય પણ બિશ્નોઇ પરિવાર દ્વારા જ કરવામાં આવી છે અને તે ભારત અને વિદેશમાં સ્થિત પોતાના સહયોગીઓના માધ્યમથી તેની પર નિયંત્રણ રાખતા હતા.
જુલાઇમાં ITએ કરી હતી રેડ
આયકર વિભાગના અધિકારીઓએ જુલાઇમાં ટેક્સ ચોરી સાથે જોડાયેલા મામલે બિશ્નોઇના હરિયાણાના હિસાર,મંડી, આદમપુર અને ગુરૂગ્રામ સહિત કુલ 13 સ્થળો પર 23 જુલાઇએ રેડ કરી હતી. જેમાં કેટલીક બેનામી સંપત્તિ સહિત કરોડો રૂપિયાની લેવડ-દેવડ, ચલ-અચલ સંપત્તિ સબંધિત ડીલ વિશે જાણકારી અને પુરાવા મળ્યા હતા. આયકર વિભાગને યૂએઇ અને પનામામાં કુલદીપ બિશ્નોઇની કંપનીના શેરની જાણકારી અને દસ્તાવેજ મળ્યા હતા.
રેડ દરમિયાન આયકર અધિકારીઓએ કહ્યું હતું કે નાણાકીય લેવડ દેવડ સાથે દસ્તાવેજ અને બેન્ક ખાતા નંબર અને કેટલીક સંપત્તિ સબંધિત દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સિવાય સર્ચ ઓપરેશનમાં અધિકારીઓએ બિશ્નોઇના કોમ્પ્યૂટર અને લેપટોપને પણ જપ્ત કર્યુ હતું.
કોંગ્રેસના ધારાસભ્ય છે કુલદીપ બિશ્નોઇ
હરિયાણાના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા ભજન લાલના પુત્ર કુલદીપ બિશ્નોઇ ધારાસભ્ય છે, જ્યારે તેમની પત્ની રેણુકા બિશ્નોઇ પણ રાજ્ય વિધાનસભામાં હાંસી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. બન્ને પતિ-પત્નીએ 2014માં વિધાનસભા ચૂંટણીમાં હરિયાણા જનહિત કોંગ્રેસના ઉમેદવારના રૂપમાં જીત મેળવી હતી. બાદમાં 2016માં પાર્ટીનું કોંગ્રેસમાં વિલય થઇ ગયુ હતું, તેમના પુત્ર ભવ્ય બિશ્નોઇએ તાજેતરમાં જ કોંગ્રેસના ઉમેદવાર તરીકે હિસાર સંસદીય બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી.