નવસારી(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમજ રસ્તા પર રખડતા ઢોરને લીધે પણ અનેક બનાવો બનતા હોય છે. રસ્તા પરથી પસાર થવું જાણે જોખમી બન્યું હોય તેમ અવારનવાર રખડતા ઢોરો રાહદારીઓને અડફેટે લઇને તેમને ઘાયલ કરી રહ્યા છે. આ દરમિયાન આજે સવારે ગાર્ડા કોલેજમાં T.Y.બી.કોમની પરીક્ષા આપવા જઇ રહેલા વિશાલનું કાલીયાવાડી નજીક ઢોરની અડફેટે ઘાયલ થયા બાદ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ અંગે કલ્પાંત કરતી વિશાલની માતાએ રડતા કહ્યું હતું કે, મારા દીકરાએ આખી રાત જાગીને વાંચ્યું હતું અને આજે તેનું બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષયનું પેપર હતું જેને લઇને તે વહેલી સવારે બાઈક પર કોલેજ જવા નીકળ્યો હતો. પરંતુ, તેને ક્યાં ખબર હતી કે તેનું મોત કાલીયાવાડીના એ.બી સ્કૂલ પાસે રાહ જોઈ રહ્યું છે. રખડતા ઢોરે એકાએક તેને ટક્કર મારતા તે નીચે ફંગોળાયો હતો અને ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લઇ જવામાં આવ્યા હતો. જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારને જાણ થતા તાત્કાલીક પરિવાર સિવિલ દોડી આવ્યો હતો અને તેને મૃત જોઈ તેમના ઉપર આભ તૂટી પડયું હતું.
જાણવા મળ્યું છે કે, પરિવારનો આશાસ્પદ અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતા પિતા સહિત માતા અને ભાઈના આંસુ પળવાર માટે પણ રોકાતા ન હતા. વિશાળ હળપતિના મિત્ર વિશાળ બારોટે જણાવ્યું કે, અમે બંને સ્કૂલથી લઈને કોલેજ સુધી સાથે જ અભ્યાસ કર્યો છે પણ કોલેજમાં તેણે બી.કોમ અને મેં B.A.વિષય પસંદ કર્યો હતો. આજે તેનું પેપર હતું અને તે સવારે કોલેજ જવા નીકળ્યો હતો. આ દરમિયાન, કાલીયાવાડી પાસે તેનું ઢોરની અડફેટે મોત થયું છે.
તેણે વધુમાં જણાવ્યું કે, મારું નગરપાલિકાને એક જ કહેવું છે કે આવા રખડતા ઢોરને એકત્ર કરી શહેરમાંથી દૂર કરવા જોઈએ. અકસ્માતને નજરે જોનાર રતિલાલ પટેલના જણાવ્યા મુજબ, ખડસુપા બોડીંગ પાસે રહેતો યંગ છોકરો જે રોજ સવારે કોલેજમાં જાય છે તેને ઢોરોએ અડફેટે લીધો હતો. આમ તો રોજ સવારે અહીં પશુપાલકો પોતાના ઢોરને છોડી મુકતા હોય છે. આ યુવાન ઢોર સાથે એટલી જોરમાં અથડાયો કે તેનું માથું ફાટી ગયું હતું અને તે રસ્તા ઉપર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો.
ત્યારે અમેં તાત્કાલિક તેની પાસે પહોચ્યા હતા ત્યાં તે બેભાન થઇ ગયો હતો અને મારા અંદાજ મુજબ તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. આ વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં મુખ્ય માર્ગ પર ઢોરનો જમાવડો હોય છે આ ઉપરાંત દુધિયા તળાવ વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતિ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.