સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની આબરૂના લીરેલીરા: એરપોર્ટ પરિસરમાં આવી ગયાં ભૂંડનાં ટોળા, જુઓ વિડિયો

Surat International Airport: બફેલો હિટની ઘટના બાદ હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પરિસરમાં ભૂંડોનો જમાવડો મુસાફરોને ચોંકાવી રહ્યો…

Surat International Airport: બફેલો હિટની ઘટના બાદ હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પરિસરમાં ભૂંડોનો જમાવડો મુસાફરોને ચોંકાવી રહ્યો છે. એરપોર્ટ પરિસરમાં એકબે નહીં પરંતુ 5થી વધુ ભૂંડ ફરતા જોવા મળ્યાં હતાં આ પહેલા પણ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ(Surat International Airport) પર બફેલો હિટ જેવી ઘટનાઓ બની ચુકી છે. તાજેતરમાં રનવે પર એક ટ્રક સાથે પ્લેન અથડાયું હતું. આમ છતાં એરપોર્ટ ઓથોરિટી આ બધામાંથી બોધપાઠ લેતી નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.ત્યારે ભૂંડ ફરતાં હોવાનો વીડિયો સામે આવતાં એરપોર્ટ મેનેજમેન્ટ ટીમની આબરૂના લીરેલીરા ઊડ્યા છે.

5થી વધુ ભૂંડ એરપોર્ટમાં આવી જતા લોકો ચોંકી ઉઠ્યા
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પરિસરમાં વારંવાર ભેંસ, કૂતરા, બિલાડા અને હવે ભૂંડ દેખાતાં એનિમલ હિટની ઘટના બનવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. હકીકતમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની લાલિયાવાડીથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો કારભાર બસ સ્ટેન્ડ કરતાં પણ જાય એ દિશામાં જઈ રહ્યો છે.સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની આબરૂના લીરેલીરા ઉડાવતાં ભૂંડના ટોળાથી દિવાલમાં બાકોરાં પડ્યાં છે કે કેમ તેવા પ્રશ્નો પણ ઉભાં થયાં છે. બીજી તરફ આટલી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ ભૂંડનો પ્રવેશ એરપોર્ટ પરિસરમાં કેવી રીતે થયો તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે સમગ્ર મુદ્દે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ મામલે લૂલા બચાવ કરવા સિવાય કઈ નક્કર કાર્યવાહીની વાત ઉચ્ચારી નથી.અગાઉ પણ સુરત એરપોર્ટ પર જ્યારે બફેલો હીટ જેવી ઘટના બની હતી ત્યારે પણ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી સામે આવી ચૂકી છે ત્યારે પરિસર ની અંદર આટલા ભૂંડ દેખાતા ભૂતકાળથી અધિકારીઓએ કોઈ શીખ ન લીધી હોય તેવું યાત્રીઓ કહી રહ્યા છે.

નજીકમાં ખેતર છે
જોકે આ સમગ્ર મામલે એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે આ સમગ્ર મામલે પાલિકા સહિત અન્ય વિભાગને જાણકારી કરવામાં આવી છે, નજીકમાં ખેતર વિસ્તાર છે જેના કારણે નજીકથી જ આ ભૂંડો એરપોર્ટમાં આવી જતા હોય છે. આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો નિકાલ થઈ જશે.

ઓથોરિટીની કાર્ય પ્રણાલી પર પણ સવાલો ઉભા થયા
એરપોર્ટ પરિસરમાં દુનિયાભરના લોકો અવર-જવર કરતા હોય છે ત્યારે પરિસરમાં કોઇ જાનવર ફરતું હોય તો તેનાથી એરપોર્ટ ઓથોરિટીની કાર્ય પ્રણાલી પર પણ સવાલો ઉભા થાય છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડુક્કરના દેખાવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ પરિસરમાં ડુક્કરના ફરવાની ઘટના પ્રકાશમાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ડુક્કર જેવું પ્રાણી જ્યારે પરિસરમાં ફરતું હોય ત્યારે યાત્રીઓની સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ ઘણા સવાલો ઉભા થઇ જાય છે.

તંત્રએ ઘણીવાર સુરત મહાનગરપાલિકાને લેખિતમાં રજૂઆતો કરી
આ મામલે સુરત એરપોર્ટ ડિરેક્ટર એસ. સી. ભાલસેએ જણાવ્યું હતું કે સ્ટ્રીટ ડોગ અને ભૂંડ પકડવાનું કામ એરપોર્ટનું નથી. વહીવટી તંત્રએ ઘણીવાર સુરત મહાનગરપાલિકાને લેખિતમાં રજૂઆતો કરી છે, જેમાં બ્યૂટિફિકેશનવાળા એરપોર્ટ રોડ પરથી રખડતાં કૂતરા અને ભૂંડ એરપોર્ટમાં પ્રવેશી ન જાય એ માટે સહયોગ આપવા જણાવ્યું છે. અમને આશા છે કે સુરત મનપાનો સહકાર મળશે. જોકે આજે તંત્રએ ચારેક જેટલાં ભૂંડને એરપોર્ટ પરિસર બહાર ધકેલ્યાં હતાં.

અગાઉ બફેલો હિટની ઘટના બની હતી
સુરત એરપોર્ટ પર થોડા દિવસો અગાઉ જ એક ડમ્પરની સાથે પ્લેનની પાંખ ટકરાઈ હતી. આ સિવાય છેલ્લા છ વર્ષણાં 101 બર્ડ હીટ અને એનિમલ હીટના બનાવો બન્યા છે. તેમ છતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા ભૂંડ અંદર પ્રવેશી ગયા હોવાના બનાવો બન્યાં છે. ત્યારે અગાઉ ભેંસ ભટકાતા સુરતથી પ્લેન ઉડવાના બંધ થયા હતાં. તેવી ઘટના ન સર્જાય તે માટે તકેદારી રાખવામાં આવે તે જરૂરી બન્યું હોવા છતાં લાપરવાહી રાખવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.