સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે તેમજ ઘણા લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર મુસ્લિમ લોકોએ પણ હિન્દુ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરીને માનવતા મહેકાવી છે. આ દરમિયાન આજે ગરીબ પરિવારની એક મુસ્લિમ મહિલાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ મહિલાએ કોરોનાની મહામારી વચ્ચે મધર ટેરેસા જેવું કામ કર્યું છે.
મળતી માહિતી મુજબ, મોરબી સિવિલ હોસ્પિટલમાં હસીનાબેન લાડકા નામની મુસ્લિમ મહિલા વર્ષોથી નિ:શુલ્ક સેવા આપે છે. મહત્ત્વની વાત એ છે કે, આ મહિલા કોરોનાની મહામારી વચ્ચે દિવસ-રાત દર્દીઓની સેવા કરે છે. આ ઉપરાંત કોરોનાની સારવાર દરમિયાન જે વ્યક્તિનું મૃત્યુ થાય તે વ્યક્તિના મૃતદેહને પોતે મુસ્લિમ હોવા છતાં પણ ધાર્મિક વિધિ અનુસરીને તેમને અંતિમ મંજિલ સુધી પહોંચાડે છે.
જાણવા મળ્યું છે કે, હસીનાબેન લાડકા છેલ્લા 16 વર્ષથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને અલગ-અલગ રીતે મદદ કરે છે. હાલ તેઓ કોરોના ગ્રસ્ત દર્દીઓ વચ્ચે 24 કલાક સેવા આપી રહ્યા છે. હસીનાબેન ગરીબ પરિવારમાંથી આવતા હોવા છતાં પણ તેઓ સિવિલ હોસ્પિટલમાં 16 વર્ષથી દર્દીઓને મદદરૂપ થઈને માનવતા મહેકાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ કુલ 2800થી વધારે મૃતદેહોની અંતિમવિધિ કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત વર્ષોથી નિ:શુલ્ક સેવા કરતા હસીનાબેન લાડકા મોરબીના વીસીપરા વિસ્તારમાં તેમની 3 દીકરી અને પતિ સાથે રહે છે. તેમના પતિ ભાડે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સવારના 5 વાગ્યે હસીનાબેન અને તેમના પતિ નમાઝ પઢીને ઘરની બહાર નીકળી જાય છે.
મળતી માહિતી મુજબ, પતિ પોતાની રિક્ષા લઈને રોજગારી મેળવવા જાય છે અને હસીનાબેન સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવા માટે જાય છે. કોરોનાની સારવાર દરમિયાન જો દર્દીનું મોત નીપજ્યું હોય તો દર્દીના પરિવારજનો મૃતદેહને છોડીને ભાગી ગયા હોવાના કિસ્સાઓ પણ ઘણા સામે આવે છે.
આ દરમિયાન કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર હસીનાબેન લાડકા કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહને ધાર્મિક સન્માન સાથે ધાર્મિક સૂત્રોરચાર સાથે શાબવાહીની સુધી પહોંચાડે છે. હસીનાબેન લાડકાના પતિ તેમને ક્યારેય પણ આ સેવાકાર્ય કરતા રોકી નથી. બીજી મહત્ત્વની વાત છે કે, તેઓ કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં સેવા પણ કરી રહ્યા છે.
ઉપરાંત અત્યાર સુધીમાં તેમને કે તેમના પરિવારના કોઈ પણ સભ્યને કોરોનાનું સંક્રમણ થયું નથી. જો કોઈ હિન્દુ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થાય તો તેઓ હિન્દુ વ્યક્તિના મૃતદેહને રામ નામ સાથે શબવાહીની સુધી પહોંચાડે છે અને જો મુસ્લિમ વ્યક્તિનું મોત થાય તો મુસ્લિમ શાસ્ત્ર અનુસાર પ્રાર્થના કરીને મૃતદેહને શબવાહીની સુધી પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.