આગ (fire)ની ઘટનાઓ ઘણી વધી રહી છે. ત્યારે આગની વધુ એક ઘટના સામે આવી છે. જામનગર (Jamnagar)ની એલેન્ટો હોટલ (Alanto Hotel)માં ગુરુવારે ભીષણ આગ લાગી હતી. જાણવા મળ્યું છે કે, આગ લાગી ત્યારે હોટલમાં 27 લોકો હાજર હતા, સદ્દનસીબે આ તમામનો બચાવ થયો હતો. આગમાં તમામ લોકોનો જીવ બચાવવામાં હોટલના રસોઈયાઓનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. આગ લાગતાં નેપાળી રસોઈયાઓ (cooks)એ પોતાની સૂઝબૂઝથી સૌપ્રથમ ગેસ-સિલિન્ડર(gas-cylinder) બહાર ફેંકી દીધા હતા, જેથી આગ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે અને ત્યાર બાદ એક બાદ એક ગેસ્ટને પાછળના દરવાજાથી બહાર કાઢ્યા હતા. આ રીતે દરેકનો બચાવ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
દીવાલ કૂદીને જનરેટર બંધ કર્યું:
મળતી માહિતી અનુસાર, જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા નજીક આવેલી હોટલ એલેન્ટોમાં ગુરુવારે રાત્રિના સાડા ઠેક વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. ગણતરીની જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આખી હોટલમાં ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન 27 લોકો હોટલની અંદર હતા. તમામ લોકોનો જીવ બચાવવામાં હોટલના રસોઈયાઓનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. ઘટના બની ત્યારે હોટલના કિચનમાં કામ કરતા નેપાળી યુવકોએ તરત ગેસ-સિલિન્ડર બહાર ફેંકી દીધા હતા.
બે-ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી:
આ અંગે કુક ડિપાર્ટમેન્ટના અજિત થાપા નામના યુવકે જણાવ્યું હતું કે, જ્યારે આગ લાગી ત્યારે હું કિચનમાં હતો. શોર્ટસર્કિટથી આગ લાગ્યાની 10 મિનિટ પછી અમને ખબર પડી. ત્યારે આગ ઘણી ફેલાઇ ગઇ હતી. શરૂઆતમાં અમે અમારી રીતે એક્સટિંગ્વિસરની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ સફળતા ન મળી.
ત્યારબાદ અમે ફાયર વિભાગને જાણ કરી. અમારે જનરેટર બંધ કરવું હતું, પણ તાળાની ચાવી ન મળી, જેથી દીવાલ કૂદીને જનરેટર બંધ કર્યું અને પછી ગેસ-સિલિન્ડર બહાર ફેંક્યા. આગળના દરવાજેથી ગેસ્ટ બહાર જઇ શકે એમ ન હોવાથી અમે પાછળના દરવાજેથી તમામ ગેસ્ટને બહાર કાઢ્યા હતા. જોકે બે-ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનામાં કોઈ જાનહાનિ નહીં:
આગ લાગતાં હોટલનું ફાયર એલાર્મ ગુંજી ઊઠ્યું હતું, જેથી તમામ લોકો હોટલની બહાર દોડી આવ્યા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમજ ઘટનાની જાણ થતાં જ જામનગર એસપી પ્રેમસુખ ડેલુ અને કલેક્ટર તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.