ભારતીય જનતા પાર્ટીનાં જ સિનીયર મહિલા નેતાએ નરેન્દ્ર મોદી અને રેલ્વેમંત્રી પિયુષ ગોયલને આડે હાથ લીધા હતા અને સલાહ આપી કે, બુલેટનાં સપનાં જોવાનું ભુલી જાવ, પહેલા જે ટ્રેનોમાં લાખો લોકો પ્રવાસ કરે છે તેને સારી રીતે ચલાવો.
ભાજપનાં નેતા લક્ષ્મી કાંતા ચાવલાએ એક વીડિયો દ્વારા તેમની આ વેદના કહી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. લક્ષ્મી કાંતા ચાવલાને ટ્રેન મોડી પડવાનો કડવો અનુભવ થયો હતો અને પછી તેમણે પોતાનો વીડિયો બનાવી ગુસ્સો ઠાલવ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે, લક્ષ્મી કાંતા ચાવલા પંજાબ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સરયુ—મુના ટ્રેનમાં 22 ડિસેમ્બરનાં રોજ પ્રવાસ કરી રહ્યા હતા અને તેમની ટ્રેન 10 કલાક મોડી પડી હતી. આ પછી તેમણે પોતાના મોબાઇલમાં પોતાનો જ વીડિયો બનાવ્યો હતો.
તેમણે આ વીડિયોમાં કહ્યું કે, મારી વડાપ્રધાન મોદીને અપીલ છે કે, અમારા જેવા સામાન્ય માણસ તરફ જુઓ. ટ્રેન સિસ્ટમ પડી ભાંગી છે. છેલ્લા 24 કલ્લાકમાં અમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ટ્રેને તેની દિશા બદલી છે અને લેટ ચાલે છે. પણ અમને કોઇ એની માહિતી આપતુ નથી. ટ્રેન મોડી પડવાને કારણે લોકોને સહન કરવુ પડે છે અને કોઇ તેમને ખાવાનું પણ આપતું નથી”.
તેમણે આગળ કહ્યું કે, કલાકે 200 કિલોમીટર દોડતી ટ્રેનને ભૂલી જાવ. પહેલા એ જુઓ કે, લોકો ફટપાથ પર છે. વેઇટીંગ રૂમ નથી અને ઠંડીમાં લોકોએ ખુલ્લામાં સુવુ પડે છે. પિયુષ ગોયલજી અને મોદીજી”.
પૂર્વ મંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો કે, રેલ્વેનાં અધિકારીઓ ભ્રષ્ટાચારી છે. રેલ્વે દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ હેલ્પલાઇન પર મેં ફોન કર્યા પણ કોઇ જવાબ આપતું નથી. એવુ લાગે છે કે, આ હેલ્પલાઇન નંબર માત્ર વર્તમાન પત્રો માટે જ છે.”
“શતાબ્દી અને રાજધાની ટ્રેન ધનવાનો માટે છે. પણ સામાન્ય ટ્રેનોનું શું ? આ ટ્રેનોમાં ગરીબ માણસો પ્રવાસ કરે છે. સૈનિકો પ્રવાસ કરે છે. મજુરો પ્રવાસ કરે છે. હું ઇચ્છુ કે, રેલ્વેમંત્રી સામાન્ય ટ્રેનોમાં પ્રવાસ કરે અને લોકોની વેદના જાણે. મોદીજી, લોકો દુખી છે. મને એ નથી સમજાતુ કે, કોણે અચ્છેદિન જોયા. સામાન્ય માણસોએ તો અચ્છેદિન જોયા જ નથી” તેમણે વધુમાં જણાવ્યુ હતું.