લોકસભા ચૂંટણી 2019 પહેલા જ ઝારખંડના પલામૂમાં નક્સલીઓએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યલાયને બોમ્બથી ઉડાવી દીધું હતું. નક્સલીઓએ ભાજપ કાર્યાલય પાસે ફાયરિંગ પણ કર્યું હતું. ભાજપનું આ પોલીસ સ્ટેશનથી નજીક હતું. નક્સલીઓએ ઘટનાસ્થળે એક ચિઠ્ઠી પણ મુકી હતી.જેમાં નક્સલીઓએ જનતાને અપીલ કરી છે કે, 17મી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરો અને જનતાની જનવાદી સત્તાને સ્થાપિત કરો, આ ઘટના પલામૂ જિલ્લાના હરિહરગંજ બજારમાં બની હતી.
ઝારખંડમાં નકસ્લીઓ ચૂંટણી સમયે જ બેકાબૂ બન્યા છે. ઝારખંડના પલામૂ જિલ્લાના હરિહરગંજ બજારમાં બ્લાસ્ટ કરી ભાજપનું આખેઆખું કાર્યાલય ઉડાવી દીધું હતું. આ ઘટનાને અંજામ આપ્યા બાદ નકસલવાદીઓ એક ચિઠ્ઠી છોડી ગયાં હતાં. આ ચિઠ્ઠીમાં ચૂંટણી પ્રત્યે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ચિઠ્ઠીમાં નક્સલીઓએ વડાપ્રધાન મોદીની તુલના દેડકા સાથે કરી છે. ચિઠ્ઠીમાં દાવો કરવામાં આવ્યો છે કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓને જનતાના દુ:ખ-દર્દ, ભૂખમરા, બેરોજગારી જેવા પ્રશ્ર્નોનું ભાન થાય છે.
આ ચિઠ્ઠીમાં રાફેલ ડીલ કૌભાંડ, વિજય માલ્યા, નીરવ મોદી અને નોટબંદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પહાડો અને મૂળ રહેવાસીઓને સ્થાનાંતરિત કરીને કુદરતી સંસાધનો તથા ખનીજ સંપત્તિઓને કોર્પોરેટ ઘરોને સોંપી દેવાનો આરોપ પણ લગાવ્યો.
બિહારની નીતિશ સરકાર પર પણ આ ચિઠ્ઠી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. મુઝફ્ફર બાળગૃહનો પણ આ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસનો ઉલ્લેખ કરતા ચિઠ્ઠીમાં લખ્યું છે કે, સરકારે વનવાસિયો, આદિવાસિઓને જંગલી-પહાડી વિસ્તારોમાં વિસ્થાપિત કરીને કુદરતી તથા ખનીજ સંપત્તિઓને લૂંટવા માટે કોર્પોરેટરને સોંપી દીધા છે.
હરિહરગંજ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે.
પલામૂમાં ચોથા તબક્કામાં 29 એપ્રિલે મતદાન યોજાશે.2014ની ચૂંટણીમાં ભાજપના વિષ્ણુ દયાળ રામે આશરે 2.50 લાખથી વધારે મતોથી આરજેડીના ઉમેદવાર મનોજ કુમારને હરાવ્યા હતા, વિષ્ણુ દયાળ રામને 4.76 લાખ અને મનોજ કુમારને 2.12 લાખ વોટ મળ્યા હતા.